if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: પરમાત્માનો સાક્ષાત્કાર એટલે શું ?

ઉત્તર: પરમાત્માનો સાક્ષાત્કાર એટલે પરમાત્માનું દર્શન.

પ્રશ્ન: એવું દર્શન સાધકને પોતાની અંદર થાય છે કે પોતાની બહાર ?

ઉત્તર: અંદર પણ થાય ને બહાર પણ થઈ શકે છે. આત્મારૂપે અંદરનું દર્શન સમાધિ દશામાં થતું હોય છે. સમાધિ દશામાં સૂક્ષ્મ મન દ્વારા આનંદસ્વરૂપ, શાંતિસ્વરૂપ, ને ચેતનસ્વરૂપ, આત્મતત્વનો પ્રત્યક્ષ અનુભવ થાય છે અને સમાધિમાંથી જાગ્યા પછી સંસારમાં પણ બધે એ આત્મતત્વની ઝાંખી થાય છે. જ્ઞાની કે યોગીનું દર્શન એવી જાતનું હોય છે.

પ્રશ્ન: મન તો પરમાત્માને પહોંચી શકતું નથી એમ કહેવામાં આવે છે. તો પછી મનથી એમનો અનુભવ કેવી રીતે થઈ શકે છે ?

ઉત્તર: મન પરમાત્માને જાણી, અનુભવી, કે પહોંચી શક્યું નથી, એમ કહેવામાં આવ્યું છે તે બરાબર છે. પરંતુ તે તો રાગ ને દ્વેષથી ભરેલા, મમતા, અહંતા તથા આસક્તિવાળા મનને માટે કહેવામાં આવ્યું છે. મન જ્યારે રાગ ને દ્વેષથી મુક્તિ મેળવે છે, અહંકાર, મમતા અને આસક્તિથી રહિત બને છે, તથા સદ્દવિચાર ને સર્વ પ્રકારના સદ્દભાવોથી સંપન્ન થાય છે, ત્યારે તે નિર્મળ અથવા તો સાત્વિક થયું એમ કહેવાય છે. એવા નિર્મળ થયેલા મનથી પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે.

પ્રશ્ન: એ સાક્ષાત્કાર બહાર કેવી રીતે થઈ શકે છે ?

ઉત્તર: બે રીતે. એક તો જે જે પદાર્થ દેખાય છે તે તે પદાર્થ પરમાત્માના સ્વરૂપ જેવો છે, અથવા એની અંદર અને રૂપે પરમાત્મા જ રહેલા છે, એવો અનુભવ સહજ રીતે થયા કરે છે, એવો અનુભવ મન અથવા બુદ્ધિ દ્વારા જ થાય એવું નથી હોતું. શરીરમાં રહેલો આત્મા બીજા પદાર્થોમાં રહેલા આત્માનો અનુભવ કોઈ પણ જાતની સ્મૃતિ વિના આપોઆપ જ કર્યા કરે છે. તે નિર્ગુણ સાક્ષાત્કાર કહેવાય છે. એ ઉપરાંત એક બીજો સગુણ સાક્ષાત્કાર પણ છે. તે બહાર ને અંદર બંને રીતે થતો હોય છે.

પ્રશ્ન: સગુણ સાક્ષાત્કાર એટલે શું ?

ઉત્તર: સગુણ સાક્ષાત્કાર એટલે ઈશ્વરનું સાક્ષાત્ દર્શન, અથવા ઈશ્વરના સાકાર સ્વરૂપનું સાક્ષાત્ દર્શન.

પ્રશ્ન: એવું દર્શન કયી દશામાં થઈ શકે છે ?

ઉત્તર: એક તો અંદર ઊંડા ધ્યાનની દશામાં, ને બીજું જાગૃતિની દશામાં. બંને દશા અથવા અવસ્થામાં એવું દર્શન થઈ શકે છે, ઊંડા ધ્યાનની દશાને સમાધિની દશા પણ કહેવામાં આવે છે. 'ધ્યાનાવસ્થિત તદ્દગતેન મનસા પશ્યંતિ યં યોગિનો' કહીને એ જ દશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ને કહેવામાં આવ્યું છે કે યોગીઓ ધ્યાનમાં જોડાયેલ મનથી એ પરમાત્માનું દર્શન કરે છે.

પ્રશ્ન: એવું દર્શન શું મનની ભ્રાંતિ નહિ હોય ? જે વસ્તુનું વારંવાર રટણ કરવામાં આવે તે વસ્તુનો આભાસ મનમાં નહિ પડતો હોય ?

