if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: અષ્ટાંગ યોગ કોને કહેવામાં આવે છે ?

ઉત્તર: અષ્ટાંગયોગ એટલે આઠ અંગોવાળો યોગ અથવા તો જે યોગના આઠ પગથિયાં છે એવો યોગ.

પ્રશ્ન: આઠ અંગ અથવા આઠ પગથિયાં કયા કયા ?

ઉત્તર: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.

પ્રશ્ન: યમ એટલે શું કહી બતાવશો ?

ઉત્તર: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વસ્તુનો યમમાં સમાવેશ થાય છે.

પ્રશ્ન: નિયમ ?

ઉત્તર: શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ તથા ઈશ્વરપ્રણિધાનને અષ્ટાંગયોગમાં નિયમ તરીકે કહી બતાવ્યા છે.

પ્રશ્ન: આસનમાં શેનો સમાવેશ થાય છે ?

ઉત્તર: હઠયોગમાં આસનનો ઉલ્લેખ શરીરને શુદ્ધ કરવા માટે કરેલો છે. એવા મુખ્ય ચોરાસી આસનો છે. હઠયોગના અભ્યાસીએ એ કરવા પડે છે. સર્વાંગાસન, મયૂરાસન, પદ્માસન, પશ્ચિમોત્તાસન, શીર્ષાસન, જેવા આસનોને વધારે મહત્વના માનેલા છે. પરંતુ અષ્ટાંગયોગ કે રાજયોગમાં તો ‘સ્થિરસુખં આસનમ્’ એટલું જ કહેવામાં આવ્યું છે. મતલબ કે જેમાં સ્થિરતા તથા સુખપૂર્વક બેસી શકાય તે અવસ્થાવિશેષને આસન કહેવામાં આવે છે. ચાહે તે આસન સુખાસન-પલાંઠીનું જ આસન કેમ ન હોય ! હઠયોગ આસનોના પ્રકાર અથવા તો આસનોની સંખ્યાને મહત્વ આપે છે. ત્યારે અષ્ટાંગયોગ કે રાજયોગ લાંબા વખત સુધી અને શાંતિપૂર્વક એક આસન પર બેસી રહેવાની ક્રિયાને જ મહત્વ આપે છે. આસન ચાર છે, ચોવીસ છે, ચાલીસ છે કે ચોરાસી છે. તેની ચર્ચામાં ઉતર્યા વિના એ તો એમ જ કહે છે કે એક આસન પર બેસવાની ટેવ પાડો અને તે આસનનો વખત વધારવાની કોશિશ કરો. યોગના ગ્રંથો કહે છે કે ધીરે ધીરે એવો અભ્યાસ વધારીને છેવટે એકધારા ત્રણ કલાક લગી એક આસન પર બેસવાની શક્તિમાં સિદ્ધિ મેળવવી જોઈએ, ત્યારે સાધકે આસનસિદ્ધિ કરી એમ કહી શકાય. એટલે હઠયોગ તથા રાજયોગ બંનેના આસન વિશેના દૃષ્ટિબિંદુમાં જ મૂળભૂત તફાવત છે.

પ્રશ્ન: અષ્ટાંગ યોગી કે રાજયોગીને જુદાં જુદાં આસનોની જરૂર નથી ?

ઉત્તર: જુદાં જુદાં આસનો શરીરને નિરોગી તથા સશક્ત બનાવવા માટે છે એટલે અષ્ટાંગયોગમાં રસ લેનારો સાધક એ દૃષ્ટિએ એમનો આશ્રય લે તે હરકત નથી, પરંતુ એમનો હેતુ યાદ રહેવો જોઈએ. જુદાં જુદાં આસનોના અનુષ્ડાનમાં જ યોગ સમાઈ જાય છે, અને એ આસનોના અભ્યાસથી જ યોગી બની જવાય છે, એવી ભૂલભરી માન્યતા છોડી દેવી જોઈએ. એવી ભ્રમણાથી કોઈનુંય કલ્યાણ ન થાય. આગળનો વિકાસ અટકી જાય એ ચોક્કસ છે. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે દુર્બળ અને અત્યંત મદપ્રધાન શરીરવાળા માણસો અષ્ટાંગયોગી થવાની લાયકાત નથી ધરાવી શકતાં. એવા માણસો અષ્ટાંગયોગની આગળના પ્રવેશમાં અભ્યાસમાં પહેલાં હઠયોગના આસનનો આધાર લઈને શરીરને સુડોળ અને શુદ્ધ બનાવે તે જરૂરી છે. તેથી આગળના અભ્યાસમાં મદદ મળશે. જેમનાં શરીર જન્મથી જ સુડોળ અને સુદ્રઢ છે, તે તે હઠયોગનાં આસનનો અભ્યાસ કરવાને બદલે આસનને લાંબા વખત લગી સિદ્ધ કરવાનો પ્રયાસ કરે તો ચાલી શકે. ગમે તે પરિસ્થિતિમાં પણ શરીરની નિર્બળતાને ચલાવી ના જ લેવાય.

