Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પંખી પાંખને પલાળીને કિલ્લોલ કરે, સ્નાન કરે
પોતાની ચાંચમાં પાણી ભરે
સરિતા તોપણ શોષાતી નથી, સૂકાતી નથી,
એનો સલિલભંડાર ખૂટતો નથી.

સૂર્ય ગમે તેટલું શોષે
વરાળમાં વાદળમાં પરિવર્તન કરે
વરસાદી વાદળની કાયાપલટ કરે
સાગરનો વૈભવ મટતો નથી,
સ્વલ્પ પણ ઘટતો નથી.

ધરતીને ખેડવામાં આવે
એમાં ઉપરાઉપરી બીજારોપણ થાય
એની ઉપર અવનવી રચનાઓ કરાય
તો પણ એ એવી જ અચળ રહે છે.

આપણા અનુરાગના ઐશ્વર્યનું પણ એવું જ છે.
એમાંથી ગમે તેટલું લેવામાં, વહેતું કરવામાં, ગાવામાં આવે
તોપણ એ અનુરાગ ખૂટતો નથી.
અનંતકાળથી એનો આસ્વાદ લેવા છતાંય
એનો તાર તૂટતો નથી,
એને માણવાનો સ્વભાવ વછૂટતો નથી.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)