Text Size

10. દસમ સ્કંધ

કારાવાસમાં

ભગવાન કૃષ્ણના જન્મનો, પ્રાકટ્યનો કે પ્રાદુર્ભાવનો ઇતિહાસ એક જુદી જ, થોડીક વિચિત્ર લાગે તેવી હકીકતનો ઉમેરો કરે છે. એ હકીકત કાંઇક અંશે વિચિત્ર અને આશ્ચર્યકારક લાગે તેવી હોવા છતાં પણ સાચી છે. ભગવાન કૃષ્ણનો જન્મ કોઇક અમીરના આલિશાન ઐશ્વર્યપ્રધાન રાજભવનમાં નથી થયો, ગરીબના અભાવગ્રસ્ત આવાસમાં પણ નથી થયો, પરંતુ કંસના કારાવાસમાં થયો છે. એ હકીકત હવે તો સર્વવિદિત હોવાથી એટલી બધી આશ્ચર્યકારક નહિ લાગે તો પણ કૃષ્ણની જીવનકથાથી અપરિચિત પુરુષોને એમાં આશ્ચર્યનું તત્વ જરૂર જણાશે. એમનો જન્મ કંસના કારાવાસમાં કેમ થયો અને એમનાં પરમાત્મપરાયણ પવિત્ર માતાપિતા દેવકી અને વસુદેવને કારાવાસમાં કેમ રહેવું પડ્યું, ખાસ તો દેવકી કંસની બેન થતી હતી ત્યારે, એમના જીવનમાં એવી તે કેવીક પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થઇ, તેનું સ્પષ્ટીકરણ ભાગવતના દસમા સ્કંધના આરંભના અધ્યાયોમાં સરસ રીતે કરવામાં આવ્યું છે. એનું વિહંગાવલોકન એ વખતના ઘટના ક્રમને સમજવા માટે કરી લઇએ.

દસમા સ્કંધના પૂર્વાર્ધના પહેલા અધ્યાયમાં જ ભાગવતકારે એક સુંદર આહલાદક પ્રસંગનું વર્ણન કર્યું છે. એ પ્રસંગ ખૂબ જ રસમય છે. પ્રાચીન સમયમાં શૂરસેન નામના યદુવંશી રાજા મથુરાનગરીમાં રહીને માથુરમંડળ તથા શૂરસેનમંડળ પર શાસન કરતા. એમના પુત્રનું નામ વસુદેવ હતું. એમણે દેવકી સાથે લગ્ન કરીને રથમાં બેસીને ઘેર જવાની તૈયારી કરી. દેવકીના પિતા દેવકે એને વિદાય કરતી વખતે સોનાના સુંદર હારથી શણગારેલા ચારસો હાથી, પંદર હજાર ઘોડા, અઢારસો રથ તથા સર્વશ્રેષ્ઠ વસ્ત્રાભૂષણોથી વિભૂષિત બસો દાસીઓની ભેટ આપી. ઉગ્રસેનના પુત્ર કંસે પોતાની કાકાની દીકરી બેનને પ્રસન્ન કરવા માટે એના પ્રત્યેના પ્રખર પ્રેમથી પ્રેરાઇને રથના ઘોડાઓને પોતાના હાથે જ હાંકવાનું શરૂ કર્યું. એ આખોય પ્રસંગ પરમ આનંદનો હોવાથી સૌ કોઇની સાથે કંસ પણ અસાધારણ આનંદમાં મગ્ન બનેલો, પરંતુ થોડાક વખત પછી એના આનંદનો અંત આણનારી એક અવનવીન અકલ્પ્ય ઘટના બની ગઇ. એ ઘટનાએ એને એકદમ ઉત્સાહરહિત કરી દીધો. રથને આગળ વધારતાં ચિત્રવિચિત્ર કલ્પનાજગતમાં રાચતાં એ રસ્તાને કાપી રહેલો ત્યાં જ એકાએક આકાશવાણી થઇ કે મૂર્ખ ! જેને રથમાં બેસાડીને આટલા બધા ઉલ્લાસથી લઇ જાય છે તેના આઠમા સંતાનથી જ તારો નાશ થશે.

