જીવનનો જે રહ્યોસહ્યો સમય શેષ છે
તે સમય દરમિયાન
તમારું સનાતન સુખદ સ્વર્ગીય સાન્નિધ્ય પામી શકું
એ સિવાય બીજી કોઈ જ ઈચ્છા શેષ નથી રહી;
તમારી શાશ્વત સુધાસભર સંનિધિ પામી શકું.
શ્વાસમાં શ્વાસ,
રોમે રોમ,
દૃષ્ટિમાં દૃષ્ટિપાતને પરોવી શકું,
સમસ્ત વ્યક્તિત્વને તમારા વહાલે વલોવી શકું,
એ સિવાય અન્ય એકે આકાંક્ષા શેષ નથી રહી,
તમારા પ્રાણમાં પ્રાણને વલોવી શકું.
એજ મુક્તિ, સિદ્ધિ, પરમપદ.
તમને સર્વ સ્થળે, સર્વ ક્ષણે મારાં બનાવી શકું,
તમારા પ્રેમપારાવારમાં પ્રાણને પખાળી શકું,
પાવન કરી શકું,
અરે તમને પોતાને પણ ધન્યતા ધરી શકું,
એ સિવાય બીજી કોઈ જ કામના શેષ નથી રહી,
તમારો રહીને તમને સંપૂર્ણપણે મારાં કરી શકું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)