Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિસર્યો ના વિસરાયે પ્રેમ !

પ્રતિપળ પ્રબળ બને અંતરમાં,
જાય સમૂળો કેમ ?
જડ ઘાલી છે મુજ જીવનમાં,
વરસે નિશદિન રે’મ ! ... વિસર્યો.

તન મન અંતરને આવરતાં
પ્રસર્યો પવનની જેમ;
પ્રાણમહીં છે મળી ગયો એ,
અલગ કરાયે કેમ ? ... વિસર્યો.

શ્વાસોશ્વાસે સાકાર બને,
વહે રક્તમાં તેમ;
ધબકારામાં ધબકે છે એ,
તાણાવાણા જેમ ... વિસર્યો.

થયો વચન તેમજ દૃષ્ટિમાં
ઓતપ્રોત એ પ્રેમ;
અહંભાવને આસન બેઠો
સત્તાધારી જેમ ... વિસર્યો.

વિસરાશો ના લેશ કદીયે,
વધો નિરંતર તેમ;
‘પાગલ’ને નિજ રૂપ કરી દો,
સંપૂર્ણ કરો નેમ ... વિસર્યો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit