પ્રશ્ન : કેટલાક લોકો કહે છે કે યોગ અને જ્ઞાન પરસ્પર વિરોધી છે. તો તે બાબતમાં તમારો અભિપ્રાય કેવો છે તે જણાવશો ?
ઉત્તર : યોગ અને જ્ઞાન પરસ્પર વિરોધી છે એવી માન્યતા બરાબર નથી. એ બંને વિરોધી નથી પરંતુ અવિરોધી અને પૂરક છે. એ બંનેનું ધ્યેય કે પ્રાપ્તવ્ય એક જ છે-સ્વરૂપનો સાક્ષાત્કાર, અને બંને પોતપોતાની રીતે એની સિદ્ધિમાં ફાળો આપે છે, પક્ષીની બે પાંખ અને માનવીની બે આંખ શું પરસ્પર વિરોધી છે ? બે પાંખને લીધે પક્ષીની ને બે આંખને લીધે માનવની શોભા છે. પક્ષીને ઊડવા અને માનવને સારી રીતે જોવા માટે એ કામ લાગે છે. એવી રીતે જ્ઞાન જેને શાસ્ત્રાધ્યયન તથા ચિંતનમનનની પ્રક્રિયા દ્વારા બૌધ્ધિક રીતે સમજાવે છે તેને યોગ અનુભવની એરણ પર કસીને સાચું ઠરાવે છે. મને તો એ બંનેમાં કશો વિરોધ નથી દેખાતો. જ્ઞાન પણ છેવટે તો સ્વરૂપના સાક્ષાત્કાર અને સ્વરૂપની નિષ્ઠા માટે છે અને યોગની સાધનાનું પ્રયોજન પણ એ જ છે.
પ્રશ્ન : બૌદ્ધિક જ્ઞાનની પ્રપ્તિ પછી યોગસાધનાની આવશ્યકતા રહે છે ખરી ?
ઉત્તર : બૌદ્ધિક જ્ઞાનથી આત્માનો અપરોક્ષ અનુભવ નથી થતો. એવા અનુભવ વિના જ્ઞાન અધૂરું છે. એથી શાંતિ નથી મળતી ને જીવન ધન્ય પણ નથી બનતું. પરમશાંતિની પ્રાપ્તિ માટે ને સ્વરૂપના સાક્ષાત્કાર દ્વારા જીવનને કૃતાર્થ કરવા માટે ધ્યાનાદિ યોગસાધનાની આવશ્યકતા છે. બૌદ્ધિક જ્ઞાનથી શંકાસમાધાન થાય છે, સહજ સંતોષ મળે છે, તત્વની સમજ સાંપડે છે, પરંતુ તત્વનો સાક્ષાત્કાર નથી થતો. ત્યાંથી આગળ ચલાવીને યોગની સાધના પરમ તત્વનો કે સનાતન સત્યનો સાક્ષાત્કાર સહજ કરી દે છે; બૌદ્ધિક જ્ઞાનને અનુભવમાં પરીણત કરે છે. એટલા પૂરતી એની આવશ્યકતા છે જ.
પ્રશ્ન : ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગ આત્માની શુદ્ધિ માટે છે એવું કહેવામાં આવ્યું છે તે સાચું છે ?
ઉત્તર : સાચું છે. છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે योगमात्म विशुद्धये। એ કથન પ્રમાણે યોગ આત્માની અથવા પોતાની જાતની વિશુદ્ધિને માટે છે એ સાચું છે. પરંતુ યોગની સાધના આત્માના દર્શન કે સાક્ષાત્કાર માટે પણ છે એ ખાસ યાદ રાખવાનું છે. પોતાની જાતની પૂરેપૂરી વિશુદ્ધિની સિદ્ધિ થતાં આત્મદર્શન શક્ય અથવા સહજ બને છે. એટલે ગીતાના એ કથનને એવા વિશાળ અર્થમાં લેવાની જરૂર છે.
પ્રશ્ન : યોગની સાધનાના અતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર પાડી શકાય ખરા ?
ઉત્તર : પાડવાની એટલી બધી અનિવાર્ય આવશ્યકતા નથી તો પણ આવશ્યકતા જણાતી હોય તો પાડી શકાય. તે પ્રમાણે યમ અને નિયમ અંતરંગ સાધન છે, આસન તથા પ્રાણાયામ બહિરંગ સાધન છે, અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ સાધના અંગો કહી શકાય.
પ્રશ્ન : त्रृते ज्ञानान्न मुक्तिः। ‘જ્ઞાન સિવાય મુક્તિની પ્રાપ્તિ નથી થતી’ એવું કહેવામાં આવે છે તે સાચું છે ?
ઉત્તર : સાચું છે, પરંતુ એ વાક્યમાં જે જ્ઞાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે જ્ઞાન શાસ્ત્રજ્ઞાન કે ચિંતનાત્મક બૌદ્ધિક જ્ઞાન નથી પરંતુ આત્માનું અપરોક્ષ જ્ઞાન છે. આત્મદર્શનના પરિણામે થનારું આત્માનું પ્રત્યક્ષ અનુભવાત્મા જ્ઞાન મુક્તિના સીધા સચોટ કારણરૂપ થઈ પડે છે.