if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : જીવનનું સર્વોત્તમ ધ્યેય શું ?

ઉત્તર : ઈશ્વરને માટેના પરમ પ્રેમની પ્રાપ્તિ ને તે દ્વારા ઈશ્વરના દિવ્ય રૂપનું દર્શન એ જ માનવ ને તેમાંયે સાધકના જીવનનું સર્વોત્તમ ધ્યેય છે. આ ધ્યેયની સદાય સ્મૃતિ રાખી તેની પૂર્તિ માટે પુરુષાર્થ કરવામાં જ સાધકનો આનંદ ને સાધનાની સફળતાનો મર્મ સમાયેલો છે. આ વાત જીવનની પ્રત્યેક ક્ષણે યાદ રહે તે જરૂરી છે. તેથી સંસારના પ્રલોભન તેમજ વિરોધી વાતાવરણ વચ્ચે માનવ સુરક્ષિત રહેશે ને જીવનને સાચી વિકાસદશામાં વાળવા કટિબધ્ધ બનશે. પણ એનો અર્થ એમ નથી કે જીવનના વિકાસ ધ્યેયની યાદમાં જ સાધકનું સર્વસ્વ સમાઈ જાય છે. ધ્યેયની સ્મૃતિ એક ઉત્તમ વસ્તુ છે, પણ તેટલાથી જ કાંઈ અંતિમ હેતુ સરશે નહીં. ધ્યેયને પરિપૂર્ણ કરવાના પ્રયાસનું મહત્વ સૌથી વિશેષ છે ને સાધકે તેને જીવનમાં ઊતારવા સતત પુરુષાર્થ કરવો જોઈએ. ધ્યેયની સતત સ્મૃતિ ને તે સાથે અવિરત પુરુષાર્થ જીવનની સાધનાત્મક સફલતાના મહત્વના મુદ્દા છે.

પ્રશ્ન : એ ધ્યેયની સિધ્ધિમાં શાસ્ત્રાધ્યનની આવશ્યકતા કેટલી ?

ઉત્તર : શાસ્ત્રોના અધ્યયનની આવશ્યકતા છે ખરી, પણ મર્યાદિત રૂપમાં, ને ખરી આવશ્યકતા તો અનુભૂતિ કે પ્રત્યક્ષ અનુભવની છે, એ વાત સાધકે યાદ રાખવી જોઈએ. આ વાત યાદ રહેવાથી અનુભવનો આનંદ લેવા માટે સાધકનું દિલ સદાય તલસ્યા કરશે, ને પૂર્ણ અનુભવ મેળવીને જ સાધક અટકશે. તે સમજશે કે ઘણું જાણવું, ઘણાનું ચિંતન કે મનન કરવું એ જ કાંઈ જીવનનું ધ્યેય નથી. જે જાણવામાં કે મનન કરવામાં આવે તેનો જીવનમાં અનુવાદ કરવામાં આવે તે જ જરૂરી છે, ને શાંતિનું મૂળ પણ તેમાં જ રહેલું છે. એટલે નીતિમય જીવનનું મહત્વ ને ઈશ્વરપ્રાપ્તિની જરૂર અથવા આત્મિક વિકાસની આવશ્યકતા સમજનારે તેટલાથી જ અટકવાને બદલે નીતિમાન બની ઈશ્વરપ્રાપ્તિ કરી આત્મિક વિકાસની પરિસીમાએ પહોંચવું જોઈએ. તો જ તેને પૂર્ણ શાંતિ મળી શકે.

પ્રશ્ન :  જીવનની ઉચ્ચતા માટે બીજું શું યાદ રાખવા જેવું છે ?

ઉત્તર : કેટલાક માણસો માને છે કે અમુક રીતે વર્તવું સારું છે ને બીજી રીતે વર્તવું ખોટું છે. છતાં ખોટાનો ત્યાગ કરી સારા ને સાચા માર્ગે તે પગલાં ભરી શકતા નથી, તેનું મુખ્ય કારણ નબળું મનોબળ છે. પોતાનો આત્મા કે સત્ય શું કહે છે તેને પ્રથમ સ્થાન આપવાને બદલે લોકો શું કહે છે ને કહેશે તેને જ તેઓ મહત્વનું માને છે તેથી સારા માર્ગનો કેટલીય વાર લોકલાજને નામે તે ત્યાગ કરી દે છે. બીજું કારણ સત્ય વસ્તુને માટે જે ભોગ આપવો પડે છે, તે આપવાની શક્તિનો અભાવ છે. આ અશક્તિને લીધે સત્ય વસ્તુને માટે જ્યારે ભોગ આપવાનો વખત આવે છે ત્યારે તેમનું મન ડગી જાય છે, ને છેવટે સત્ય માર્ગથી ચલિત પણ થાય છે. આ બે ખામીને લીધે જ સત્યનો ઉપદેશ કે પ્રચાર કરે છે, તેવા માણસો પણ ઘણીવાર અસત્યમાં જ રમતા દેખાય છે, ને સત્યના આચરણનો આનંદ લઈ શકતા નથી. પણ આત્મિક પંથના પ્રવાસીએ આ ખામીથી મુક્ત થયે જ છૂટકો છે. તે વિના સાધનાની સિધ્ધિનો આનંદ મળવો તદ્દન અસંભવ છે. સાધનાની સિધ્ધિ તો શું પણ સાધનાનો સાધારણ આનંદ પણ પ્રાપ્ત થવો મુશ્કેલ છે.

મહુવામાં એક વૃધ્ધ પુરુષ મારી પાસે આવતા હતા. ગામમાં આવેલા એક સંન્યાસી મહારાજની પાસે તે રોજ જતા હતા. સંન્યાસી મહારાજનાં તે ખૂબ વખાણ કરતા. એક દિવસ તે મારી પાસે આવીને કહેવા માંડ્યા: ‘જેટલા આવે છે તેટલા પૈસા લેવા જ આવે છે. મહારાજ કથા તો બહુ સારી કહેતા હતા પણ આખરે તો તે પણ કહે છે કે હવે મારે કોઈ એકાંત સ્થળમાં સાધના કરવા જવું છે. માટે ત્યાં ખર્ચ માટે પૈસા જોઈશે.’ આશ્ચર્ય તો એ છે કે મહારાજની આટલી વાત સાંભળીને આવ્યા પછી તેમણે મહારાજ પાસે જવાનું પણ મૂકી દીધું !

આવી વૃત્તિ કેટલાય માણસોમાં જોવા મળે છે. સંન્યાસી મહારાજને એકાંતમાં જવું હતું, તે માટે તેમણે પૈસાની મદદ માગી તો તેમાં ખોટું શું છે ? તેમણે કાંઈ બળજબરી તો કરી નથી: નહિ આપો તો દંડ થશે, જેલમાં લઈ જશે એવી ધમકી તો આપી નથી: તમારી ઈચ્છા હોય તો જ ને તેટલું જ, તમારે આપવાનું છે. છતાં આવો બડબડાટ કે મિથ્યા ને હીન પ્રચાર શા માટે ? સાચું છે કે મહાપુરુષ ઈશ્વરપરાયણ જ હોય છે, તે ભવિષ્યની ચિંતા કરતા નથી.  છતાં તેમને કંઈક ચિંતા થઈ તો તેથી વાંધો શું છે ? તેમના જ્ઞાન ને ચારિત્ર્યને એકદમ ભૂલી જવું બરાબર છે કે ? પૈસા વિના તમારો કે કોઈનો જીવનવ્યવહાર ચાલે છે કે ? તેમને પૈસાની જરૂર લાગી, ને તે જરૂર તેમણે પ્રદર્શિત કરી, તો તેમાં ખોટું શું છે ? ને મહારાજ તમારી કે કોઈની પાસે ભીખ ક્યાં માગે છે ? બદલામાં તે તમને અમુલખ ધન આપે છે. જ્ઞાનની પરબ માંડીને તે તો બેઠા છે. તે તમને જ્ઞાન ને તે દ્વારા શાંતિ આપે છે. તો તમારી પણ કાંઈ ફરજ છે કે નહિ ? શું તમારે કોઈ કંગાલની જેમ બધું જ લેવું છે ? તમારી જવાબદારીમાંથી છટકવું હોય તો ભલે, પણ તેટલા જ માટે સાધુ સંન્યાસી પ્રત્યે તિરસ્કાર બતાવી તેની નિંદા કરવાની જરૂર નથી. જે શંકા થાય તે શંકાના નિવારણ માટે સૌથી પ્રથમ તે સાધુપુરુષનો ને તે છતાં સમાધાન ના થાય તો કોઈ બીજા મહાપુરુષનો આશ્રય લેવાનું કામ વધારે સારું છે.

પ્રશ્ન : જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ?

ઉત્તર : એક માર્ગ છે : ગ્રંથ દ્વારા શ્રવણ ને મનનનો ને તે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિનો. બીજો માર્ગ તેથી જુદો છે. માણસ સમજી લે છે કે પરમાત્મા શરીરમાં રહ્યા છે, એટલે તેમને મેળવવા તે ધ્યાનાદિ કરે છે. તેમ કરી અંતે પરમાત્માને મેળવી લે છે. આટલું થાય એટલે પરમાત્મા સંબંધી બધું જ જ્ઞાન માણસને આપોઆપ મળી જાય છે. જે ભક્ત છે તે પ્રભુને મેળવવા રડે છે, પ્રાર્થે છે, ને પ્રભુનું દર્શન પામે છે. આ પછી પ્રભુ પોતે જ પોતાનું જ્ઞાન તેને આપી દે છે. તે પ્રભુ તેમજ તેનું જ્ઞાન બંનેને મેળવી લે છે. જ્યારે પહેલા માર્ગનો પ્રવાસી કેવલ બાહ્ય જ્ઞાનમાં ગુંચવાઈ જાય એવું વધારે બને છે. માટે રમણ મહર્ષિ ને રામકૃષ્ણની જેમ પહેલા આત્મદર્શન કે ઈશ્વરદર્શન કરો. જ્ઞાન તો પછી આપમેળે આવશે. ઈશ્વર છે, તેની પ્રાપ્તિ શક્ય છે, ને અમુક રીતે તે પ્રાપ્ત થાય છે, એટલું જ્ઞાન જ માણસને માટે પૂરતું છે. ઈશ્વરપ્રાપ્તિ પછી બીજું જ્ઞાન આપોઆપ મળી રહેશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.