આજે મારી પૂરણ આશ કરો !
આજે મને અમૃતપાન ધરો !
રૂપ અલૌકિક પ્રકટ કરીને
મારો વિરહ હરો;
મંગલ મિલનમાધુરી મારે
રોમેરોમ ભરો ... આજે.
સૂર્યકિરણથી કમલદલોને
કેવો રંગ મળ્યો !
સ્પર્શ સુધામય પામી તેમજ
મારો શોક ટળો ! ... આજે.
નીતરતો અંતરમાં મારા
અભિનવ નેહ નરો;
સ્નાન કરીને આચમન લઈ
તેને ધન્ય કરો ... આજે.
જીવ મળે શિવને એ સાચો
જીવનહેતુ સરો;
‘પાગલ’ પૂનમ પ્રકટે તેમજ
પૂર્ણ પ્રકાશ કરો ! ... આજે.
- © શ્રી યોગેશ્વરજી

