if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ ઘટના પછી દેવર્ષિ નારદે કંસની પાસે પહોંચીને જણાવ્યું કે જે કન્યાએ તારા હાથમાંથી મુક્તિ મેળવી આકાશવાણી કરેલી તે તો યશોદાની પુત્રી હતી, ને વ્રજના કૃષ્ણ દેવકીના ને બલરામ રોહિણીના પુત્ર છે. વસુદેવે ભયને લીધે એમને ત્યાં રાખ્યા છે.  તારા મોકલેલા અસુરોનો નાશ કરનાર એ જ છે.

એ સાંભળીને કંસના ક્રોધનો પાર ના રહ્યો. એણે વસુદેવને મારવા માટે તલવાર તાણી પરંતુ દેવર્ષિ નારદે એને એમ કરતાં અટકાવ્યો ત્યારે એણે વસુદેવ તથા દેવકી બંનેને બેડી પહેરાવીને કારાવાસમાં કેદ કર્યાં અને નારદજી ગયા પછી કેશી દૈત્યને બોલાવીને કૃષ્ણ તથા બલરામને ગમે તેમ કરીને મારી નાખવાનો આદેશ આપ્યો. એ પછી બીજા અસુરોને અને મંત્રીઓને બોલાવીને બીજી યોજનાઓ પણ ઘડી કાઢી. એ ઉપરાંત શ્રેષ્ઠ યદુવંશી મિત્ર અક્રૂરને બોલાવીને વ્રજમાં જઇને કૃષ્ણ, બલરામ, નંદ તથા બીજા ગોપોને મથુરા જોવા તથા ભવિષ્યમાં થનારા ધનુષ્યયજ્ઞમાં ભાગ લેવા માટે વહેલી તકે લઇ આવવાની સુચના કરી.

કંસે મોકલેલો કેશી નામનો દૈત્ય ભયંકર ઘોડાનું રૂપ લઇને વાયુથી પણ વધારે વેગથી દોડતો વ્રજમાં જઇ પહોંચ્યો તો ખરો, પરંતુ ભગવાન કૃષ્ણની આગળ એ ના ફાવી શક્યો. કૃષ્ણે એનો સામનો કરીને એના ગળામાં હાથ નાખીને એ હાથને એટલો બધો મોટો કર્યો કે એ ગૂંગળાઇ ગયો. તપેલા લોઢા જેવા એ હાથથી છેવટે એનો નાશ થયો. એવી રીતે વ્રજમંડળને એક બીજા દૈત્યના ભયમાંથી પણ મુક્તિ મળી. સૌએ ભગવાન કૃષ્ણને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યાં.

*

કંસને મળીને દેવર્ષિ નારદે ભગવાન કૃષ્ણની પાસે પહોંચીને એમની પ્રેમપૂર્વક પરમપુજ્યભાવે પ્રશસ્તિ કરીને એમની આગળ કંસના નાશથી માંડીને ભવિષ્યમાં બનનારી એમના જીવનની છેવટ સુધીની મહત્વની ઘટનાઓનું શબ્દચિત્ર દોરી બતાવ્યું. એ પછી એમના આશીર્વાદ મેળવીને એ ત્યાંથી વિદાય થયા.

દેવર્ષિની વિદાય પછી કૃષ્ણે વ્યોમાસુર નામના બીજા અસુરનો નાશ કર્યો. એ અસુર ગોપબાળ બનીને આવેલો. એ રમત રમતાં ચોર બનીને ઘેટાં બનેલા ગોપબાળકોને ચોરીને પર્વતની ગુફામાં સંતાડી દેતો. કૃષ્ણે એનો નાશ કરીને એ બાળકોને મુક્તિ આપી.

