આસનની રીત
હઠયોગ પ્રદીપિકામાં સિદ્ધાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
योनिस्थानकमङ्घ्रिमूलघटितं कृत्वा दृढं विन्यसेन्मेण्ढ्रे
पादमथैकमेव हृदये कृत्वा हनुं सुस्थिरम् ।
स्थानुः संयमितेन्द्रियोऽचलदृशा पश्येद्भ्रुवोरन्तरं
ह्येतन्मोक्षकपाटभेदजनकं सिद्धासनं प्रोच्यते ॥३७॥
- સૌપ્રથમ જમીન પર બેસી ડાબા પગને ઢીંચણથી વાળી એ પગની પાનીને સીટની નીચે રાખવી. અને જમણો પગ વાળી એ પગની પાનીને લિંગના મૂળમાં રાખવી.
- પછી જમણા પગના પંજાને ડાબા પગની પીડી અને સાથળ વચ્ચે ભરાવી દેવો. આસનમાં કરોડ અને કમર સીધાં એક રેખામાં રાખવા. દાઢીને હૃદયથી ચાર આંગળ ઉપર કંઠકૂપમાં લગાવી જાલંધર બંધ કરવો.
- તર્જની (છેલ્લી આંગળી)ના છેડાને અંગૂઠાના મૂળમાં લગાવી બંને પંજાને તે તે બાજુના ઢીંચણ પર ચત્તા મૂકી જ્ઞાન મુદ્રા કરવી. દ્રષ્ટિ ભ્રમરની મધ્યમાં સ્થિર કરવી.
- સર્વસામાન્ય મત મુજબ બે આંખની વચ્ચે નાકના ઉપરના છેડાનો ભાગ એ ભ્રમરનો મધ્ય ભાગ છે જે એક બિંદુ સ્વરૂપે છે.
- પાંચ મિનીટથી શરૂઆત કરી સમય વધારતાં વધારતાં છેવટે આસન સિદ્ધિની અવસ્થામાં ત્રણ કલાક સુધી સિદ્ધાસનમાં બેસી શકાય. અગત્યની વાત સમય કરતાં આસનમાં સ્થિરતા અને એકાગ્રતાથી બેસવાની છે.
- યમમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહેવાયું છે, નિયમોમાં શૌચ એવી જ રીતે આસનોમાં સિદ્ધાસન શ્રેષ્ઠ કહેવાયું છે. આ આસનમાં બેસવાથી કરોડ સીધી રહે છે. શ્વાસોશ્વાસની ગતિ પર કાબૂ આવે છે. અને એના પરિણામે મનની ચંચળતાનું શમન થાય છે. મન અંતર્મુખ બને છે અને એકાગ્રતાની ઊંડી અવસ્થાની અનુભૂતિ સહજ બને છે.
- બાર વરસ સુધી યમ નિયમથી યુક્ત રહી કેવળ આ જ આસનનો અભ્યાસ કરવામાં આવે તો અભ્યાસીને આત્મસાક્ષાત્કાર થાય એવો યોગના ગ્રંથોમાં ઉલ્લેખ આવે છે.
- સિદ્ધાસનમાં દૃષ્ટિને ભ્રૂમધ્યે સ્થિર કરવાની હોય છે. એમ થતાં લાંબે ગાળે તેજોદર્શન થાય છે.
- ગૃહસ્થી તથા બ્રહ્મચારીઓના વીર્યના રક્ષણ માટે આ આસનને અકસીર માનવામાં આવ્યું છે. કારણ કે આ આસનથી વીર્યધરા નાડી સબળ બને છે. એથી વીર્ય સ્થિર થાય છે અને પ્રાણાયામને લીધે મસ્તકમાં પહોંચી ઓજસ અને મેધાશક્તિમાં વધારો કરે છે.
- આધ્યાત્મિ માર્ગમાં જેને દિવ્ય માનસિક શાંતિ કહેવામાં આવે છે તે આ આસનના ફલસ્વરૂપે યોગીને સહેલાઈથી મળે છે. લાંબા સમયના સિદ્ધાસનના અભ્યાસથી સાધકની કુંડલિની જાગૃત થાય છે.
- વિદ્યાર્થીઓ આ આસનનો અભ્યાસ કરે તો તેમની યાદશક્તિ તીક્ષ્ણ બને છે અને વાંચેલું યાદ રાખવામાં સહાયતા મળે છે.