કહ્યો છે આ સંસાર અસાર.
નીરસ તેમજ મિથ્યા માન્યો
કૈંએ કરી વિચાર ... કહ્યો છે.
સમશ્યાભર્યો રહસ્યમય છે
પીડા પારાવાર;
જ્ઞાનીજન પણ ઉપદેશે છે
કૈં ન બતાવે સાર ... કહ્યો છે.
હર્ષશોક ને તાપછાંયનાં
તેમાં દ્વંદ્વ અપાર;
ચંચળ છે અતિ, પળપળ તેને
ભક્ષી જાયે કાળ ... કહ્યો છે.
યોગીજન પણ રડ્યા ઘણાયે
કબૂલ કરતાં હાર;
જટિલ જંગ છે એવો આ તો,
કેમ પમાયે પાર ? ... કહ્યો છે.
‘પાગલ’ પ્રેમ ન પ્રકટે ત્યાં લગ
ભલે ગણાય અસાર;
તમે મળો તો સ્વર્ગ સાંપડે,
ટળે બધા અવિચાર ... કહ્યો છે.
- © શ્રી યોગેશ્વરજી