ઉત્તર: એવું નથી સમજવાનું. જે વસ્તુનું વારંવાર રટણ કરવામાં આવે છે, તે વસ્તુનું દર્શન પણ ક્યાં થઈ શકે છે ? ને થાય તો પણ તેનું દર્શન કદાચ સ્વપ્નમાં કે ધ્યાનમાં થાય, પણ જાગૃતિમાં તો ના જ થઈ શકે. વળી જે વસ્તુના દર્શનની ઈચ્છા નથી હોતી, ને જેના માટે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ પણ નથી કર્યો હોતો, તે વસ્તુનું દર્શન પણ સાધકને થતું હોય છે. મન કોઈ વસ્તુનું સતત મનન કરે તેથી તે વસ્તુનું દર્શન થાય છે એમ માનવું બરાબર નથી. સાચી વાત તો એ છે કે વસ્તુનું અસ્તિત્વ હોય છે, અને એથી જ એનું ચિંતન કરવાથી કે ના કરવાથી એનો અનુભવ થાય છે. ઈશ્વર છે માટે જ તેનું દર્શન થઈ શકે છે. ઈશ્વરનાં દર્શન માટે મનોબળની જેટલી જરૂર નથી પડતી તેટલી ભક્તિભાવથી ભરેલા હૃદયની પડે છે. એ યાદ રાખવાની જરૂર છે.

પ્રશ્ન: એવું દર્શન કોઈને કરાવી શકાય ખરું ?

ઉત્તર: એ માટે ઘણી લોકોત્તર શક્તિ જોઈએ. ઈશ્વરનું દર્શન કરવું એક વાત છે અને બીજાને કરાવવું એ બીજી જ વાત છે. એવી શક્તિ કોઈકમાં જ હોઈ શકે. એકાદ કૃષ્ણ, રામકૃષ્ણ પરમહંસ કે જનાર્દન સ્વામી જેવા સમર્થ પુરુષમાં. એમણે અર્જુન, વિવેકાનંદ ને એકનાથને દર્શન કરાવ્યું હતું. બાકી તો પોતે જ ના કર્યુ હોય તો બીજાને કેવી રીતે કરાવી શકાય ? પહેલાં ઈશ્વરનું દર્શન પોતે જ કરવાની જરૂર છે. એ માટે જરૂરી સાધના કરવી જોઈએ.

પ્રશ્ન: દર્શનના કેટલા પ્રકાર છે ?

ઉત્તર: મુખ્ય પ્રકાર બે છે : સાકાર દર્શન ને નિરાકાર દર્શન. બાકી સાકાર દર્શનના બીજા પાંચ પ્રકાર પાડી શકાય છે.

પ્રશ્ન: પાંચ પ્રકાર ?

ઉત્તર: હા. પાંચ પ્રકાર.

પ્રશ્ન: કયા કયા ?

ઉત્તર: એક પ્રકારનું દર્શન એવું છે જેમાં ભક્તને ભગવાનનું દર્શન થાય છે, પરંતુ વાતચીત નથી થતી. એવું દર્શન પણ કરોડોમાંથી કોઈકને જ થાય છે, અને અત્યંત શાંતિદાયક તથા આનંદકારક થઈ પડે છે. પરંતુ એથી આગળની દશામાં ભક્તને ભગવાનનું દર્શન થાય છે જ, પણ એથી આગળ વધીને ભક્ત ભગવાનની સાથે વાતો પણ કરી શકે છે. એ બીજો પ્રકાર છે. ત્રીજા પ્રકારમાં ભગવાનની સાથે ઈચ્છાનુસાર વાતો થાય છે, ને ભગવાનના સ્પર્શનો લાભ પણ થઈ રહે છે. એ પછીના ચોથા પ્રકારમાં ભગવાન પોતાની કે ભક્તની ઈચ્છાનુસાર ભક્તને વરદાન અથવા આશીર્વાદ આપે છે. એ દશા અત્યંત દુર્લભ છે, ને કોઈક બડભાગીને જ મળી શકે છે. એ દશાની પ્રાપ્તિથી જીવન ધન્ય બની જાય છે, એ પછી છેલ્લી ને પાંચમી દશા આવે છે. જ્યારે ભક્ત પોતાની ઈચ્છાનુસાર ગમે ત્યારે અથવા તો ચોવીસે કલાક ભગવાનનું દર્શન કરી શકે છે. એ દશામાં ભક્ત ભગવાનમય બની જાય છે, અથવા તો કહો કે ભગવાનની સાથે સંપૂર્ણપણે એકત્વ સાધે છે.

પ્રશ્ન: તમે કહેલી આ પાંચ દશાઓ કોઈ પુસ્તકમાં તો નથી વર્ણવી ?

ઉત્તર: દર્શનના આ પ્રકાર કોઈ પુસ્તક પરથી નહિ પરંતુ અનુભવ પરથી નક્કી કરેલા છે. એવી કેટલીય વાતો છે જે પુસ્તકોમાં નથી મળતી, પરંતુ જેમને જાણવાને માટે અનુભવની દુનિયામાં ડૂબકી મારવી પડે છે. સાધનાની કેટલીક ગૂઢ વાતો સાધના કરવાથી જ સમજી શકાય છે. દર્શનને લક્ષ્ય બનાવીને ચાલનારા સાધકો કે ભક્તોની પાસે કેટલું વિશાળ ક્ષેત્ર છે, તેનો ખ્યાલ આટલી વાતચીત પરથી સહેજે આવી શકશે, ને સાચા ભક્તો તથા સાધકો વધારે ને વધારે આગળ વધવાનો પ્રયાસ કરશે. જે માર્ગે આગળ વધવું છે, તેનો સ્પષ્ટ ખ્યાલ હોવો સાધકને માટે ખૂબ જ જરૂરી છે. તો પરિપૂર્ણ વિકાસ કરી શકાય.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.