એ આકાશવાણીના શ્રવણથી કંસને કાંઇનું કાંઇ થઇ ગયું. એના રંગમાં ભંગ પડ્યો. એનું મગજ જુદી જ દિશામાં કામ કરવા લાગ્યું. એનું જીવન આસુરી સંપત્તિના પ્રતીક જેવું નિર્દય ને દુરાચારથી ભરેલું હતું. એણે ઉશ્કેરાટમાં આવી જઇને તલવાર તાણીને દેવકીના કેશને પકડીને એને મારી નાખવાની તૈયારી કરી. જોતજોતામાં, ઘડીના છઠ્ઠા ભાગમાં તો આખું દૃશ્ય બદલાઇ ગયું. ઉલ્લાસને ઠેકાણે અસાધારણ અવસાદ, સંતોષના સ્થળ પર અસંતોષ ફરી વળ્યો. માનવ ગમે તેવો દેખાતો હોય તો પણ પરિસ્થિતિથી કેટલો બધો પ્રભાવિત થાય છે ? સંજોગો એને હસાવે છે ને રડાવે છે, શાંત અથવા અશાંત કરે છે. કારણ કે એ પોતાની પ્રકૃતિનો, પોતાના મનનો અને પોતાની ઇન્દ્રિયોનો દાસ છે. એણે એ દાસત્વમાંથી છૂટીને પોતાની જાતના સ્વામી બનવાનું છે. એ પછી પરિસ્થિતિ એના પર પ્રભાવ પાડી અથવા એને ચળાવી નહિ શકે. ભાગવતે આરંભથી માંડીને અંત સુધી પરિસ્થિતિથી પ્રભાવિત થનારા દાસત્વવાળાં ને પરિસ્થિતિથી લેશ પણ પ્રભાવિત ના થનારાં, સંજોગોના શિકાર ના બનનારાં, પોતાની જાત પરના સ્વામિત્વવાળાં એવાં બંને પ્રકારનાં વિરોધાભાસી વ્યક્તિત્વોને રજૂ કર્યા છે. ધુંધુકારી ને ગોકર્ણ, શ્રૃંગી ને શમીકમુનિ, મહારાજા પરીક્ષિત અને શમીક મુનિ તથા સંતશિરોમણિ શુકદેવ, દેવહુતિ તથા કર્દમ ને મહર્ષિ કપિલ, દક્ષ પ્રજાપતિ ને શંકર, ધ્રુવ અને રહૂગણ તથા જડભરત, હિરણ્યકશિપુ ને પ્રહલાદ તથા મહામુનિ દુર્વાસા ને અંબરીષ એ બધાં એનાં જ ઉદાહરણો છે. એ બધાં ઉદાહરણો કહી બતાવે છે કે જે પોતાની જાતનો દાસ છે તેને પરિસ્થિતિ નચાવ્યા કરે છે, ને માણસ ધારે તો પોતાના એ દાસત્વમાંથી મુક્તિ મેળવીને પોતાની જાતનો સ્વામી બનીને સર્વ સ્થળે કે કાળે સ્થિરતાનો કે શાંતિનો સ્વાદ મેળવી શકે છે.

કંસની અવસ્થા પ્રમાણે એની પાસેથી એટલી બધી સ્થિરતા, શાંતિ કે સ્થિતપ્રજ્ઞતાની આશા રાખી શકાય તેવું હતું જ નહિ. એ એની પ્રકૃતિ, પશુવૃત્તિ તથા પરવશતાથી લાચાર હતો. એટલે જ એ એટલો જલ્દી ઉત્તેજીત બની ગયો.

એને એવી રીતે ઉત્તેજીત થયેલો જોઇને દેવકી અને વસુદેવ બંને હેબતાઇ ગયાં. કંસ અચાનક આવી આકાશવાણી થવાથી આવું ભયંકર વર્તન કરવા પ્રેરાશે એની એમને કલ્પના સરખી નહોતી. કંસને પોતાને પણ એવી કલ્પના ક્યાં હતી ? જે બનવા માંડ્યું તે બધું કલ્પનાતીત બની રહેલું. પરંતુ એનો કઇ રસ્તો તો કાઢવો જોઇએ ને ? એમાં એક વિપળનો પણ વિલંબ થવાથી દેવકીનું જીવન સલામત રહી શકે તેમ ન હતું.

વસુદેવ પરિસ્થિતિની ગંભીરતાને સહેલાઇથી સમજી ગયા. એ તરત જ વચ્ચે પડીને કંસને પોતાની વિશિષ્ટ રીતે સમજાવવા લાગ્યા. એમણે એની સંજોગોને અનુસરીને પ્રશસ્તિ કરીને જણાવ્યું કે આકાશવાણીને સાચી માની લઇએ તો પણ દેવકીનો નાશ કરવાનું કાર્ય લેશ પણ ઉચિત નથી લાગતું. આકાશવાણી પ્રમાણે ભય દેવકીનો નથી, દેવકીનાં સંતાનોનો છે, તો એનાં સઘળાં સંતાન હું તમને સોંપી દઇશ. પછી તમારી રક્ષા માટે તમારે જે કરવું હશે તે કરવા તમે સ્વતંત્ર રહેશો.

કંસને વસુદેવનાં વચનમાં વિશ્વાસ હોવાથી એણે દેવકીને મારવાનો સંકલ્પ છોડી દીધો. દેવકી તથા વસુદેવ એથી સંતોષ પામીને એમના આવાસ તરફ ચાલી નીકળ્યાં.

સમય પર દેવકી પુત્રવતી થઇ. એના પહેલા પુત્ર કીર્તિમાનને લઇને વસુદેવ પોતાના વચનપાલન માટે કંસની આગળ આવી પહોંચ્યા ત્યારે કંસે એને પાછા લઇ જવાનો આદેશ આપીને જણાવ્યું કે મારું મૃત્યુ દેવકીના આઠમા સંતાનથી થવાનું છે, એટલા માટે મને બીજાં બાળકોનો ભય નથી લાગતો.

