if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાગવતમાં હવે ચીરહરણના પ્રસંગનો પ્રારંભ થાય છે. એ પ્રસંગ જનસમાજમાં સારી પેઠે જાણીતો છે.

એ પ્રસંગ હેમંત ઋતુમાં બનેલો. એની પહેલાંના માગશર મહિનામાં વૃંદાવનની કુમારિકાઓએ કાત્યાયની દેવીનું પૂજન તથા વ્રત કર્યું. વ્રતના દિવસો દરમિયાન એ કુમારિકાઓ કેવળ હવિષ્યાન્ન ખાતી, ઉષઃકાળ પહેલાં જ યમુનાના પવિત્ર પાણીમાં સ્નાન કરતી, તથા યમુનાના સુંદર તટપ્રદેશ પર દેવીની મંગલ મૂર્તિ બનાવીને એનું વિધિપૂર્વક પૂજન કરીને કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવાની મનોકામનાને પ્રગટ કરતી. રોજ સવારે યમુનાજળમાં સ્નાન કરતાં પહેલાં ભગવાન કૃષ્ણની લોકહિતકારિણી લીલાઓના સુમધુર સંકીર્તનથી સંતોષ મેળવતી.

એક દિવસ પોતાના નિત્ય નિયમ પ્રમાણે યમુનાના સુંદર શાંત તટપ્રદેશ પર વસ્ત્રો ઉતારીને કૃષ્ણનું ગુણસંકીર્તન કરતી એ સઘળી કુમારિકાઓ સ્નાન કરવા માંડી. ભગવાન કૃષ્ણને એમની મનોકામનાની માહિતી હોવાથી એમની આરાધનાને સફળ કરવાની સદ્દભાવનાથી પ્રેરાઇને એ યમુનાતટ પર જઇ પહોંચ્યા. એમની સાથે બીજા ગોપબાળો પણ હતા. કૃષ્ણે એ કન્યાઓનાં વસ્ત્રો લઇ લીધાં. એ વસ્ત્રો સાથે એ કિનારાના કદંબના વૃક્ષ પર ચઢી ગયા.

ગોપીઓ પોતાનાં વસ્ત્રોને કિનારા પર ના જોઇને ખૂબ જ સંકોચ પામી. એમને હવે શું કરવું તે ના સમજાયું. કૃષ્ણે એમને હસતાં હસતાં જણાવ્યું કે તમારી ઇચ્છા હોય તો તમે મારી પાસે આવીને તમારાં વસ્ત્રોને લઇ જાવ. હું તમને સાચી વાત કહી રહ્યો છું.

એ સાંભળીને ગોપબાલો હસવા લાગ્યા.

ભગવાન કૃષ્ણે ગોપીઓને એમનાં વસ્ત્રો એક પછી એક આવીને અથવા એક સાથે આવીને લઇ જવાની સુચના કરી એથી ગોપીઓ સ્વાભાવિક રીતે જ સંકોચમાં પડીને એકમેકના તરફ જોઇને હસવા લાગી. એ યમુનાના પવિત્ર પ્રવાહમાંથી બહાર ના નીકળી, અને કૃષ્ણને પોતાનાં વસ્ત્રો પાછાં આપવા માટે જુદી જુદી રીતે પ્રેમપૂર્વક પ્રાર્થના કરવી લાગી. એમણે એવું પણ કહ્યું કે અમે તમારી દાસી છીએ તમારી ઇચ્છા પ્રમાણે કરવા તૈયાર છીએ ત્યારે કૃષ્ણે એમને પોતાની પાસે આવીને પોતપોતાનાં વસ્ત્રોને લઇ જવાનો આદેશ આપ્યો.

ગોપીઓ હવે લાચાર બની. એમની આગળ કોઇ બીજો વિકલ્પ ના રહ્યો, વસ્ત્રો વિના એમને ચાલે તેમ ના હોવાથી બંને હાથે પોતાના ગુહ્યભાગોને ઢાંકીને એ યમુનાની બહાર નીકળી. ઠંડીથી કંપતી કુસુમકોમળ કમનીય કાયાવાળી એ કન્યાઓની પવિત્રતાને તથા નિર્દોષતાને જોઇને ભગવાન કૃષ્ણે પ્રસન્નતાપૂર્વક જણાવ્યું કે તમે તમારા વ્રતને સારી રીતે પ્રસન્નતાપૂર્વક પૂરું કર્યું છે તે જાણીને મને ખરેખર આનંદ થાય છે પરંતુ એમાં એક ત્રુટિ રહી ગઇ છે. તમે સૌએ કપડાં કાઢીને યમુનાના પાણીમાં સ્નાન કર્યું તે સારું નથી થયું. એથી પાણીના અધિષ્ઠાતા વરુણદેવનો અને યમુનાનો અપરાધ થયો છે. એ અપરાધના પ્રાયશ્ચિતરૂપે બંને હાથને મસ્તક પર લગાડીને નીચે નમીને નમન કરો. તે પછી જ તમને તમારાં વસ્ત્રોની પ્રાપ્તિ થશે.

