તમારે માટે એક અશ્રુ પણ કોણ સારે છે?
અંતરના અંતરતમમાં અનુરાગનો અર્ઘ્ય ભરીને
પ્રાણના પ્રત્યેક પરમાણુમાં પૂજાનાં પ્રસૂન લઈને
રોમરોમમાં રસીલી રાગરાગિણી ભરીને
તમારે માટે એકાદ આહ પણ કોણ ભરે છે?
ચાહનાની ચિનગારીને લઈને તમારી પ્રતીક્ષા કોણ કરે છે?
તમને જ સ્વર્ગ વૈકુંઠ પરમપદ
મંગલ મુક્તિમંદિર કોણ ગણે છે?
તમને જ એકમાત્ર આરાધ્ય માની
જીવનનાં ધ્રુવપદ પરમપ્રાપ્તવ્ય જાણી
સાગર પ્રતિ અભિસરનારી સરિતા પેઠે
તમારે માટે કોણ સરે છે?
જીવનનું સારસર્વસ્વ કોણ ધરે છે?
જીવનને જલાવીને પળેપળે કોણ મરે છે?
તમને જ કોણ વરે છે?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)