પળે પળે પ્રતીક્ષા.
ક્ષણે ક્ષણે તિતિક્ષા.
મારી સમસ્ત સામગ્રી સાથે તમારી જ આરાધનાના
અલૌકિક અવસરની પ્રતીક્ષા.
પળે પળે પ્રતીક્ષા.
ક્ષણે ક્ષણે તિતિક્ષા.
સરિતા સાગર પ્રતિ સરે છે તેમ
મારું સર્વસ્વ તમારા તરફ વહે છે.
મારી સિતારીના સંગીતસ્વરો તમારે માટે જ સરે છે.
પુનિત પ્રસન્ન પ્રભાતે પુષ્પો પ્રગટી રહે છે તેમ
મારું સર્વ કાંઈ તમારે માટે પ્રગટે છે.
તમને પોતાની પૂજા ધરે છે.
કોઈ કહે છે આવું કેમ?
હું કહું છું આવું કેમ નહીં?
જે શેષ છે તે જ આગળ વધે છે.
બીજમાંથી વૃક્ષ, વિશાળ વટવૃક્ષ બને છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)