ગોપીઓને થયું કે એમનાથી ખરેખર અને મોટો, અક્ષમ્ય અપરાધ થયો છે. કૃષ્ણની વાત એમને સાચી લાગવાથી એમણે એમની સુચનાનુસાર એમને પ્રણામ કર્યા. ભગવાન કૃષ્ણે એમની નિર્ભેળ, નિષ્ઠા, સરળતા, શુચિતા અને સહજતાને નિહાળીને એમને અભિનંદન આપીને એમના વસ્ત્રો પ્રેમપૂર્વક પાછાં આપી દીધાં.

ગોપીઓએ પોતાના વસ્ત્રો પહેરી લીધાં.

ભગવાન કૃષ્ણે એમને આશ્વાસન આપતાં જણાવ્યું કે તમારો સંકલ્પ મારી પૂજા કરવાનો છે તેની મને માહિતી છે. તમારો એ શુદ્ધ સંકલ્પ સાચો થશે ને તમે મારી પૂજા કરી શક્શો. તમે હવે તમારા ઘર તરફ પ્રયાણ કરો. તમારી સાધના સફળતા પર પહોંચી ચૂકી છે. હવે પછી આવનારી શરદ ઋતુની રસીલી રાત્રી દરમિયાન તમે મારી સાથે રાસક્રીડા કરશો ને પરમસુખ તથા શાંતિ મેળવશો. તમે જે વ્રત કર્યું છે તેનું પ્રયોજન એ જ હતું તે જાણું છું.

એ પછી ગોપીઓ પ્રસન્નહૃદય સાથે ત્યાંથી ચાલી નીકળી.

ભાગવતની એ કથા સ્પષ્ટ રીતે અસંદિગ્ધપણે કહી બતાવે છે કે ભગવાન કૃષ્ણને ગોપીઓની વસ્ત્રોને ઉતારીને સ્નાન કરવાની પદ્ધતિ જરાપણ પસંદ નહોતી પડી. યમુનાનો તટપ્રદેશ એક સાર્વજનિક જાહેર પ્રદેશ હતો. યમુના પણ જાહેર સાર્વજનિક નદી હતી. તેમાં એવી રીતે સ્નાન કરવાની ગોપીઓને અત્યારથી જ ટેવ પડી જાય તો તે ભવિષ્યમાં એમને અને સમસ્ત સમાજને માટે હાનિકારક થાય. એમની અભિલાષા વૃંદાવનના સમગ્ર વાતાવરણને બને તેટલું વધારે ને વધારે વિશુદ્ધ કરવાની હતી. એ અભિલાષાથી પ્રેરાઇને જ એમણે એમને આવશ્યક પદાર્થપાઠ આપવાને માટે એ પ્રસંગનો એવી રીતે આધાર લીધો. એને માટેની એમની પદ્ધતિ જરાક જુદી ને વિલક્ષણ હતી એ સાચું હોવા છતાં એ પદ્ધતિ નિર્દોષ હતી એ નિર્વિવાદ છે. એમની અંદર વિકારનો લેશ પણ અંશ ન હતો. એટલું જ નહિ, ગોપીઓની પ્રકૃતિ પણ પૂર્ણ પવિત્ર હતી. એ ગોપીઓને વિકારરહિત પવિત્ર પ્રેમની જ પ્રેરણા આપવાની ઇચ્છા રાખતા હતા. આગામી શરદ ઋતુની રાત્રી દરમ્યાન રમાનારી રાસલીલામાં પણ એ જ પવિત્રતાનું પૂર્ણ પ્રાધાન્ય રહેવાનું હતું. એનો સંકેત એમણે વસ્ત્રોને પાછાં આપ્યા પછી ગોપીઓને સંભળાવેલા શબ્દો પરથી સંપૂર્ણપણે ને સહેલાઇથી મળી રહે છે. આ રહ્યા એમના એ સુંદર સારવાહી શબ્દો :

‘જેમણે મારી અંદર મન, બુદ્ધિ તથા પ્રાણને પ્રવેશ કરાવીને મારું શ્રદ્ધાભક્તિપૂર્વક શરણ લીધું છે તેમની અંદર સાંસારિક કામનાઓ નથી પેદા થઇ શક્તી. એ કામનાઓ કાયમને કાજે પવિત્ર અને પરમાત્માભિમુખ કરનારી તેમ જ પરમાત્માની પાસે પહોંચાડનારી હોય છે.’

