if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવતના દ્વિતીય સ્કંધના સાતમા અધ્યાયમાં મહીમંડળના મંગલને માટે થયેલા કેટલાક પવિત્ર ને પ્રધાન લીલાવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમનો ઉલ્લેખ સંક્ષેપમાં કરી લઇએ.

પ્રલયના અગાધ પાણીમાં ડૂબેલું પૃથ્વીનું પરિત્રાણ કરવા માટે ભગવાને વરાહ શરીર ધારણ કરેલું. પૃથ્વીને એ પાણીમાંથી બહાર કાઢી રહેલા ત્યારે હિરણ્યાક્ષ પાણીની અંદરથી એમની સાથે લડવા માટે આવી પહોંચ્યો. વરાહ ભગવાને પોતાની મજબુત દાઢોની મદદથી એનો નાશ કર્યો.

પછી ભગવાને રુચિ નામના પ્રજાપતિની પત્ની આકૂતિના ઉદરથી સુયજ્ઞના રૂપમાં અવતાર લીધો. એ અવતારમાં એમણે ત્રિલોકનાં દુઃખોને દૂર કર્યા. એને લીધે એ હરિનામથી ઓળખાયા.

એ પછી કર્દમ પ્રજાપતિ તથા દેવહૂતિના પુત્ર કપિલરૂપે એમનો અવતાર થયો. એ અવતારમાં એમણે માતા દેવહૂતિને અદ્દભુત આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. એના પ્રભાવથી દેવહૂતિ પોતાની મમતાનો તથા આસક્તિનો અંત આણીને સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ કરી શકી.

અત્રિ તથા અનસૂયાને ત્યાં પ્રાદુર્ભાવ પામેલા ભગવાન દત્તાત્રેયને કોણ નથી જાણતું ? એ પણ ભગવાનના લીલાવતાર હતા. એમની પવિત્ર પદરજને મસ્તક પર ચઢાવીને મહારાજા યદુ તથા સહસ્ત્રાર્જુન જેવા કેટલાયે ભુક્તિની તથા મુક્તિની પ્રાપ્તિ કરેલી.

જ્ઞાનના સાકાર સ્વરૂપ જેવા, વ્યાધિ વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી રહિત, અવનીના અસાધારણ આશ્ચર્યરૂપ ચાર ઋષિકુમારો-સનક, સનંદન, સનાતન તથા સનત્કુમારરૂપે એ જ ભગવાનનો અવતાર થયો. એમણે આત્મજ્ઞાનથી વંચિત બનેલા ઋષિઓને જે અદ્દભુત આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો એથી એ પરમતત્વનો સહેલાઇથી સાક્ષાત્કાર કરી શક્યા.

ભગવાનનો બીજો અવતાર નરનારાયણરૂપે થયો. ધર્મની પત્ની દક્ષકન્યા મૂર્તિના ઉદરથી. એ અવતારમાં એમણે કરેલી તપશ્ચર્યા અત્યંત અસાધારણ હતી. એવી તપશ્ચર્યા બીજા કોઇએ નથી કરી. ઇન્દ્રે મોકલેલી કામદેવ અને અપ્સરાઓ સાથેની સમસ્ત સેના એમની આગળ નિરર્થક અથવા નિષ્પ્રભાવ બની ગઇ. મોટા મોટા મુનિઓ પણ જે કામ ક્રોધના પ્રભાવમાં પડીને ચંચળ બની જાય છે તે કામ ક્રોધમાંથી એમણે કાયમને માટે મુક્તિ મેળવેલી.

રાજા ઉત્તાનપાદને ત્યાં માતા સુનીતિના ઉદરમાંથી જન્મેલા ધ્રુવને સાવકી માતા સુરુચિએ જે કટુ વચનો કહ્યાં તેથી પ્રેરાઇને એ તપ કરવા માટે વનમાં ગયા. એમનાં તપથી પ્રસન્ન થયેલા ભગવાને એમને અચળ રાજ્યનું તથા ધ્રુવપદનું વરદાન આપ્યું. એ વખતે પણ ભગવાનનો અલૌકિક લીલાવતાર થયેલો.

ભગવાનનો બીજો વિશેષ અવતાર મહારાજા પૃથુના રૂપે થયો. એ પછી મહારાજા નાભિની પત્ની સુદેવીના ઉદરથી એમનો ભગવાન ઋષભદેવના રૂપમાં અવતાર થયો. એ અવતાર દરમિયાન એમણે સમસ્ત આસક્તિઓથી રહિત બનીને, મન તથા ઇન્દ્રિયો પર વિજય કરીને, સ્વરૂપનિષ્ઠ થઇ સમદર્શીપણાને કાયમ રાખીને સાધનાનો આધાર લીધો.

એ પછી એમનો હયગ્રીવના રૂપમાં અવતાર થયો. એ વખતે એમનું સ્વરૂપ સ્વર્ણસમાન ચળકતું તથા સુંદર હતું.

