એ બધા મારા રસ્તાને રૂંધતા’તા;
કોઈ કાંઈક બતાવતા કોઈ કાંઈક.
એમને તમે બનાવ્યા નહોતા,
એમની મેળે જ માર્ગદર્શક બની ગયેલા.
એ ઉપદેશક, એ પૂજારી
ધર્મપ્રવર્તક અન્યના ઉદ્ધારકની બલિહારી.
એમને લીધે વિલંબ થયો.
અમારા સિવાય સર્વેશ્વર પાસે નહીં પહોંચી શકો
સર્વેશ્વરને સમજી પણ નહીં શકો, એમણે દાવો કર્યો.
લો આ ગ્રંથ, મંત્ર, સંત, મહંત, અપનાવી લો પંથ.
આ એક જ અકસીર છે ગ્રંથ, મંત્ર, પંથ, સંત કે મહંત.
જીવનનો કેટકેટલો વખત વ્યર્થ વિવાદમાં
વિહારમાં વિચારમાં ગયો!
કેટકેટલી શક્તિ ભક્તિ અનુરક્તિ
એમ ને એમ પડી રહી.
મારે હિંમતપૂર્વક બુલંદસ્વરે પોકારવું પડ્યું,
દૂર રહો ઉપદેશક પૂજારી ઉદ્ધારક,
નથી જોઈતા પંથ, બીજાના મંત્ર કે મહંત,
ગુરુ તમે કૃપા કરીને એક તરફ રહો,
કથાકાર કથા બીજાને કહો,
મને મારા આરાધ્યની પાસે એકલો જ જવા દો,
એના મંગલ મિલનમાં મળવા
એની સાથે ભળવા દો.
સારું થયું તમારો અસીમ અનુગ્રહ મારું સદભાગ્ય કે,
હું બીજા કોઈનોય નહીં તમારો થયો;
બીજા કોઈએ નહીં તમારા પંથે વળ્યો;
મારો પોતાનો જ ગ્રંથ મંત્ર સંત બન્યો.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)