એના પરથી એ પ્રસંગની પાછળની ને ભગવાન કૃષ્ણના ગોપીઓ સાથેના પવિત્ર સ્નેહસંબંધની પાછળની પવિત્રતાની પ્રતીતિ થશે. એ પ્રસંગમાં અને સંબંધમાં મલિનતાનું દર્શન કરનારા ભયંકર ભૂલ કરે છે ને પોતાની જ મલિનતાનો પડઘો પાડે છે.

ભગવાન કૃષ્ણ ગોપીઓના સ્ત્રીસહજ સંકોચને દૂર કરવા અને પોતાની અંદર ભગવદ્દભાવની પૂરેપૂરી પ્રતિષ્ઠા કરાવવા માગતા હતા. ગોપીઓ એમને સામાન્ય અથવા અસામાન્ય સાંસારિક પુરુષ તરીકે માનીને એમનો સંકોચ અનુભવે એ એમને પસંદ નહોતું. એ દેહભાવથી ઉપર ઊઠીને અલૌકિક આત્મભાવમાં પ્રતિષ્ઠા પામે એવી એમની ઇચ્છા હતી. એથી જ એની પૂર્વભૂમિકારૂપે એમણે એમને વસ્ત્રવિહીન અવસ્થામાં અને એમને દેહાધ્યાસથી પરિપૂર્ણપણે મુક્ત કરવા માટે પાછળથી બે હાથ જોડી નમન કરીને વસ્ત્રોને લઇ જવાનો આદેશ આપ્યો અને ગોપીઓએ દેહાધ્યાસથી મુક્તિ મેળવીને તેમજ ભગવદ્દભાવમાં પૂર્વજન્મના પવિત્રતમ સંસ્કારોના સુપરિણામે સહેલાઇથી સ્થિતિ કરીને એ આદેશનું અનાયાસે સફળતાપૂર્વક અનુસરણ કર્યું.

એ પ્રસંગ સૂચવે છે કે ભગવાનની પરમકૃપાની પ્રાપ્તિ દ્વારા કૃતકૃત્ય બનવા માગનારા સાધકે અહંકાર અથવા દેહાભિમાનમાંથી મુક્તિ મેળવવાની અને બનતા પ્રમાણમાં નિર્દોષ થઇને ભગવાનનું શરણ લેવાની આવશ્યકતા છે. ગોપી જીવ છે અને ભગવાન કૃષ્ણ શિવ. જીવ શિવના આકર્ષણ અથવા અનુરાગનો અનુભવ કર્યા વિના રહી જ ના શકે. એ આકર્ષણ અનાદિ અને અમર છે. એને લીધે જ જીવન શક્ય બને છે ને સંસારનું ચક્ર ચાલી શકે છે. ગોપીને મનની વૃત્તિ કહીએ તો પણ એ આત્મા અથવા પરમાત્માની સાથે રાસ રમ્યા વિના ભાગ્યે જ રહી શકે. એ રાસ જ એને રસમય કે કૃતાર્થ કરે. એને માટે એણે પરમ પવિત્ર બનીને પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત થયા વિના છૂટકો જ નથી.

પ્રત્યેક જીવે ગોપીઓની પેઠે છેવટે તો સાધનાપરાયણ બનીને દેહાધ્યાસમાંથી અને આસક્તિમાંથી છૂટવાનું છે. એની સાથે સાથે ઇશ્વરનું શરણ લઇને એમને સમર્પણ અને અંતે સર્વસમર્પણ કરવાનું છે. પછી જીવનમાં રસનો રાસ જ બાકી રહેશે. પરમાત્માની પૂર્ણ કૃપાની પ્રાપ્તિ થતાં એમની સાથેની અંતરંગ એકતાનો, જીવનની ધન્યતા, પૂર્ણતા ને મુક્તિનો રાસ શરૂ થશે. સાધારણ રાસ નહિ પરંતુ મહારાસ. પછી પરમાત્મા સાથેના અભેદભાવની અનુભૂતિ થતાં બીજું કશું જ બાકી નહિ રહે.

આપણે ત્યાં સાર્વજનિક સ્નાનાગારો તથા સરિતાતટો છે. સ્નાન કરનારે આ પ્રસંગ પરથી પાઠ લેવાનો છે. એમને માથે મોટી જવાબદારી છે. એનું એમણે પાલન કરવાનું છે. એનું પાલન બધે ઠેકાણે નથી થતું એ આશ્ચર્યકારક અને દુઃખદ છતાં સાચું છે. સાર્વજનિક સ્નાનગારો તથા સરિતાતટોનો ઉપયોગ સૌ કોઇએ સંયમપૂર્વક, સારા નાગરિક તરીકેની જવાબદારીના પૂરતા ભાન સાથે કરવાનો છે. એમના પોતાના વર્તનથી અશ્લિલ ના બનાવી દેવાય તેનું ધ્યાન રાખવાનું છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.