હું તો રટું છું તારું નામ, સુંદર શ્યામલ ઘનશ્યામ.....
જીવનવનનાં હે વનમાળી, પ્રેમે પધારી આજ,
મીઠી મધઝરતી વાંસલડી, વગાડી પ્રીત જગાડ ... સુંદર
જીવન પ્રભુની પ્રીતે ભરી દે, ભક્તિભાવમાં લીન કરી દે
મસ્ત કરી દે, ધન્ય કરી દે, માંગું છું ચરણે નાથ ... સુંદર
નામસ્મરણની મધુર કેડી પર, કરતાં પુણ્ય પ્રયાણ,
મધુર ભાવે સાદ કરું પ્રિય, પ્રીતમ રૂપે પધાર ... સુંદર
પ્રીતની પવિત્ર રીતે પધારી, પ્રભુપ્રેમની પ્યાલી પાઈ,
કૃપાપાત્ર સંપૂર્ણ બનાવી, બાંધી દે પ્રીતથી પ્રાણ ... સુંદર
રાતદિવસ પોકારું તુજને, ક્યારે આવશે શ્યામ,
આવીને જરી એટલું કહી જા, ઠરવાનું મળ્યું ઠામ ... સુંદર
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : પુષ્પા છાયા
રચના સમયના મનોભાવો
પ્રભુ સાથે સીધી વાતો આવા પ્રેમપૂર્ણ પદ દ્વારા થઈ શકી.
સમાજમાં સામાન્ય રીતે સ્ત્રીઓ જે પંથે ખાસ પ્રયાણ નથી કરતી તે પ્રભુ પંથે જવાનો નિર્ણય દ્રઢ બન્યો ત્યારે એના અનુસંધાનમાં પ્રભુને પ્રત્યક્ષ કરવાની ઝંખના પણ જાગી ઊઠી. પ્રભુને પ્રત્યક્ષ કરવાના પ્રામાણિક પ્રયત્નો શરૂ થયા,જપ, પ્રાર્થના અને એમાંથી પોકારો થવા લાગ્યા.
નામ સ્મરણથી નામીને મળી શકાય છે તો એ જ નામ સ્મરણની મંગલ કેડી ઉપર મધુર સાદ પાડવાનું શરૂ થયું. રાધાભાવે પ્રભુને પ્રીતમરૂપે પધારવાની વિનંતિ શરૂ થઈ. પ્રીતને જગાડી, શ્રદ્ધા ભક્તિ વધારી, મસ્ત બનાવી દે અને ધન્ય બનાવી દે. વળી પ્રીતમરૂપે પધારવામાં વિલંબ થવાનો હોય તો અત્યારે એટલું તો કહી જા કે હું જરૂર તારી પાસે આવીશ.