ભગવાને મત્સ્યરૂપે પણ અવતાર લીધો.

એ પછી દેવો તથા દાનવો અમૃતપ્રાપ્તિની અપેક્ષાથી સમુદ્રમંથન કરી રહેલા ત્યારે એમણે કચ્છપનું રૂપ લઇને પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો.

પ્રહલાદની રક્ષા માટે એ પછી ભગવાને નૃસિંહરૂપને ધારણ કર્યું. એ રૂપ ખૂબ જ ભયંકર હતું. એમને જોતાંવેંત જ હિરણ્યકશિપુ એમની ઉપર ગદા લઇને તૂટી પડ્યો. પરંતુ ભગવાન નૃસિંહે એનો એક ક્ષણમાં જ નાશ કર્યો.

એ પછી ભગવાનનો ગજેન્દ્રાવતાર થયો. વિશાળ સરોવરમાં મગરે ગજેન્દ્રનો પગ પકડયો. ગજેન્દ્રે ગભરાઇને ભગવાનને પોતાની મુક્તિને માટે પ્રાર્થના કરી તેને લક્ષમાં લઇને ભગવાન ગરુડ પર ચઢીને ત્યાં આવી પહોંચ્યા. એમણે ક્ષણવારમાં ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો.

વામનાવતારમાં એમણે બલિના યજ્ઞમાં ઉપસ્થિત થઇને કેવળ ત્રણ પગલાં જમીનની માગણી કરીને પોતાની અસાધારણ શક્તિથી સમસ્ત સૃષ્ટિને માપીને પોતાના લોકોત્તર પ્રભાવનો પરિચય કરાવ્યો અને બલિની શ્રદ્ધા ભક્તિને નિહાળીને એને ઉત્તમ ગતિ પ્રદાન કરી.

ભગવાનનો હંસાવતાર પણ એવો જ પ્રસિદ્ધ છે. એ અવતારમાં ભગવાને દેવર્ષિ નારદના પ્રખર પ્રેમભાવથી પ્રસન્ન થઇને એમની આગળ યોગ, જ્ઞાન અને આત્મતત્વને પ્રકટ કરવાવાળા ભાગવતધર્મના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું. એ જ ભગવાને મહારાજા મનુના રૂપમાં અવતાર લઇને આદર્શ રાજ્યશાસનની મર્યાદાની પ્રસ્થાપના કરી. એ મર્યાદાના પડછંદાઓ મનુસ્મૃતિમાં પડેલા છે.

આયુર્વેદાચાર્ય ભગવાન ધન્વન્તરિના રૂપમાં પણ ભગવાનનું આ પાર્થિવ પૃથ્વી પર પ્રાકટ્ય થયું. એમની અંદર મોટા મોટા વ્યાધિઓનો નાશ કરવાની સહજ શક્તિ હતી. એમણે દેવોને અમૃતપાન કરાવીને અમર કર્યા.

ભગવાનનો બીજો અવતાર પરશુરામરૂપે થયેલો.

એ ઉપરાંત એમનો રામાવતાર થયો. એ અવતારમાં એમણે ધર્મ અને નીતિની મર્યાદાની સ્થાપના કરી એટલા માટે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા.

એ પછી ભગવાનનો કૃષ્ણાવતાર થયો. એ પૂર્ણાવતાર કહેવાય. જીવનનું કોઇ અંગ એવું નહોતું જેમાં એમણે રસ ના લીધો હોય. એમનું જીવન સર્વાંગીણ હતું. એમની શક્તિ અત્યંત અસાધારણ હતી અને એમનું જ્ઞાન અનંત હતું. પ્રેમના તો એ જાણે પરિપૂર્ણ પ્રતીક હતા. એમનું સ્થાન ભગવાન રામની જેમ જનહૃદયમાં આજે પણ કાયમ છે. એમની પ્રેરણા આજે પણ પુરાતન નથી થઇ કે પરિસમાપ્તિ પર નથી પહોંચી. જનસમાજને એ જુદી જુદી રીતે પોતાની પ્રેરણા પાયા જ કરે છે. એમણે ઉપદેશેલી ગીતા પૂર્ણ, મુક્ત કે સફળ જીવનની પ્રેરણા પાતી આજે પણ અનેક આત્માઓને એની આગવી રીતે આકર્ષે છે અને ઉપયોગી ઠરે છે. ભગવાન કૃષ્ણનું મહત્વ ભાગવતકારને મન એટલું બધું છે કે એમની જીવનકથાનું વિવરણ બનતી વિશદ રીતે ભાગવતના દસમ સ્કંધમાં કરવામાં આવ્યું છે. ભાગવતનો દસમો સ્કંધ એને માટે જ અલગ રાખવામાં આવ્યો છે.

મહર્ષિ વ્યાસના રૂપમાં પૃથ્વી પર પ્રકટ થઇને ભગવાને લોકકલ્યાણની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઇને વેદના વિભાગો કર્યા ને ધર્મના, તત્વજ્ઞાનના ને જીવનવિકાસની સાધનાના સમુચિત અને સારગ્રાહી સંદેશનો પ્રતિઘોષ પાડતા મંગલમય મહાગ્રંથોનું નિર્માણ કર્યું.

