મહીમંડળની મહાયાત્રામાં
મેં કરેલી અક્ષય અનવરત આરાધના
જ્યારે મોટાભાગના માનવયાત્રી તમને ભૂલી ગયેલા,
ભૂલવામાં ગૌરવ ગણતા’તા,
ત્યારે તમારી પ્રત્યે પ્રવાહિત કરેલી પ્રીતિ
મને નથી લાગતું તમે ભૂલી શકો, યુગો સુધી ભૂલી શકો. તમે મને નહીં ભૂલી શકો.
તમે પણ પ્રેમમય છો, કરુણાર્દ્ર કહેવાઓ છો,
કરુણાથી પ્રેરાઈને મેં તમારી કરેલી પ્રેમપ્રશસ્તિ
એ વખતે ટપકેલાં અશ્રુ, જાગેલાં અંતરસંવેદન,
અહર્નિશ નહિ તો એકાદવાર પણ તમને યાદ આવશે,
મને વિશ્વાસ છે તમે તેને ભૂલી નહીં શકો.
તમે મને નહીં ભૂલી શકો.
પ્રેમનો પ્રભાવ પથ્થર પર પણ પડે છે
પાર્થિવ પરમાણુ પર પણ, તમારા પર તો પડશે જ.
વખતના વીતવાની સાથે સઘળું શાંત થશે,
ધરતી ગગન બધું બદલાઈ જશે, અવનવું બનશે;
નહીં બદલાય કેવળ આપણો અનુરાગ.
એ તો આવો જ અક્ષય અપરિવર્તનશીલ રહેશે.
મારી સફરને સુખદ સફળ સાર્થક કરનારા પ્રેમને ને મને નહીં ભૂલી શકો,
સાધનાની સાર્થકતા, તપની ઈતિકર્તવ્યતા,
પ્રીતિની પરિપૂર્ણતા, એથી અધિક શી હોય?
એથી અધિક શી હોય શરીરધારણની સફળતા?
મારું શુભાગમન એટલેથી જ સાર્થક થયું.
તમે એને નહીં ભૂલી શકો. તમે મને નહીં ભૂલી શકો.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)