08. અષ્ટમ સ્કંધ

ગજેન્દ્રની કથા

ભાગવતના આઠમા સ્કંધના બીજા, ત્રીજા ને ચોથા અધ્યાયમાં ગજેન્દ્રની કલ્યાણકારક કથા કહેવામાં આવી છે. એ કથા પ્રમાણે ક્ષીરસાગરમાં ત્રિકૂટ નામનો એક સુંદર પર્વત હતો. એ વિવિધ વૃક્ષો, પુષ્પો, લતાઓ, વેલો, વનરાજિ તથા વિહંગોથી ભરપુર હતો. સમુદ્રનાં ઉત્તુંગ તરંગો એ પર્વતને સ્પર્શ કરતાં ને સુમધુર સંગીતસ્વર સંભળાવતાં અહર્નિશ રમતાં રહેતાં. પર્વતમાં અસંખ્ય ઝરણાં વહ્યા કરતાં. એને લીધે એની આકર્ષકતા અને આહલાદકતા વધી જતી. એની એકાંત કમનીય કંદરાઓમાં મહાન ઋષિમુનિ, યોગી, સિદ્ધપુરુષ તથા સાધકોનો વાસ હતો. ત્યાં વિહાર કરવા આવનારા ગંધર્વો, કિન્નરો અને અપ્સરાસમૂહોના સુમધુર સંગીતધ્વનિ પર્વત સાથે અથડાઇને એમાં પ્રતિઘોષ પામતા ત્યારે એમને કોઇક બીજા સિંહનો અવાજ માનીને પર્વતપ્રદેશમાં રહેતા સિંહો એને દબાવી દેવા માટે સામેથી શુરવીરતાપૂર્વક ગર્જના કરતા.

એ પર્વતની તળેટીમાં જાતજાતનાં જંગલી પ્રાણીઓ વિહરતાં રહેતાં. પક્ષીઓ પોતાના સુધામય સ્વરથી એને ભરી દેતાં. એમાં સરિતા તથા સરોવરો હતાં. એમના નિર્મળ નીરમાં દેવાંગનાઓ સ્નાન કરતી ત્યારે એ નીર ખૂબ જ સુવાસિત અને સ્વાદુ બની જતું. એની સુવાસને વાયુની લલિત લહરીઓ દિશાપ્રદિશામાં ફેલાવતી રહેતી.

એ સુંદર ચિત્તાકર્ષક ત્રિકૂટ પર્વતની તળેટીના પ્રશાંત પ્રદેશમાં ભગવાન વરુણનું ઉત્તમ ઉદ્યાન હતું. એનું નામ ઋતુમાન હતું. એમાં દેવાંગનાઓ ક્રીડા કરતી. એ ઉદ્યાનનું સરોવર સ્વર્ણ કમળથી સુશોભિત દેખાતું. એમાં બીજાં પણ કમળો ખીલતાં રહેતાં. એના સુંદર વિશાળ શાંત તટ પરના અસંખ્ય વિવિધ વૃક્ષો એ સરોવરની શોભામાં વૃદ્ધિ કરતાં.

એ ત્રિકૂટ પર્વતના ઘોર જંગલમાં એક ગજેન્દ્ર એની સ્ત્રીઓ સાથે નિવાસ કરતો. એ પર્વતમાં રહેતા હાથીઓનો સરદાર હતો. એક દિવસ એ મદઝરતો ગજેન્દ્ર મધ્યાહ્ન સમયે હાથીઓ તથા હાથીની સ્ત્રીઓ સાથે એ પર્વતપ્રદેશમાં વિહરી રહેલો. એ તાપથી સંતપ્ત તથા આકુળવ્યાકુળ બની ગયેલો અને તૃષાર્ત બનેલો. કમળની સુંદર સુખકારક સુવાસથી સુવાસિત સમીરલહરીની સુંગધનો સ્વાદ લેતાં થોડા જ વખતમાં એ પેલા સુવિશાળ સરોવર પાસે પહોંચી ગયો. એ સુંદર, અતિશય નિર્મળ, સુધાસમાન સ્વાદવાળા સરોવરમાં પ્રેમપૂર્વક પ્રવેશીને એણે સૌથી પહેલાં તો એનું પાણી પીધું અને પછી એમાં સ્નાન કરીને થાક મટાડ્યો. એણે પોતાની સાથેની હાથિણીઓ પર અને સંતાનો પર સરોવરનું પાણી છાંટવા માંડ્યું અને એ પાણી બીજાને પીવડાવવાનો પ્રારંભ કર્યો. એ અત્યંત મોહાસક્ત ને વિલાસી બનીને ભાન ભૂલી ગયો. પોતાના પરિવાર અને સરોવર સિવાય બીજી કોઇ દુનિયાનું અસ્તિત્વ જ ના હોય એવું એને લાગવા માંડ્યું.

