Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જોજે ધીરજનો ભંગ કદી થાય ના !
આશા ન તૂટે ને શ્રદ્ધા ન ખૂટે,
હિંમતનો રંગ કદી જાય ના !
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

જંગ જોઈ ડરી જાય, દર્દથી ડગે જે,
પીડાથી પ્રજળે ને ઘા ના સહે જે,
તેનાં બંધન શેં જાય, જીત કદી થાય ના !
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

સંકટથી જે ડરે તે જવાંમર્દ શાનો ?
આહ ભરીને મરે તે નામર્દ માનો;
જોજે ઓછો ઉમંગ કદી થાય ના.
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

હર્ષ તેમ રોદન તો જીવનનાં સાથી,
આશા નિરાશા છે તેવાં સંગાથી;
જુસ્સો તેને જોઈને કદી જાય ના.
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

કર્મ જે અખંડ કરે પામે ના શું તે ?
તેને અશક્ય એવું અવનીમાં શું છે ?
ભાગ્યની રેખાથી તે ડરી જાય ના.
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

‘પાગલ’ કે’ ધીરજથી ધપતા જે આગે,
નિદ્રા છોડીને સવેળા તે જાગે;
કીધાં કર્મો મિથ્યા કદી થાય ના.
જોજે ધીરજનો ભંગ કદી થાય ના !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit