વેદાંત વિશે

પ્રશ્ન : વેદાંતીઓને પથપ્રદર્શક એવું કૈંક કહો.

ઉત્તર : હું પોતે મારી મેળે અત્યારે કંઈ જ કહેતો નથી. પણ ભગવાન શ્રી આદ્ય શંકરાચાર્યે જે કહ્યું છે તે વેદાંતીઓને માટે મનનીય ને પથપ્રદર્શક હોવાથી તે જ બોલી બતાવું  છું.

જ્યારે શંકરાચાર્યે શરીર છોડવાનું ધાર્યું ત્યારે તે બનતાં લગી કેદારનાથમાં હતા. ત્યાં તેમના જીવનની છેલ્લી ઘડીએ ભારતવર્ષના મોટામોટા સંત મહાત્મા તેમજ વિદ્વાનો ભેગા થયા હતાં. તે બધાંયે જોયું કે જ્ઞાનના જે સૂર્યે પોતાનો દીર્ઘકાલીન ને પરમ પ્રકાશ આપી કૈંકના અંતરમાં અજવાળાં પાથર્યાં, તે સૂર્ય હવે અસ્ત થવાની તૈયારીમાં છે. ફરીથી હવે એ સૂર્યને એ જ રૂપમાં જોવાનું શક્ય નહીં બને, ત્યારે તેમાંના વિદ્ધાનોએ શંકરાચાર્યને કહ્યું પ્રભુ, તમારા જીવનમાં તમે જે ઉપદેશામૃત અમને પાયું છે તે સંક્ષેપમાં અમને કહો. અથવા તમને યોગ્ય લાગે તે ઉપદેશ અમને આપો, જે પ્રમાણે ચાલવાથી અમારું જીવન સફળ થાય. ત્યારે શંકરાચાર્યે તેમને જે ઉપદેશ આપ્યો તે ‘ઉપદેશ પંચક’ ના નામે ઓળખાય છે. શંકરના આ પાંચ  શ્લોકોનું મનન થાય, ને તે પ્રમાણે માનવ ચાલે તો જીવન સાચા અર્થમાં સફળ થાય એમ છે. તે શ્લોકમાં જે ક્રમવાર વાતો કહી છે તે ટૂંકમાં વિચારીએ. આ વાતો આજના વેદાંતીઓએ ખૂબ ધ્યાનમાં રાખવાની છે.

(૧) સૌથી પહેલાં વેદ અથવા જ્ઞાનના ગ્રંથો- શાસ્ત્રોનો અભ્યાસ કરવો. (૨) યજ્ઞ, દાન, તપ જેવાં વેદોક્ત કર્મ કરવાં. (૩) કર્મની અહંતા મૂકી કર્મ ઈશ્વરાર્પણ કરવાં. (૪) કામના ને તૃષ્ણા વધારનારાં કર્મ ના કરવાં. (૫) હૃદયશુધ્ધિ કરવી. (૬) સંસારના પદાર્થોમાં આસક્તિ ના થાય માટે તેમાં દોષ બુધ્ધિથી જોવું. તો પછી માણસને સ્ત્રી, ધન, સંતાન કશામાં બંધાવાનું રહેતું નથી. એક અવિનાશી ને પરમ સુખમય પરમાત્માની જ પ્રાપ્તિ કરવાનો નિર્ણય થાય છે. (૭) એવો નિર્ણય થયા પછી એકાંતવાસ કરી ઈશ્વરપ્રાપ્તિ કરવા સાંસારિક વ્યવહાર છોડી દેવા.

બીજો શ્લોક -
(૧) ઘરબહાર છોડીને માણસ આળસુ ના બને તેમજ ધ્યેયને ભૂલે નહિ માટે વારંવાર સજ્જન ને જ્ઞાનીનો સંગ કરવો. જેણે ઈશ્વરપ્રાપ્તિ કરી હોય તેવા મહાપુરુષની સેવા કરવી. સાથે સાથે  (૨) પ્રભુની ઉપાસના કરવી. (૩) દૈવી-સંપત્તિના ગુણ મેળવવા. (૪) દુષ્ટ રીતિ-નીતિ છોડી દેવી. (૫) પવિત્ર વિદ્વાનોની સેવા કરી તેમને પ્રસન્ન કરવા. (૬) વેદવાક્યોનું મનન કરવું. (૭) વેદના સારરૂપ પરમાત્માનું કોઈ પણ નામ રટવું.

ત્રીજો શ્લોક -
(૧) સાચા જ્ઞાનના સિધ્ધાંત પકડી રાખવા. (૨) શંકા છોડી દેવી ને (૩) ઊંચા સિધ્ધાંત ના છોડવા. (૪) પોતે તત્વ રૂપે પરમાત્મા છે એમ માનવું. (૫) પણ તે વાતનો ગર્વ ના કરવો. (૬) દેહાભિમાન છોડવું ને (૭) જ્ઞાની સાથે વાદવિવાદ ના કરવો.

ચોથો શ્લોક -
(૧) ક્ષુધાનો ઉપાય કરવો ને (૨) શરીર ટકાવવા ભિક્ષા લેવી. (૩) સ્વાદિષ્ટ અન્નની માગણી ના કરવી. (૪) જે પરિસ્થિતિ મળે તેમાં ખુશ રહેવું. (૫) અસભ્ય, જૂઠ્ઠું ને વધારે પડતું ના બોલવું.

ને છેલ્લે પાંચમો શ્લોક
(૧) એકાંતમાં સુખપૂર્વક બેસવું. (૨) પરમાત્માને મેળવવા ધ્યાનયોગ કરવો કે ભક્તિપૂર્વક ધ્યાન કરવું. (૩) એમ કરતાં સમાધિમાં પ્રભુદર્શન કરવું ને (૪) સ્થાવર જંગમમાં બધે જ તે પ્રભુને જોવા. (૫) પ્રારબ્ધને ભોગવવું પણ (૬) લૌકિક વાસનામાં પડી નવા કર્મ કરવા નહિ. કેવળ લોકહિત કરવું. (૭) ને જ્યારે શરીર છોડવાનો સમય આવે ત્યારે પરમાત્મામાં એકાકાર બની જવું.
આ શ્લોકો આજે પણ વેદાંતીઓને પથપ્રદર્શન કરી શકે છે. આજે આપણે આ પ્રમાણે ચાલીએ તો જીવન સફળ થઈ શકે એમ છે ને માનવ સાચા અર્થમાં જ્ઞાની થઈ શકે છે. આજે તો કેવળ શાસ્ત્રશ્રવણ ને ભિક્ષા માટે પરાવલંબન - એ બે જ વાતો આમાંથી વધારે ભાગે રહેલી દેખાય છે. આ સ્થિતિનો અંત લાવી આ ક્રમ મુજબ જીવન બનાવવાથી મહાન પદ મળી શકે છે.

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.