Friday, September 18, 2020

નિર્વેરભાવ - 2

પ્રહ્ લાદ, મીરાં, નરસિંહ મહેતા તથા સંત જ્ઞાનેશ્વર જેવા ભક્તો પર એમનાં કુટુંબીઓ અને સ્વજનોએ ભાતભાતનાં કષ્ટો નાંખ્યાં અને એમને હેરાન કરવામાં બાકી ના રાખ્યું, તો પણ એ કષ્ટોની વચ્ચે એ હસતાં જ રહ્યાં. એમણે પોતાના સત્ય માર્ગને મૂક્યો નહિ, અને કષ્ટો વરસાવનારને માટે એમના મનમાં બૂરા ભાવો પણ પેદા ના થયા. એમના પ્રત્યે એમને વેરભાવના ના થઈ. એમનું પણ એમણે ભલું જ ચાહ્યું. એ સમજતા હતા કે એમનામાં સાચી સમજ હોત તો એ એવું ના કરત. માટે એમના પ્રત્યે વેર નહિ પરંતુ અનુકંપા જ કરવા જેવી છે.

મહર્ષિ દયાનંદને એમના જ રસોઈયા જગન્નાથ દ્વારા ઝેર આપવામાં આવ્યું. તો પણ પરિસ્થિતિને પિછાનીને એ સ્વસ્થ જ રહ્યા. અને એક ડગલું આગળ વધીને એ મહાન શક્તિશાળી સંતે રસોઈયાને બચાવી લેવા માટે પૈસાની મદદ કરી, વહેલી તકે રાતોરાત નાસી છૂટવાની આજ્ઞા કરી. એવું કરવાની શક્તિ કેટલા માણસોમાં છે ? મહાત્મા ગાંધીજીની નિર્વેરતા તો પ્રસિદ્ધ જ છે. એમના પર બૉમ્બ નાખીને એમનો જાન લેવા માગનાર માણસને પણ છોડી મૂકવાની એમણે ભલામણ કરેલી. એવી ભલામણ ભાગ્યે જ કોઈ કરી શકે.

એવી શક્તિ મહાપુરૂષોમાં ક્યાંથી આવી ? ઈશ્વરની અચળ શ્રદ્ધાભક્તિથી. એમના અંતરમાં ઊંડે ઊંડે એવી શ્રદ્ધા વ્યાપક હતી કે ઈશ્વરની ઈચ્છા વિના કોઈનાથી કોઈનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. આપણામાં પણ જો એવી શ્રદ્ધા પેદા થાય તો ઘણું મોટું કામ થઈ જાય. ઈશ્વરની ઈચ્છા વિના કશું જ નથી થતું અને એ આપણી રક્ષા કરવા સદાય તૈયાર છે એવો વિશ્વાસ જો જાગી જાય તો આપણી પ્રતિકૂળતાઓ, આફતો કે પીડાઓને માટે આપણે કોઈને પણ દોષ ના દઈએ. આપણે સમજીએ કે બધું ઈશ્વરની ઈચ્છાનુસાર જ બની રહ્યું છે અને બીજા તો તેમાં, તેની નિશ્ચિત કરેલી યોજનામાં, નિમિત્તમાત્ર છે. જો એમ જ છે તો પછી કોઈના પર દ્વેષ કે વેરભાવ શા માટે રાખવો ?

ઈશ્વર આપણા જીવનમાં નિંદાના, વિરોધના, પીડાના, પ્રતિકૂળતાના, અથવા આપત્તિ અને અપમાનના પ્રસંગો પેદા કરે છે એ પણ આપણે માટે કલ્યાણકારક જ છે, કેમ કે એથી સંસારનો રહ્યોસહ્યો આપણો મોહ મટી જાય છે, આપણી મમતા હળવી થાય છે, અને આપણો વૈરાગ્ય વધારે પ્રબળ બને છે. એને લીધે આપણા મનને ઈશ્વરના ચરણમાં વધારે ને વધારે લગાડવાનું ને ઈશ્વરનું સર્વભાવે શરણ લેવાનું આપણે માટે સહેલું બને છે. આથી જ આપણે દુન્યવી આસક્તિનો અંત આણીને ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચી શકીએ છીએ. એ રીતે વિચારતાં એ બધું આપણે માટે આશીર્વાદરૂપ જ ઠરે છે અને આપણને તપાવીને કંચન કરે છે, માટે ઈશ્વર જે કરે છે તે સારાને માટે જ કરે છે એ શ્રદ્ધા ના ખોઈએ. અને વેરભાવથી દૂર રહીને ઈશ્વરને વળગી રહીએ એ જ ઉત્તમ છે. પેલા ભક્તના જેવી શ્રદ્ધા કેળવીએ કે -

'હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં,
જે હરિ કરશે તે મમ હિતનું એ વિશ્વાસ તજાય નહીં.’

હા, વેરભાવ રાખનાર પ્રત્યે વેરભાવ રાખવાને બદલે, કરવી હોય તો આપણે એમને માટે પ્રાર્થના કરી શકીએ કે, 'હે પ્રભુ, એમને માટે મારા મનમાં જરા પણ વેરભાવ ના જાગે. તમે એટલું અવશ્ય કરજો અને એ ઉપરાંત એમને સદ્ બુદ્ધિ આપજો કે જેથી એ વેરનો રસ્તો છોડીને પ્રેમના મંગલ માર્ગને અપનાવી શકે.’ એટલું જરૂર કરી શકાય.

