મોહન મેં દીઠો રે, મધથી મીઠો.....
સંતસ્વરૂપે એક શ્યામ મેં દીઠો,
અમૃતથી યે અદકો, યોગેશ્વર નામ ધરતો.....મોહન..
કામારપુકુરમાં રામકૃષ્ણ બનતો,
કાલડીમાં શંકરાચાર્ય, લુલુમ્બીમાં બુદ્ધ.......મોહન....
આલંદીમાં એ જ્ઞાનેશ્વર બનતો,
ભારતનો ભવતારક, સરોડામાં પ્રગટ્યો...મોહન....
જે જે તપે તેને છાંયડો દેતો,
એવો એ શીતળ છાંયો, પ્રશાંતિ દેનારો...મોહન....
જે જે ભજે તેને ભાવથી ભેટતો,
ભક્તોની ભીડ ભાંગનારો, ભક્તોને છે વ્હાલો....મોહન....
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : હેમા દેસાઈ
રચના સમયના મનોભાવો
શ્રી યોગેશ્વરજીમાં શ્યામસુંદરની ઝાંખી થવા લાગી. ત્યારે તેમનામાં રહેલી વિશેષતાઓને વાગોળવાનું સ્હેજે મન થાય.
શ્રી યોગેશ્વરજી જેવા સમર્થ સંતપુરૂષ પ્રભુનું પ્રગટ સ્વરૂપ છે. પણ એમની પાસે પહોંચવા સાધક પાસે પવિત્ર પ્રભુપ્રેમની મૂડી જરૂરી બને છે. એમના સાન્નિધ્યને પામવા માટે દિનરાત આંસુના અભિષેક અર્પવા પડે છે. કપરી કસોટી કરીને અંતે ભક્તને ન્યાલ કરી દે છે. એ રીતે શ્રી યોગેશ્વરજી પણ સાચા સાધકને સફળતાને શિખરે પહોંચાડી દે છે. એ અનુભવમાંથી પસાર થવાનું બન્યું ત્યારે આ ભાવના જીવનમાં વણાઈ ગઈ.

