સૂર્ય સહસ્ત્રો સ્વર્ણકિરણે અંજલિ આપે છે
ચંદ્ર ચાંદની છાંટે છે;
તારા આરતી ઉતારે છે;
સરિતા સુમધુર સંગીતસ્વરે સ્તવે છે
સાગર ઉત્તુંગ તરંગે પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરે છે;
પવનની લલિતલહરી લાસ્યનૃત્ય કરીને આરાધે છે;
પુષ્પો પાંખડીને ખોલીને પ્રેમ પ્રદર્શાવે છે,
ઉષાસંધ્યા ઉપાસે છે.
પૃથ્વી એના ચિંતનમનનમાં કલ્પોથી મગ્ન અને અચળ છે-
પર્વતો એને અવલોકતા મંત્રમુગ્ધ સમાધિસ્થ છે.
હું એકલો જ નથી આરાધતો,
આખી અવની આરાધે છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)