ભગવાન બુદ્ધ અને કલ્કિના અવતારોનો ઉલ્લેખ પણ બીજા અવતારોની સૂચિમાં કરવામાં આવ્યો છે.

એ બધા અવતારોના અથવા એમાંથી કોઇ પણ એક અથવા અધિક અવતારનો વિચાર કરીને માનવ વધારે ને વધારે વિશુધ્ધ, ઉદાત્ત અથવા ઇશ્વરપરાયણ બની શકે છે. અવતારનો વિચાર માનવના આત્માને આત્મિક વિકાસની પ્રેરણા પૂરી પાડવા માટે છે. એ ઉપરાંત એની પાછળ એક બીજું પ્રયોજન પણ રહેલું છે. એ પ્રયોજનની કલ્પના અવતાર શબ્દ પરથી સહેલાઇથી કરી શકાય છે. ઇશ્વરને અવતાર લેવાની આવશ્યકતા શા માટે પડે છે ? સંસારની સમુન્નતિ, સમૃદ્ધિ, સુરક્ષા તથા આદર્શ જીવનમૂલ્યોની માવજત તથા પ્રસ્થાપના માટે. અવતારની એ આવશ્યકતાની પાછળ સેવાનો અથવા ગીતાની પરિભાષામાં કહીએ તો લોક સંગ્રહનો સનાતન સંદેશ છૂપાયલો છે. જ્યારે ઇશ્વરના સંબંધમાં એવું છે ત્યારે એમના પ્રત્યે પ્રેમ રાખનાર અથવા શ્રદ્ધા ભક્તિ ધારણ કરનાર સામાન્ય કે અસામાન્ય મનુષ્યોના સંબંધમાં એવું હોય જ એમાં આશ્ચર્ય શું ? એટલે કે ઇશ્વરના અલૌકિક અવતાર કર્મમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને મનુષ્યે પણ લોકસંગ્રહની ભાવનાને સત્કર્મમાં સાકાર કરવાનો અને એવી રીતે બીજાને ઉપયોગી થઇને આ સૃષ્ટિને વધારે ને વધારે સુંદર, સ્વસ્થ, સમૃદ્ધ, સાત્વિક અને શાંત બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. અન્યાય, અનૃત, અનાચાર, અનર્થ અથવા અધર્મનો અંત આણવાની પ્રવૃત્તિઓનો આધાર લઇને એમને નામશેષ કરવામાં જ જીવનનું સાર્થક્ય સમાયલું છે. અવતારોનું કેવળ સ્મરણ, મનન કે આરાધન કરીને જ નથી બેસી રહેવાનું; એમના સંકીર્તનથી જ સંતોષ નથી માનવાનો; પરંતુ એમના કર્મયોગમાંથી પ્રેરણા પામીને બીજાને ઉપયોગી થવા માટેના કર્મયોગની દીક્ષા લેવાની છે. એવી રીતે વિચારીએ તો અવતારની ભાવના કે માન્યતા વ્યક્તિગત તથા સમષ્ટિગત રીતે આશીર્વાદરૂપ થઇ શકે. અવતારની સાથે સંકળાયલા એ પાસાનો વિચાર આપણે ત્યાં જોઇતા પ્રમાણમાં ભાગ્યે જ કરવામાં આવે છે ખરું પરંતુ સંસારની સમુન્નતિ અને સુખાકારી સારુ થાય છે એ હકીકતને યાદ રાખીને એમાંથી જરૂરી પ્રેરણા ભાગ્યે જ લેવામાં આવે છે. એવી પરિસ્થિતિ ખાસ ઉત્સાહપૂર્વક, પ્રેરક અને સંતોષકારક ના કહી શકાય.

લીલાવતારોને ઇશ્વરના અલગ અલગ અવતારો તરીકે માન્ય રાખવાની સાથે સાથે ભાગવત જણાવે છે અથવા પોતાની વિશિષ્ટ રીતે પ્રતિપાદન કરે છે કે પરમાત્મા મૂળભૂત રીતે નામ અને રૂપથી રહિત છે. એ એકરસ, શાંત, અભય, જ્ઞાનસ્વરૂપ, નિર્મળ અને નિર્વિકાર છે. સત અથવા અસત ઉભયથી અતીત છે. અનિર્વચનીય અથવા અવાગ્મનસગોચર છે. એમની અંદર માયાનો લેશ પણ નથી હોતો. સત્પુરુષ એમનો સાધના દ્વારા સાક્ષાત્કાર કરે છે ને ધન્ય બને છે. પંચમહાભૂતના શરીરના નાશ પછી પણ એમનો નાશ નથી થતો. એ વ્યાધિ, વાર્ધક્ય તથા દેશકાળની મર્યાદા રહિત છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.