ગજેન્દ્ર સરોવરમાં ભાતભાતની ક્રીડા કરતાં કરતાં એમાં ડૂબીને પોતાની જાતનું જાણે કે ભાન જ ભૂલી ગયો. એને આગળનો કે પાછળનો કશો ખ્યાલ જ ના રહ્યો. એ જ વખતે એક કરુણાતિકરુણ અચિંત્ય ઘટના બની. સરોવરમાં રહેતા કોઇક મગરે એકાએક એનો પગ પકડી લીધો. એ જોઇને ગજેન્દ્ર સ્વાભાવિક રીતે જ ઘણો ગભરાઇ ગયો. એણે પોતાની જાતને મગરના મજબુત પાશમાંથી છોડાવવાની બનતી બધી જ કોશિશ કરી જોઇ પરંતુ એ કોશિશ નિષ્ફળ ગઇ. એ પરમ પરાક્રમી હોવાં છતાં મગરની આગળ ના ફાવી શક્યો ને લાચાર બની ગયો. એની સ્ત્રીઓએ અને એના પરિવારે એની દયનીય દુર્દશાને દેખીને દુઃખી થઇને ભયંકર પોકારો પાડવા માંડ્યા. એમનામાંના કેટલાક એને મદદરૂપ થવા માટે પણ પ્રવૃત્ત થયા પરંતુ એમની એ પ્રવૃત્તિ નિરર્થક થઇ.

ગજેન્દ્ર તથા મગર વચ્ચે પોતપોતાની વિશિષ્ટ શક્તિની જાણે કે સ્પર્ધા ચાલી. ગજેન્દ્ર મગરના મજબૂત મુખના બંધનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો તો મગર એના પગને વધારે ને વધારે શક્તિપૂર્વક પકડી રાખતો. બંને પોતાની સમગ્ર શક્તિને કામે લગાડતા. એક છૂટવા માટે તો બીજો છૂટવા ના દેવા માટે. અનાદિકાળના, પરાપૂર્વના બે શત્રુ જાણે કે એકાએક ભેગા ના થયા હોય ! કોઇકવાર ગજેન્દ્ર મગરને પાણીની બહાર ખેંચી લાવતો તો કોઇકવાર, અને વધારે વાર, મગર ગજેન્દ્રને સરોવરના સુવિશાળ સુદુસ્તર સલિલમાં ઘસડી જતો. એવી રીતે એમનો એ સંઘર્ષ સુદીર્ઘ સમય સુધી ચાલતો રહ્યો. એમને અવલોકનારાના આશ્ચર્યની સીમા ના રહી.

