પ્રશ્ન : આત્માને જગવવો એટલે શું ?
ઉત્તર : આત્માને જગવવો એટલે આત્માની સુષુપ્ત શક્તિને જાગ્રત કરવી. દુન્યવી વિષયોમાં ડૂબેલા ને ભાન ભૂલેલા માનવને પોતાના જીવનનું કલ્યાણ શેમાં રહેલું છે તેની ખબર નથી. કોઈ વાર કોઈને ખબર હોય છે તો તે પ્રમાણે ચાલીને જીવનનું કલ્યાણ કરવાની સૂઝ-શક્તિ કે સમજ નથી હોતી. એ માહિતી મેળવીને જીવનનું પરમકલ્યાણ કરી લેવું અથવા કરવાનો પ્રયત્ન કરવો એટલે આત્માને જગવવો. અવિદ્યારૂપી અંધકારનો અંત આણીને અંત:કરણને આત્મજ્ઞાનના અજવાળાથી અજવાળી દેવું.
પ્રશ્ન : એવી આત્મજાગૃતિ પોતાની મેળે થઈ શકે ?
ઉત્તર : શા માટે ના થઈ શકે ? પોતાની મેળે આત્મજાગૃતિ કરનારા કેટલાય સત્યપુરુષો સંસારમાં થઈ ગયા છે.
પ્રશ્ન : છતાં પણ કોઈ પોતાની મેળે આત્મજાગૃતિ ના કરી શકે તો ?
ઉત્તર : તો તે બીજી બહારની મદદ મેળવીને આગળ વધી શકે છે.
પ્રશ્ન : બહારની મદદ એટલે ?
ઉત્તર : સ્વાધ્યાય, સત્સંગ, તીર્થાટન, દેવદર્શન વિગેરે. એ બધાં સાધનો જીવનની શુદ્ધિ સાધીને જીવનને ઉદાત્ત કરવામાં ને ઈશ્વરપરાયણ બનાવવામાં મદદ પહોંચાડે છે. એમનો સાચો લાભ એ જ છે. એમને લીધે આત્માની જાગૃતિ શક્ય બને છે.
પ્રશ્ન : જેના જીવનમાં આત્મજાગૃતિ થઈ હોય તેનાં લક્ષણો કેવાં હોય છે એને કેવી રીતે ઓળખી શકાય ?
ઉત્તર : આત્મજાગૃતિવાળા પુરુષનું મન ઊંડી શાંતિથી સંપન્ન અને વાસના તથા વિકારથી રહિત હોય છે. એ અહંતા, મમતા, આસક્તિ અને રાગદ્ધેષથી મુક્ત હોય છે. એના જીવનમાંથી ઊંડી નિર્મળતા ટપકતી હોય છે. એનું આત્માનુસંધાન નિરંતર ચાલુ રહે છે. એને ઓળખવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી. ઈશ્વરની પૂર્ણ કૃપા હોય અથવા એવા મહાપુરુષની અનુકંપા હોય તો જ એમના વાસ્તવિક સ્વરૂપને ઓછાવત્તા પ્રમાણમાં ઓળખી શકાય અને ઓળખીને એમનો આવશ્યક લાભ પણ ઊઠાવી શકાય. મારા પોતાના અંગત અભિપ્રાય પ્રમાણે તો એવા મહાપુરુષના લક્ષણોની ચર્ચા અથવા ચર્ચાવિચારણા કરવાને બદલે એ લક્ષણોને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ. એવી કોશિશ કરવાથી જ લાભ થશે.
પ્રશ્ન : પ્રત્યેક પુરુષ પોતાના આત્માને જગાડી શકે ?
ઉત્તર : શા માટે ના જગાડી શકે ? આત્મજાગૃતિનો માર્ગ સૌ કોઈને માટે ઉઘાડો છે. ફક્ત એને માટેની ઉત્કટ ઈચ્છા કે ભાવના જોઈએ. એવી ઈચ્છા કે શુભભાવનાથી પ્રેરાઈને પ્રામાણિક પુરુષાર્થ કરવામાં આવે તો આત્માને જરૂર જગાડી શકાય ને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને કૃતાર્થ બની જવાય. આત્મજાગૃતિ અથવા આત્મસાક્ષાત્કારના મંગલમય માર્ગે આગળ વધવાની સ્વતંત્રતા સૌ કોઈને છે. એમાં કોઈના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી.
પ્રશ્ન : આત્મજાગૃતિ સંપૂર્ણપણે સધાય છે ત્યારે શું થાય છે ?
ઉત્તર : પોતાની અંદર અને બહાર રહેલા પરમાત્મતત્વનો સ્વાનુભાવ સાધકને સારું સહજ બને છે. એના પરિણામે અવિદ્યાનો અંત આવે છે અને ભેદભાવનું તેમજ અશાંતિનું શમન થાય છે. લૌકિક-પારલૌકિક લાલસાઓ તથા વાસનાઓ પછી નથી સતાવી શકતી.
પ્રશ્ન : આ યુગમાં એવી અસાધારણ અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે ?
ઉત્તર : જરૂર થઈ શકે. આત્મવિકાસમાં કોઈપણ યુગ વચ્ચે નથી આવતો. આ યુગમાં પણ આત્મોન્નતિની અસાધારણ અવસ્થા પર પહોંચેલા પુરુષો અનેક થયા છે. તમે પણ ધારો તો એમનામાંના એક થઈ શકો. આ યુગની પોતાની કેટલીક આગવી વિશેષતઓ છે. તેમનો સમુચિત લાભ ઊઠાવીને બીજાની જેમ તમે પણ આત્મોન્નતિ જરૂર સાધી શકો.