*

અક્રુરજીને કંસના આદેશનું પાલન કર્યા સિવાય છૂટકો નહોતો. એ રથને લઇને મથુરાથી ચાલી તો નીકળ્યા પરંતુ માર્ગમાં એમનું અંતર ભક્તિભાવથી ભરાઇ ગયું અને એ વિચારવા લાગ્યા કે મારાથી મારા પૂર્વજન્મમાં કોણ જાણે કેવું તપ કે સત્કર્મ થયું છે કે એના ફળરૂપે આજે મને ભગવાન કૃષ્ણનું દેવદુર્લભ દર્શન થશે. હું વિષયી હોવા છતાં મારી ઉપર એમની કૃપા થશે એ કલ્પના જ કેટલી બધી કલ્યાણકારક અને આનંદમય છે ? આજે મારા સઘળા અશુભનો નાશ થયો ને મારો જન્મ સફળ બન્યો. આજે હું યોગીઓ જેમનું ધ્યાન કરે છે તે ભગવાનનાં ચારુ ચરણોમાં પ્રેમપૂર્વક પ્રણામ કરીશ. ભગવાન વિષ્ણુ જ લીલા કરવા માટે કૃષ્ણ બનીને પૃથ્વી પર પ્રકટ થયા છે.

એવા અનેકવિધ ભાવોને અનુભવતા અક્રૂર વ્રજમાં પહોંચી ગયા. એમણે કૃષ્ણ તથા બલરામને ગાયો દોહવાના સ્થાનમાં બેઠેલા જોયા. કૃષ્ણે પીતાંબર પહેરેલું ને બલરામે નીલાંબર. એ બંને સૌંન્દર્યના સાકાર સ્વરૂપ જેવા અત્યંત સુંદર દેખાતા. એમને જોતાવેંત જ અક્રૂરનું હૈયું હાથમાં ના રહ્યું. એ ખૂબ જ ભાવવિભોર બનીને રથમાંથી ઉતરીને કૃષ્ણ તથા બલરામના પગમાં પડ્યા. એમની પ્રસન્નતા ને કૃતકૃત્યતાનો પાર ના રહ્યો. એમને જાણે કે જીવનના પરમધનની પ્રાપ્તિ થઇ. એમને રોમાંચ થયાં અને એમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં.

ભગવાન કૃષ્ણ એમના મનોભાવ જાણી ગયા. એમણે એમને ભેટીને કુશળ સમાચાર પૂછ્યા. બલરામ પણ એમને પ્રેમથી ભેટી પડ્યા. એ પછી એ બંને એમને પોતાને ઘેર લઇ ગયા. ત્યાં એમનું પરમપ્રેમથી સ્વાગત કરીને એમને ભોજન કરાવ્યું. એ વખતે એમને નંદનો પણ મેળાપ થયો.

ભગવાનના આદર્શ ભક્તના મનોભાવો કેટલા બધા પવિત્ર, પ્રેમમય અને ભક્તિરસ ભરપુર હોય છે તેનો ખ્યાલ અક્રૂરના ભાવો પરથી સહેલાઇથી આવી શકે છે. સૌથી પ્રથમ મહત્વની વાત તો એ છે કે ભક્તે અ-ક્રૂર બનવું જોઇએ. મન, વચન, કર્મથી એ કોઇ પ્રકારની ક્રૂરતા ના કરે, કોઇને હાનિ ના પહોંચાડે, પરંતુ મધુમય, પવિત્ર, પ્રેમપૂર્ણ ને પરોપકારી બને એ આવશ્યક છે. બીજી વાત એ છે કે એના હૃદયમાં ને રોમેરોમમાં પરમાત્માનો પ્રેમ જોઇએ. ત્રીજી વાત પરમાત્માના સ્મરણમનનમાં મશગુલ થઇ જવાની ને પરમાત્માના સાક્ષાત્કારને માટેની ઉત્કટ ભાવના કે લાગણીની છે. આદર્શ ભક્તમાં એની પણ આવશ્યકતા છે. ભક્તનું જીવન એ આવશ્યકતાઓની પૂર્તિથી જ આદર્શ અને કૃત્કૃત્ય બની શકે.

અક્રૂરના પૂર્વજન્મના કોઇ પવિત્ર પ્રબળ પુણ્યસંસ્કારો હશે તેથી જ એમને ભગવાન કૃષ્ણને માટે એટલો બધો પ્રેમ થયો. એમનું નામ તો અક્રૂર હતું પરંતુ ક્રૂર કંસના આદેશનો અનાદર ના કરી શકવાથી એમને બાહ્ય રીતે કઠોર લાગતા કર્મમાં પ્રવૃત્ત થવું પડ્યું. એ માટે એ લાચાર હોવા છતાં નિશ્ચિંત હતા કારણ કે કૃષ્ણની લોકોત્તરતાની એમને ખબર હોવાથી એમને વિશ્વાસ હતો કે કંસ ગમે તેવી યોજના ઘડશે તો પણ એમનો વાળ પણ વાંકો નહિ કરી શકે અને આખરે એના જ ખોદેલા ખાડામાં પડીને પાયમાલ થશે.

