પ્રશ્ન: કેવળ જ્ઞાનની મદદથી માણસ મુક્ત કે પૂર્ણ બની શકે કે કેમ ?
ઉત્તર: એ પ્રશ્નનો ઉત્તર તમે જ્ઞાન કોને કહો છો તેના પર આધાર રાખે છે. જ્ઞાનનો અર્થ જો તમે, બીજા હજારો લોકો કરે છે તેમ, પુસ્તકો દ્વારા મેળવેલું જ્ઞાન, અથવા તો ચિંતન, મનન કે વિચારણા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન કરતાં હો, તો એવા જ્ઞાનથી મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. એથી ઉલટું જ્ઞાનનો અર્થ તમે આત્માનું અનુભવસિદ્ધ જ્ઞાન એવો કરતાં હો, તો એની મદદથી માણસ મુક્ત ને પૂર્ણ બની શકે છે.
પ્રશ્ન: એ વાતને બીજી રીતે કહી શકશો ?
ઉત્તર: જ્ઞાન બે જાતનું છે. એક પરોક્ષ ને બીજું અપરોક્ષ. અથવા તો અનુભવસિદ્ધ અને અનુભવ વગરનું. તેમાં જે અનુભવસિદ્ધ જ્ઞાન છે તે જ માણસને શાંતિ, મુક્તિ કે પૂર્ણતા આપી શકે છે. બીજું જ્ઞાન નહીં. તમે જોતા નથી કે જગતમાં પોથી-પંડિતો, વાકપટુતાવાળા વિદ્વાનો, કથાકારો તથા ઉપદેશકો ઘણા છે, છતાં તેમને શાંતિ નથી, કેમ કે જે જ્ઞાન તેમની જીભ પર કે કલમમાં દેખાય છે, તે તેમના જીવનમાં ઉતર્યું નથી. જ્ઞાન જ્યારે જીવનમાં ઊતરી જાય છે અથવા તો આપણા અસ્તિત્વનું એક અંગ બની જાય છે ત્યારે જ શાંતિ આપી શકે છે. એ ખાસ યાદ રાખવા જેવું છે.
પ્રશ્ન: શાસ્ત્રોએ કહ્યું છે કે, જ્ઞાન વિના મુક્તિ નથી, ઋતે જ્ઞાનાન્ત મુક્તિ: - તે શું એવા જ જ્ઞાનને માટે કહ્યું છે ?
ઉત્તર: હા, એવા જ જ્ઞાનને માટે. શાસ્ત્રો કહે છે કે પરમાત્મા આપણી અંદર છે એવી પુસ્તકિયા માહિતી મેળવીને બેસી નથી રહેવાનું, પરંતુ એ માહિતી મુજબ આગળ વધીને સાધનાના પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. અને પરમાત્માનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ પરિચય કરવાનો છે. જ્ઞાનનું કામ ત્યારે જ પૂરું થાય છે એટલે શાસ્ત્રો સ્વાધ્યાય નહીં પરંતુ સ્વાનુભવ પર જ વધારે ભાર મૂકે છે. સ્વાધ્યાયમાંથી આગળ વધીને માણસે સાધના તથા તેની મદદથી મળતા સ્વાનુભવમાં પ્રવેશ કરવો જ જોઈએ.
પ્રશ્ન: જ્ઞાનમાં કર્મની જરૂર ખરી કે નહીં ?
ઉત્તર: મારી અત્યાર સુધીની વાતને જો તમે બરાબર સમજી ગયા હશો તો એ પ્રશ્ન રહેશે જ નહીં. જ્ઞાન ને કર્મને છૂટાં પાડી શકાય તેમ છે જ નહીં. કર્મ વિના જ્ઞાનનું કામ ચાલી જ ના શકે. જ્ઞાનમાં જે સ્વાધ્યાય તથા ચિંતનમનની પ્રક્રિયા છે, તે કર્મના જ વિભાગરૂપે છે. એ ઉપરાંત, જ્ઞાનમાં જે સાધનાની આગળની પ્રક્રિયા છે તે પણ કર્મ જ છે. કર્મ ને જ્ઞાનને એ રીતે ખૂબ જ ઘનિષ્ટ સંબંધ છે.
પ્રશ્ન: જ્ઞાનના માર્ગમાં સાધનાની કયી આગળની પ્રક્રિયાની તમે વાત કરી રહ્યા છો ?
ઉત્તર: ધ્યાનની અને એ દ્વારા પ્રાપ્ત થતી સમાધિની. સમાધિ દશામાં જ્યારે મન તદ્દન શાંત થઈ જાય છે, અને શરીરનું ભાન પણ ભુલાઈ જાય છે, ત્યારે પરમાત્માનો અપરોક્ષ અનુભવ કે સાક્ષાત્કાર થાય છે. ત્યારે પરમાત્મા કે સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થયું એમ કહી શકાય છે. એવા જ્ઞાનથી બધી જાતના બંધન છૂટી જાય છે, સંશય શમી જાય છે. એક પ્રકારની ઊંડી અવર્ણનીય શાંતિનો નિરંતર અનુભવ થાય છે, અને જીવન કૃતાર્થ થાય છે. એમ કહો કે માણસ સાચા અર્થમાં સ્વતંત્ર ને સુખી થાય છે. એટલે જ્ઞાનનો સાચો સ્વાદ લેવા માટે જ્ઞાનને આચરણમાં ઉતારતાં શીખો; ધ્યાન, ધારણા, જપ, પ્રાર્થના ને સમાધિના અભ્યાસી બનો, અને તમારી અંદર ને બહાર બધે જ રહેલા પરમાત્માનું દર્શન તલપાપડ બનો.