*

યૌવનના સુંદર સુધામય સરોવરમાં પ્રમત્ત બનીને બેહોશની પેઠે મહાલવા પડેલા માનવને - જડ જીવને પણ એવી રીતે એકાએક મગરના મુખમાં સપડાવું પડે છે. જીવનને પોતાના પ્રબળતમ પાશમાં જકડનારો એ મગર કયો છે ? એને આપણે મૃત્યુરૂપી મગર કહીશું ? કે પછી અવિદ્યાજન્ય ઘોર વિષયાસક્તિના પરિણામે પેદા થનારી પરવશતાનો અથવા અસાધારણ અમંગલનો મગર માનીશું ? કે પછી વૃદ્ધાવસ્થાનો મગર સમજીશું ? માનવ એ મહાભયંકર મગર આગળ એકદમ અસહાય બની જાય છે. એના પ્રબળતમ પ્રતિકૂળ પીડાજનક પાશમાંથી છૂટવાના બનતા બધા જ પ્રયત્નો એ કરી છૂટે છે તો પણ એ પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. ભોગની પાછળ રોગ અને સુખની પાછળ દુઃખ હોય જ છે. કોઇ પણ જીવન મૃત્યુ વિનાનું નથી હોતું, અને ઘોર વિષયાસક્તિની પાછળ પરવશતા અથવા અમંગલ આવે જ છે. માણસે ઇચ્છાએ કે અનિચ્છાએ, હસતાં કે રડતાં, એનો ભોગ બનવું જ પડે છે.

જીવનમાં આવનારા એ અમંગલમાંથી, પરવશતામાંથી કે મૃત્યુના પ્રખર પાશમાંથી માનવ શી રીતે છૂટી શકે ? પોતાના પાર વિનાના પ્રયત્નોથી ? ના. માનવ ગમે તેવા ને ગમે તેટલા પ્રખર પ્રયત્નો કરે તો પણ એ સદા અધુરા રહેવાના. એ પ્રયત્નોનું ધાર્યું પરિણામ કદાપિ નહિ આવવાનું. તો પછી એણે શું કરવું ? શું પ્રયત્નો કરવા જ નહિ ? ઇચ્છા અનુસાર પોતાની બુદ્ધિ તથા શક્તિ પ્રમાણેના પ્રયત્નો એણે અવશ્ય કરવા. એ પ્રયત્નો કરે છે ને કરશે. પરંતુ છેવટે એને સમજાશે કે એના પ્રયત્નોથી વિશેષ કશું નહિ વળે. અમંગલ સામે સફળતાપૂર્વક લડવા અને મૃત્યુંજય થવા માટે એણે સર્વાંન્તર્યામી પરમાત્માનું શરણ લઇને એમના અલૌકિક અનુગ્રહની યાચના કરવી જ પડશે. ત્યારે જ એની પૂરેપૂરી રક્ષા થઇ શકશે. એને માટે નમ્રતા, નિષ્કપટતા, સરળતા, સમર્પણ ભાવના અને શ્રદ્ધાની આવશ્યકતા પડશે. એના વિના કશું જ નહિ થઇ શકે. જીવનના પ્રત્યેક સાધકે એ યાદ રાખવાનું છે.

સુરદાસ પોતાના પદમાં કહે છે :

‘जब लग गज बल अपनो बरत्यो नेक सर्यो नही काम ।
निर्बल हवै बल राम पुकार्यो आये आधे नाम ।
सुने री मैंने निर्बलके बल राम ।

ગ્રાહના મુખમાં સપડાયેલા ગજેન્દ્રના સંબંધમાં આખરે એવું જ થયું. ઉપરાઉપરી અને સુદીર્ઘ સમય સુધી કોશિશ કરવા છતાં પણ એ ગ્રાહના મુખમાંથી મુક્તિ ના મેળવી શક્યો. એનું શરીર એકદમ શિથિલ પડી ગયું. એ તદ્દન અશક્ત અને ઉત્સાહરહિત બની ગયો. મગર એને વધારે ને વધારે શક્તિથી સરોવરમાં ખેચવા લાગ્યો. પરંતુ ગજેન્દ્રનું સદ્દભાગ્ય હજું શેષ હતું. એને લીધે કોઇક પવિત્ર પૂર્વસંસ્કારથી પ્રેરાઇને એને પરમકૃપાળુ પ્રેમમૂર્તિ પરમાત્માનું શરણ લેવાનું સૂઝ્યું. એ મહાભયંકર દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે એણે પરમાત્માની પ્રાર્થના કરી.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.