વેર રાખનાર માણસ અજ્ઞાનને લીધે જ પોતાના વિચારો ને ભાવોને વળગી રહીને વેર રાખતો હોય છે. જો એનામાં જ્ઞાન પ્રકટે કે સત્યાસત્ય અને શુભાશુભનો વિવેક જાગે તો એ પણ જરૂર સમજે કે વેર રાખવામાં પશુતા છે ને પ્રેમમાં જ માનવતા છે. વેરની અમંગલતાને સમજ્યા પછીથી એ એમાંથી છૂટી શકે. પરંતુ મોટા ભાગના માણસોમાં જ્ઞાનના એવા અજવાળાનો અભાવ હોય છે એને લીધે એમને વેરભાવમાં આનંદ આવે છે અને એમનું સમસ્ત જીવન વેરભાવમાં ને વેરભાવથી પ્રેરાઈને જાતજાતના કાવાદાવા કરવામાં જ વીતી જાય છે. માનવજીવનનો સાચો આનંદ એ નથી લૂંટી શકતા અને એનો સાચો ઉપયોગ પણ નથી કરી શકતા. માનવમનની એ નબળાઈને એક વાર જાણી લઈશું તો વેર રાખનાર પર આપણને વેર નહિ થાય, પરંતુ કરુણા થશે. એમની પામરતા તથા પ્રકૃતિની પરવશતા માટે આપણને દયા આવશે. આપણને એમ થશે કે આવી પરિસ્થિતિ અને અજ્ઞાનની અંધકાર ભરેલી અવસ્થામાં એ બીજું કરે પણ શું ? એમને માટે આપણને દ્વેષ તો શું પણ ધિક્કારની ભાવનાયે નહિ થાય.

વેર રાખનાર પર પણ પ્રેમ રાખીને જો આપણે એની સાથે સારો વ્યવહાર કરીશું અને એનું સારું જ ચાહીશું, તો આજે નહિ તો કાલે, એના પર એની અસર જરૂર થશે. એને પોતાની ભૂલ માટે પશ્ચાતાપ થતાં પોતાની ભૂલને સુધારવાનો પ્રયાસ કરીને એ પ્રેમભાવને પણ ધારણ કરી લેશે, વહેલો કે મોડો, અંતરના અંતરતમમાં પણ, એને પોતાની ભૂલને માટે અફસોસ થયા વિના નહિ રહે. વળી, આપણે એની પ્રત્યે એક આદર્શ માનવને છાજે તેવું આપણી સમજ પ્રમાણેનું સારામાં સારું વર્તન રાખ્યું છે, અને આપણે એની જેમ બૂરી લાગણીના પ્રવાહમાં નથી તણાઈ ગયા, પરંતુ દાનવ બનવાને બદલે માનવ જ રહ્યા છીએ એ વાતનો આપણને સંતોષ રહેશે. આપણા દિલમાં કોઈ ડંખ નહિ હોય. વેરભાવવાળા માણસના વર્તનમાં પરિવર્તન નહિ થાય તો પણ એક સમજુ  માણસ તરીકે સંસારમાં જે વેરભાવ છે તેમાં વધારો કરીને સંસારને આપણે વધારે વિષમય, વિસંવાદી કે કટુતા નહિ જ કરીએ. માણસ તરીકે આપણી અને આપણી આજુબાજુના સમાજની એટલી સેવા પણ કાંઈ ઓછી નથી.

એક કવિએ સાચું જ કહ્યું છે કે બીજાં ઝેર તો એનું સેવન કરનારને બહારથી મારે છે, પરંતુ વેરરૂપી ઝેર તો માનવના તનને, મનને અને અંતરને બાળી નાખે છે, અથવા એમ કહો કે એને જીવતો છતાં મરેલો કરી દે છે. એનો સર્વનાશ કરે છે. વેરરૂપી એ ઝેરથી સદાને માટે દૂર રહીએ એ જ શ્રેયસ્કર છે.

કોઈના પર વેર રાખવાને બદલે કોઈના પર પ્રેમ રાખવાનો પ્રયાસ કરીએ. કોઈની સુખસાહેબી, શાંતિ ને સમુન્નતિ જોઈને જલવાને બદલે અથવા અકારણ દ્વેષ રાખવાને બદલે કરવી હોય તો એની હરીફાઈ કરીએ. એના સદ્ ગુણો, એની સમજ, એની સદ્ બુદ્ધિ, સેવા, શીલસંપત્તિ અને એના સત્કર્મોની સ્પર્ધામાં પડીએ. એને તોડી પાડવાનો, અપમાનિત કરવાનો, નુકશાન પહોંચાડવાનો, નિંદવાનો ને દુઃખ દેવાનો પ્રયત્ન કરવાને બદલે એના કરતાં વધારે સારા મનુષ્યો થઈએ, આગળ વધીએ અથવા ઉન્નત બનીએ, એ રસ્તો તંદુરસ્ત અને ઉપકારક છે. એવી પ્રવૃત્તિ અને પ્રકૃતિ આપણે માટે, બીજાને માટે અને સમસ્ત સમાજને માટે આશીર્વાદ સાબિત થશે. એ કોઈનો નાશ નહિ નોંતરે, પરંતુ સૌનું શુભ કરશે. એમ કરવામાં બુદ્ધિમાની, માણસાઈ ને બહાદુરી છે. આ સંસારને વેરવિખેર કરી નાખવા કરતાં એને વ્યવસ્થિત કરવામાં જ સાચું ગૌરવ છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok