પ્રશ્ન: વ્યવહારમાં રહીને આત્મદર્શન થઈ શકે ખરું ?
ઉત્તર: જરૂર થઈ શકે. જેને કરવું હોય તે વ્યવહારમાં રહીને પણ આત્મદર્શન, ઈશ્વરદર્શન, કે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને એને પરિણામે પૂર્ણતા, મુક્તિ કે પરમ શાંતિ મેળવી શકે છે. વ્યવહાર એમાં આડો નથી આવતો.
પ્રશ્ન: પરંતુ વ્યવહારમાં તો અનેક પ્રકારની મુશ્કેલીઓ, મુસીબતો કે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે છે. એ બધાની વચ્ચે રહીને, ઈશ્વરદર્શન કેવી રીતે થઈ શકે ?
ઉત્તર: ઈશ્વરદર્શન કરવાનો દૃઢ નિશ્ચય હશે, તો તમે એ બધાંની વચ્ચેથી પણ તમારો રસ્તો કરી શકશો. વ્યવહારમાં રહીને આજ સુધી કેટલાય લોકોએ આત્મોન્નતિ કરી છે અને એમાંનાં કેટલાકે ઈશ્વરદર્શનનો લાભ પણ મેળવ્યો છે. એમનો યાત્રા માર્ગ કાંઈ પહેલેથી જ ચોક્ખો જ હતો એવું ન હતું. એમાં કેટલાય કાંકરા અને પથરા, તથા કેટલીક જાતના ચઢાવ અને ઊતાર આવતા હતા. કેટલાકને તો ઘર ને બહારના ભારે વિરોધી વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ તે ડગ્યા કે ડર્યા નહિ. પોતાના ગંતવ્યથાને પહોંચવા માટે તે મક્કમ હતા. તેથી તેમણે પોતાનો માર્ગ છોડી ન દીધો. પરંતુ તેને વધારે ધીરજ, હિંમત ને સહનશક્તિથી વળગી રહ્યા. પ્રતિકૂળતામાં રહીને પણ તે માર્ગ કાઢતા રહ્યા. પરિણામે તેમનો વિજય થયો તથા તેમને ઈપ્સિત વસ્તુ મળી શકી. તેમના જીવનને આદર્શરૂપ બનાવીને તમે આગળ વધો, તો તમારે માટે કશું અશક્ય નહિ રહે.
પ્રશ્ન: વ્યવહારની વચ્ચે વસનારા માણસો આત્મોન્નતિની દિશામાં કેવી રીતે આગળ વધી શકે ?
ઉત્તર: વ્યવહારમાં વસનારા માણસોને માટે જે અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે, તેમાં હૃદયશુદ્ધિની શક્યતા સૌથી મોટી છે. જો તમે ધારો, તો વ્યવહારમાં રહીને, આત્મનિરિક્ષણની વૃત્તિ કેળવીને, તમારા જીવનને શીલ કે સદ્દગુણોની સુવાસથી મહેંકતું કરી શકો છો. ગીતાના સોળમાં અધ્યાયમાં જેને દૈવી સંપત્તિની પ્રાપ્તિ કહે છે. તેને માટે તથા એથી ઉલટી અને આસુરી સંપત્તિની નિવૃત્તિ માટે, તમે ભરચક કોશિશ કરી શકો છો. બધી જાતની આધ્યાત્મિક ઉન્નતિનો એ પાયો છે અને એ પાયાને તમે વ્યવહારમાં રહીને બનતા પ્રમાણમાં મજબૂત બનાવી શકો છો. તમે નથી જોતા કે એ પાયો આજે હાલી ગયો છે ? વ્યવહારના લગભગ નાનાંમોટાં બધાં જ ક્ષેત્રોમાં લાંચ, રુશ્વત, કૂડકપટ, કે અનીતિ પેસી ગઈ છે ને નીતિનું નામનિશાન પણ જવલ્લે જ રહ્યું છે. લોકોમાંના કેટલાક તો ત્યાં સુધી માને છે કે અનીતિનું ધન કમાયા વિના જીવાય જ નહિ. ભેળસેળ ને દગાફટકા વધી પડ્યા છે ને એને લીધે પણ આવા લોકો ઈશ્વરદર્શન ક્યાંથી કરી શકે ? તે જપ કરે, ધ્યાન ધરે, તીર્થ કરે, વાંચન કે સત્સંગનો લાભ લે, દાન દે, તો પણ તેમના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો ફેર પડે જ નહિ, તો શું વળે ? એટલે વ્યક્તિગત ને સમષ્ટિગત જીવનને જો શાંતિમય કરવું હોય, તો સૌથી પહેલાં તો શુદ્ધિની દિશામાં આગળ વધો. એ પાયો જેટલો મજબૂત હશે, તેટલું જ આગળનું બીજું કામ સહેલું બનશે. એ વસ્તુ સૌથી અગત્યની છે છતાં એની તરફ લોકો ઓછામાં ઓછું ધ્યાન રાખે છે, પછી આત્મોન્નતિ ક્યાંથી થાય ? ઈશ્વરનો સાક્ષાત્કાર તો થાય જ ક્યાંથી ? જે સીડી છે, તેનો જ તમે અનાદર કરો છો, અને અગાશીમાં ચઢવાની સીધી જ કોશિશ કરો છો, એટલે જ એ કોશિશ કામિયાબ નથી નીવડતી.
પ્રશ્ન: વ્યવહારશુદ્ધિના પ્રયાસની સાથે સાથે બીજું કાંઈ કરી શકાય ખરું ?
ઉત્તર: બીજું કેમ ન કરી શકાય ? બીજા સાધનોમાં નિયમિત જપ, ધ્યાન, પ્રાર્થના, કે સત્સંગ છે. એ સાધનોનો આધાર, હૃદયશુદ્ધિની ચીવટ સાથે નિત્યનિરંતર તથા ખંત અને ઉત્સાહપૂર્વક લેવામાં આવે, તો આત્મોન્નતિમાં મદદ મળે છે.
પ્રશ્ન: એ સિવાયનું, વ્યવહારમાં રહીને કરવાનું કોઈ બીજું સાધન ?
ઉત્તર: સેવાભાવ. જગતના બધા જ જીવોમાં ઈશ્વરની સત્તા રહેલી છે એમ માનીને, પોતાની શક્તિ, રુચિ, કે યોગ્યતાનુસાર, સૌને મદદરૂપ થવા માટે તત્પર રહેવાથી, પવિત્ર પ્રેમ વધે છે, હૃદય વિશાળ બને છે ને છેવટે શાંતિ મળે છે. સેવાભાવથી કરાતાં સહજ કર્મની મદદથી બધા જીવોની સાથે એક પ્રકારની ઊંડી આત્મીયતાનો અનુભવ થાય છે. આત્મદર્શનની ભૂમિકા એથી સહેલી બને છે.
પ્રશ્ન: તો પછી કેટલાક લોકોએ વ્યવહારનો ત્યાગ કરીને એકાંતનો આધાર શા માટે લીધો છે ?
ઉત્તર: એકાંતની વિશેષ રુચિને લીધે, અથવા તો પોતાના વિકાસને માટે એમને એકાંતવાસની જરૂર જણાઈ એટલા માટે. પરંતુ એના પરથી કોઈએ એમ નથી સમજવાનું કે વ્યવહારમાં રહીને કશું થઈ જ ન શકે. દુનિયાના મોટા ભાગના લોકો વ્યવહારને છોડી ક્યાંય જઈ શકે તેમજ નથી. વ્યવહારમાં રહીને જ એમણે આત્મોન્નતિનાં માર્ગે આગળ વધવાનું છે. આપણે એમને વિશ્વાસ આપીએ કે એ કામ થઈ શકે છે.
પ્રશ્ન: માણસ આત્મોન્નતિમાં આગળ વધે છે એમ શા ઉપરથી જાણવું ?
ઉત્તર: તમે પોતે એ માર્ગે આગળ વધવાનો પ્રયાસ કરો છો ? જો કે તમે કેવળ ચર્ચાને ખાતર ચર્ચા નથી કરતા, એ વાતથી એની પ્રતીતિ મળી રહે છે. એથી હું જ તમને પૂછું કે તમને નીતિ કે સદાચારના મૂલ્યો માટે પ્રેમ થાય છે ? તે મૂલ્યોને બધે જ સ્થળે ને બધા જ સંજોગોમાં વળગી રહેવાનું મન થાય છે ? ગીતામાં જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે છે, તે તમારામાં મૂર્ત થઈ છે ખરી ? અથવા તો તેને મૂર્ત કરવાની ભરચક કોશિશ તમે કરી રહ્યા છો ? ટૂંકમાં કહીએ તો, સદગુણોથી સંપન્ન એક આદર્શ મનુષ્ય થવાના સફળ પ્રયત્નો તમારા જીવનમાં થઈ રહ્યા છે ખરા ? જો એ બધા પ્રશ્નોનો ઉત્તર હામાં આવતો હોય, તો તમે નક્કી માનજો કે તમે આત્મોન્નતિની સાધનામાં ઉત્તરોઉત્તર આગળ વધો છો. નહિ તો હજુ તમારે આગળ વધવાની વાર છે એમ ચોક્કમ રીતે સમજી લેજો.
પ્રશ્ન: એટલે તમે આત્મોન્નતિની સાધનાનું મૂલ્યાંકન દૈવી સંપત્તિના આધાર પર કરો છો ?
ઉત્તર: જરૂર. દૈવીસંપત્તિ, હૃદયશુદ્ધિ, કે સદગુણોની પ્રાપ્તિ, જે કહીએ તે એક જ છે અને એના વિના સાધનાની ઈમારત અઘૂરી રહી જાય છે. બધી જાતની સાધનાનો એ મૂળ પાયો છે, એ પાયા વગર આત્મોન્નતિ અધૂરી જ રહેવાની. સાધનાના ક્ષેત્રમાં જે નક્કર વિકાસ થાય છે, તે એ મૂળભૂત પાયાને લીધે જ થાય છે. જેટલો એ પાયો વધારે પ્રાણવાન, તેટલો જ વિકાસ પણ વધારે કીમતી અને ઊંડો હોય છે. સાધકનું લક્ષ એના તરફ જેટલું પણ વધારે દોરાય એટલું ઓછું છે.
પ્રશ્ન: એ સિવાયની બીજી કોઈ નિશાની છે ?
ઉત્તર: એક નહિ, પણ અનેક નિશાનીઓ અંતરંગ છે, અને એકમાત્ર તમે જ જાણી શકો છો. જ્યારે ધ્યાન કે જપ કરવા બેસો છો, કે કોઈ સ્તોત્રપાઠ કે પ્રાર્થના કરો છો, ત્યારે તમારા મનની દશા કેવી હોય છે ? તે વખતે મન ચંચલ બનીને, બહારના પદાર્થોમાં દોડાદોડ કરે છે ખરું ? જો તમે તમારી સાધનામાં આગળ વધ્યા જશો, તો તમારું મન વિક્ષેપરહિત બનીને, કોઈ મહામૂલ્યવાન મહોત્સવમાં શામેલ થતું હોય તેમ, એક પ્રકારની ઊંડી શાંતિ, ઊંડી સહાનુભૂતિ, તથા તલ્લીનતામાં ડૂબી જશે. તમને અનેરો આનંદ થઈ રહેશે. એ વખતે બીજા કોઈપણ બહારના વિચારો નહિ આવે; કોઈયે સંકલ્પ-વિકલ્પ નહિ ઊઠે; અને મન બીજે ક્યાંય પણ નહિ ભટકે. આવી અવસ્થાની અનુભૂતિ તમારે માટે દરરોજની કે સહજ બની ગઈ હોય, તો નક્કી માનજો કે તમે સારી ભૂમિકા પ્રાપ્ત કરી છે, નહિ તો હજુ વાર છે એમ માની લેજો.