અક્રૂરની પાસેથી વસુદેવ તથા દેવકીને કંસે ફરીવાર કારાવાસમાં પૂર્યાં એ હકીકત સાંભળીને નંદ, યશોદા, રોહિણી, બલરામ, કૃષ્ણ તથા બીજા બધાની પીડાનો પાર ના રહ્યો. નંદે તો અક્રૂરને કહ્યું પણ ખરું કે આવા ક્રૂર કંસની પાસે તમે કેવી રીતે રહી અને એના આવા અનેક અત્યાચારોને સહી શકે છો ? તમે સૌ મથુરામાં સુખી હશો એવું નથી લાગતું.

મથુરાપુરીમાં કંસ અને અક્રૂર બંને હતા. એક કૃષ્ણનો કટ્ટર વિરોધી ને બીજા એમના પ્રેમી. એક નિર્દય ને બીજા દયાળુ. એક કુમાર્ગગામી ને બીજા સત્કર્મપરાયણ. જગતમાં એવા બંને પ્રકારના વિરોધાભાસી જીવો જોવા મળે છે અને જગતમાં જ શા માટે, માનવના મનમાં, મનની મથુરાપુરીમાં પણ કંસ અને અક્રૂર બંને જોવા મળે છે. એમાં અશુભ અને શુભ, અધમ અને ઉત્તમ, મારક તથા તારક અને વિધ્વંસાત્મક કે રચનાત્મક આસુરી અને દૈવી વૃત્તિઓ અથવા ભાવનાઓ આટાપાટાની રમત રમ્યા કરે છે. માણસ ક્રૂર કંસ બને કે અક્રૂર બને તે માટે સ્વતંત્ર છે. એક એને અને અન્યને માટે અભિશાપરૂપ થાય છે તો બીજો અમૂલખ આશીર્વાદરૂપ. એક અશાંતિ ઊભી કરે છે તો બીજો શાંતિનું દાન દે છે.

*

ભગવાન કૃષ્ણની જિજ્ઞાસાના જવાબમાં અક્રૂરે એમના આગમનનું કારણ કહી બતાવ્યું. એ સાંભળીને ભગવાન પોતાની વિચક્ષણ દૃષ્ટિથી સઘળી પરિસ્થિતિ સમજી ગયા. એમણે બીજે દિવસે વહેલી સવારે જ કંસના આમંત્રણને માન આપીને પોતાના જીવનકાર્યને સુચારુરૂપે આગળ વધારવા માટે મથુરા જવાની ઇચ્છા પ્રદર્શિત કરી. નંદે એ ઇચ્છાને માન્ય રાખીને જરૂરી બધી જ તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો.

ગોપિકાઓએ અક્રૂરના આગમનની અને એમણે સંભળાવેલા કંસના સંદેશની માહિતી મેળવી ત્યારે એમની ઉપર એની કેવી કરુણ પ્રતિક્રિયા થઇ એની કલ્પના સહેલાઇથી કરી શકાશે. એ ખૂબ જ દુઃખી થઇ ગઇ. જન્મના કોઇક દરિદ્રીને અચાનક અઢળક સંપત્તિ સાંપડે અને એનો ઉપભોગ ના કરે ત્યાં તો એની પાસેથી ખૂંચવી લેવાની કોશિશ કરવામાં આવે અને એનું અંતર જેવું આર્ત બને એથીય અધિક આર્ત એ બની ગઇ. એ કહેવા લાગી કે વિધાતાને પણ ધન્યવાદ ઘટે છે. એમના હૃદયમાં દયાનો લેશ પણ નથી લાગતો. પહેલાં તો એ જગતના જુદા જુદા જીવોને ભેગા કરે છે, એમની અંદર પારસ્પરિક પ્રેમ પેદા કરે છે, અને એમની આકાંક્ષાઓ પૂરી થાય તે પહેલાં જ વિયોગની વેદનાજનક વીણાને વગાડવા માંડે છે. અક્રૂરના રૂપમાં ક્રૂર બનીને એ વિધાતા જ અમારી આગળથી કૃષ્ણને લઇ જવા માટે આવી પહોંચ્યા છે. દોષ અક્રૂરનો નથી, વિધાતાનો છે.