વસુદેવ પુત્રને લઇને પ્રસન્નતાપૂર્વક પાછા આવ્યા તો પણ પૂરેપૂરા નિશ્ચિંત તો ના જ બની શક્યા. કારણ કે ચંચળ, ક્રૂર, મલિન મનનો કંસ કયે વખતે શું કરે તે વિશે કશું જ ચોક્કસ નહોતું કહી શકાય તેમ. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાનું જરૂરી હતું. નહિ તો અમંગલની આશંકા તો હજુ પણ હતી જ. અને એમની શંકા સ્વલ્પ સમયમાં જ સાચી ઠરી. બન્યું એવું કે એક દિવસે દેવર્ષિ નારદે કંસ પાસે પહોંચીને કહ્યું કે વ્રજમાં વસનારાં ગોપગોપીઓ દેવતાઓનાં અવતાર છે. દૈત્યોને લીધે ધરતીનો ભાર વધી ગયો હોવાથી દેવતાઓએ એ ભાર હળવો કરવા માટે એમના નાશની યોજના ઘડી છે. દેવર્ષિ નારદના કથનથી કંસે નિર્ણય કરી લીધો કે યદુવંશીઓ દેવો છે અને દેવકીના ઉદરમાંથી સ્વયં વિષ્ણુ ભગવાન જ મારા નાશ માટે જન્મવાના છે. પછી તો બાકી રહ્યું જ શું ? જે સ્વાભાવિક હતું તે જ થવા માંડ્યું. એની આસુરી વૃત્તિ પ્રબળ બનવાથી એણે વસુદેવ તેમ જ દેવકીને બેડી પહેરાવીને કારાવાસમાં કેદ કરી દીધાં અને એમના જે જે સંતાનો થયાં તેમને મારવા માંડ્યાં. કંસના કુકર્મનો ભાર એથી વધતો ગયો. એણે યદુ, ભોજ અને અંધક વંશના અધિનાયક એના પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યા ને શૂરસેન દેશનું રાજ્ય લઇ લીધું.

એ ઘટનાચક્ર દ્વારા ભાગવત કંસના પામર અને પાશવી પ્રકૃતિનો પરિચય કરાવે છે, એની દુષ્ટતા બતાવે છે, અને ભગવાન કૃષ્ણના પ્રાકટ્ય પહેલાંની પૂર્વભૂમિકા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે.

પોતાના પિતા ઉગ્રસેનને વસુદેવ તથા દેવકીની જેમ કારાવાસમાં કેદ કરીને કંસ અહંકારથી ઉન્મત્ત બનીને રાજ્ય કરવા લાગ્યો. એ બળવાન તો હતો જ; તે ઉપરાંત એને મગધનરેશ જરાસંઘની સહાયતા સાંપડેલી. વળી પ્રલંબાસુર, બકાસુર, ચાણૂર, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવિદ, પૂતના, કેશી તથા ધેનુક જેવાનો સાથ હતો. બાણાસુર તથા ભૌમાસુર સરખા રાજાઓની એની સાથે સહાનુભૂતિ હતી. એટલે એણે યદુવંશીઓના નાશનો પ્રયત્ન આરંભી દીધો.

દેવકીના છ સંતાનોને એણે ભારે નિર્દયતાપૂર્વક કોઇ પણ પ્રકારના સંકોચ કે ક્ષોભ સિવાય મારી નાંખ્યાં. એ પછી એના ઉદરમાં એના સાતમા સંતાન તરીકે ભગવાનના અંશસ્વરૂપ અનંત અથવા શેષ પ્રવેશ્યા. એથી એની પ્રસન્નતાનો પાર ના રહ્યો.

ભગવાને યદુવંશીઓને કંસ દ્વારા પુષ્કળ પીડા પહોંચાડાતી જોઇને પોતાની યોગમાયાને વ્રજમાં જવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે ત્યાં નંદના ગોકુળમાં વસુદેવની બીજી પત્ની રોહિણી રહે છે. એના ઉદરમાં રહેલા મારા અલૌકિક અંશને સફળતાપૂર્વક સ્થાપી દે. હું મારા પરિપૂર્ણ જ્ઞાન તથા સામર્થ્યાદિ સાથે દેવકીનો પુત્ર બનીશ ને તું નંદની પત્ની યશોદા દ્વારા પ્રકટ થા. તું મનુષ્યોને ઇચ્છાનુસાર વરદાન આપવાની શક્તિ ધરાવીશ. દેવકીના ઉદરમાંથી ખેંચાવાને લીધે શેષને સંકર્ષણ નામથી ઓળખવામાં આવશે, લોકરંજન કરવાની યોગ્યતાને લીધે રામ કહેશે ને બળવાન હોવાથી લોકો બળભદ્રના નામથી બોલાવશે.

યોગમાયાએ ભગવાનના આદેશાનુસાર સઘળું કામ સફળતાપૂર્વક સમાપ્ત કર્યું. એની ખબર બીજા કોઇને પણ ના પડી. એ રહસ્ય  રહસ્ય જ રહી ગયું. સૌ કોઇ એમ જ સમજ્યાં કે દેવકીને કસુવાવડ થઇ અથવા એનો ગર્ભ નષ્ટ થઇ ગયો.