પ્રશ્ન: અષ્ટાંગ યોગનો ખ્યાલ આપતાં તમે આસન સુધીના અંગોનો ખ્યાલ આપી દીધો. હવે પ્રાણાયામ વિષે પ્રકાશ ફેંકી શકાશે ?

ઉત્તર: શ્વાસ અને ઉચ્છવાસની ગતિને રોકી દેવી તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે, પ્રાણાયામનું પ્રયોજન શ્વાસોશ્વાસની ક્રિયાને બંધ કરવાનું છે. પરંતુ શ્વાસોશ્વાસની ક્રિયાને સંપૂર્ણપણે શાંત કરવાનું એટલું સહેલું નથી. એટલા માટે એ લક્ષ્યની સિદ્ધિમાં મદદ મળે એ હેતુથી પ્રાણાયામના કેટલાક પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે. વળી પ્રાણાયામ કરતાં પહેલાં શંકરાચાર્યે નાડીશોધન કરીને નાડીને શુદ્ધ કરવાનું કહ્યું છે. નાડીશોધન ભસ્ત્રીકા પ્રાણાયામનો એક વિભાગ જ છે. શ્વાસોશ્વાસની ક્રિયાને જે સાધક સહેલાઈથી શાંત કરી શકતો હોય તેને માટે જુદા જુદા પ્રાણાયામ કરવાનો આગ્રહ નથી રાખવામાં આવ્યો. તે કરે તો પણ ઠીક, ના કરવાથી કોઈને નુકસાનમાં નથી ઊતરવું પડતું.

પ્રશ્ન: પ્રત્યાહાર કોને કહે છે ?

ઉત્તર: સંસારના બહારના પદાર્થો કે વિષયોમાં ફરનારી ચિત્તની વૃત્તિને, તે તે પદાર્થ કે વિષયમાંથી પાછી વાળીને, કોઈ એક પદાર્થમાં સ્થિર કરવી, અંતર્મુખ કરવી, કે ચિત્તમાં જોડી દેવી, તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. ચિત્તની વૃત્તિને એવી રીતે શાંત કે સ્થિર કરવાને માટે, સૌથી પહેલા તેને કોઈક વસ્તુમાં સતત રીતે લગાવી દેવી પડે છે. એને ધારણા કહે છે. એવી ધારણા કોઈ દેવમાં, દેવીમાં, મંત્રમાં, શરીરના કોઈ અવયવમાં, કે હૃદયની અંદર રહેલી જ્યોતિમાં કરવી પડે છે. લાંબે વખતે તેની સિદ્ધિ થાય છે. ત્યારે ચિત્તની વૃત્તિ, પોતાના ધ્યેય પદાર્થમાં, પાણીના ધોધમાર પ્રવાહની પેઠે, કોઈ પણ પ્રકારની રૂકાવટ વિના લાગી જાય છે. ચિત્ત કેવળ ધ્યેય પદાર્થને જ જોયા કરે છે. બીજું બધું ભૂલી જાય છે. તલ્લીનતાની એવી અવસ્થાને ધ્યાનને નામે ઓળખવામાં આવે છે. ધ્યાનની એવી તન્મયતાવાળી અવસ્થા લાંબા અને એકધારા અભ્યાસ પછી પ્રાપ્ત થતી હોય છે. એ અવસ્થા પછી જ સાધનાનો સાચો આનંદ શરૂ થાય છે. જ્યાં સુધી એવી અવસ્થાની પ્રાપ્તિ નથી થતી અને આંખ મીંચીને ધ્યાન કરતી વખતે મન દોડાદોડ કર્યા કરે છે, ત્યાં સુધી સાધક હજુ પ્રાથમિક દશામાં જ છે એમ સમજી લેવું. વિકાસની દિશામાં એણે ખૂબ ખૂબ આગળ વધવાની જરૂર છે. મન જ્યાં સુધી સપાટી પર જ તર્યા કરતું હોય, ત્યાં સુધી ધ્યાન જામે નહિ ને ધ્યાનનો સ્વાદ પણ ના મળી શકે. એવા ઉપરચોટિયા કે અધકચરા ધ્યાનથી જરૂરી શાંતિ પણ ના મળે. માટે ધ્યાનમાં ડૂબી જવાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.