એમને થયું કે મથુરાના ભાગ્યોદયનો સમય હવે સમીપ આવી પહોંચ્યો છે. એથી કૃષ્ણે ત્યાં જવાની તૈયારી કરી છે.

કોઇ કોઇ ગોપીઓ અક્રૂરને દોષ દેતાં કહેવા લાગી કે એમનું નામ ભૂલમાં અક્રૂર પડ્યું છે પરંતુ એ સાચેસાચ ક્રૂર છે; ખૂબ જ ક્રૂર. ક્રૂર ના હોત તો કૃષ્ણને લઇ જવા માટે આવત જ શા માટે ?

કૃષ્ણ ભગવાનના ભાવિ વિરહની કલ્પના ગોપીઓને ખૂબ જ કઠોર લાગી. એમણે આખી રાત રુદનમાં વીતાવી. એ વિરહની વેદના વેઠવાનું કાર્ય એમને માટે કપરું હતું.

બીજે દિવસે સૂર્યોદય સમયે અક્રૂરજી નિત્યકર્મથી નિવૃત્ત થઇને રથ ચલાવવા લાગ્યા. નંદ તથા બીજા ગોપો પણ એમની પાછળ પોતાનાં વાહનોમાં વિરાજીને ચાલી નીકળ્યા. ગોપિકાઓ કૃષ્ણની પાસે સંદેશ મેળવવાની ઇચ્છાથી આવી પહોંચી એટલે એમની વેદનાને શાંત કરવાનો પ્રયાસ કરતાં એમણે આશ્વાસન આપ્યું કે હું આવીશ. એમનો રથ જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી ગોપિકાઓ શૂન્યમનસ્ક જેવી એને અવલોકતાં ઊભી રહી. એમણે એમના માર્ગમાં અવરોધ ઊભો કરવાનો સહેજ પણ પ્રયાસ ના કર્યો.

ભગવાન કૃષ્ણ તો પ્રેમની મૂર્તિ હતા. એ ગોપીઓના પરમ પવિત્ર પ્રેમભાવને ભૂલી શકે તેમ ન હતા પરંતુ સાથે સાથે એમને માટે એમની પાસે સ્થૂળ રીતે સદાને સારુ બેસી રહેવાનું પણ શક્ય નહોતું. એમનો આવિર્ભાવ જે વિશિષ્ટ કર્તવ્યને કાજે થયેલો એનો એમને ખ્યાલ હોવાથી એમને મથુરા જવાનું આવશ્યક લાગ્યું. એક બાજુ પ્રેમ હતો ને બીજી બાજુ કર્તવ્ય. એમાંથી એમણે કર્તવ્યનો પંથ પસંદ કર્યો એ એમની અનાસક્તિ ને નિર્મોહવૃત્તિનું દર્શન કરાવે છે. એમનામાં જો ગાપીઓને માટેની આસક્તિ અથવા મોહવૃત્તિ હોત તો એટલી સરળતાથી એમનો ત્યાગ ના કરી શકત. ત્યાગ કર્યા પછી પણ મથુરાથી વ્રજમાં એમને મળવા માટે અવારનવાર આવ્યા કરત. પરંતુ એમનો પ્રેમ પરમ પવિત્ર, નિઃસ્વાર્થ, નિર્વાસનિક અને આત્મિક હોવાથી એમને માટે એવો કોઇ પ્રશ્ન જ નહોતો પેદા થતો. જે કૃષ્ણના ગોપિકાઓ સાથેના સંબંધને ને કૃષ્ણના જીવનને સહાનુભૂતિપૂર્વક તટસ્થ રીતે વિચારવા માગે છે એમણે એ હકીકત ખાસ યાદ રાખવાની છે. તો જ એમના જીવનને ન્યાય કરી શકાશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.