પ્રશ્ન: શંકરાચાર્યે જગતને મિથ્યા કહ્યું છે તેનું કારણ શું ? તેમના કહ્યા પ્રમાણે જગતનું અસ્તિત્વ શું ખરેખર છે જ નહીં ?
ઉત્તર: જગતનું અસ્તિત્વ ખરેખર છે જ નહીં એવું તો કેવી રીતે કહી શકાય ? જો જગત ખરેખર હોત જ નહીં તો એ જગતમાં રહેલા તમે મને આ પ્રશ્ન પૂછી શક્યા જ ના હોત, અને મારું અસ્તિત્વ ના હોવાથી હું એનો ઉત્તર ના આપી શકત. આપણી બંનેની વચ્ચે એ પ્રમાણે કોઈ પ્રકારનો પત્રવ્યવહાર કે વાર્તાલાપ જ ના થઈ શકત. એટલે જગત છે જ નહીં એમ કહેવું નકામું છે. કોઈ વિવેકી પુરુષ એવું ના કહી શકે. તો પછી શંકરાચાર્ય જેવા વિવેકી ને જ્ઞાની પુરુષ તો એવું કહી શકે જ કેવી રીતે ? એ જો જગતનું અસ્તિત્વ જ ના માનતા હોત તો ભારતના ચારે ખૂણામાં ફરીને તેમણે જે ધર્મ-પ્રચારનું વિરાટ કામ કર્યું, અને પોતાના સિદ્ધાંતોને સમજાવવા માટે જ્ઞાનથી ભરપૂર એવા અનેક ગ્રંથો લખ્યા, તે કામ તેમનાથી થઈ શકત ખરું ? એટલે જે જગહિતને માટે જ એ જન્મ્યા ને જીવી ગયા, તે જગતના અસ્તિત્વને જ એ નહોતા માનતા. એમ કહેવું અથવા માનવું ને મનાવવું એ અજ્ઞાનનું પ્રદર્શન કરવા બરાબર છે.
પ્રશ્ન: તો પછી એમણે એવું કેમ લખ્યું છે કે, બ્રહ્મ સત્યં, જગત્ મિથ્યા ? બ્રહ્મ સત્ય છે, અને જગત મિથ્યા, એવું એ કેમ કહી ગયા છે ?
ઉત્તર: જગત મિથ્યા છે એવું કહ્યું છે.પરંતુ મિથ્યા શબ્દનો અર્થ ત્યાં તમે કેવો કરો છો ?
પ્રશ્ન: મિથ્યા એટલે છે નહીં એવું. અથવા અસત્ય, એથી બીજો કે જુદો એનો શો અર્થ થઈ શકે ?
ઉત્તર: મિથ્યાનો અર્થ તમારા કહ્યા પ્રમાણે જો અસત્ય થતો હોત, તો શંકરાચાર્ય તો મહાન પંડિત તથા ભાષાશાસ્ત્રી હતા. સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ અત્યંત અસાધારણ હતું. શબ્દોના ભેદને તે સારી પેઠે સમજતા હતા. તે એમ જ ના લખત કે બ્રહ્મ એટલે કે પરમાત્મા સત્ય છે, ને જગત અસત્ય છે ? પરંતુ અસત્ય શબ્દનો પ્રયોગ કરવાને બદલે તેમણે ઠેકઠેકાણે મિથ્યા નામના નવા જ શબ્દનો પ્રયોગ કરેલો છે. એ હકીકત તરફ તમારું ધ્યાન ખેંચાયું છે ખરું ?
પ્રશ્ન: ધ્યાન તો તમે ખેંચ્યું અટલે ખેંચાયું. પરંતુ મિથ્યા શબ્દનો અર્થ હજુ મારી સમજમાં ના આવ્યો.
ઉત્તર: મિથ્યા એટલે પરિવર્તનશીલ અથવા નાશવંત. એ શબ્દનો પ્રયોગ કરીને શંકરાચાર્ય એવું સૂચવવા માંગે છે કે આપણે જે જગતને જોઈ રહ્યા છીએ, અથવા તો જે જગતમાં શ્વાસ લઈએ છીએ, તે જગત છે તો ખરું જ, પરંતુ એકસરખી અવસ્થામાં રહેનારું નથી. તેમાં પળેપળે પરિવર્તન થયા જ કરે છે. સર્જન ને વિસર્જનનું તાંડવ ચાલે છે. એ અર્થમાં એ મિથ્યા છે.
મિથ્યાનો બીજો અર્થ એ છે કે, જગતના બધા પદાર્થો પરમાત્માના સાકાર સ્વરૂપ જેવા છે. જગત એ બીજું કાંઈ જ નથી પરંતુ પરમાત્માનું પ્રતિક છે. જુદા જુદા નામ ને રૂપ ધારણ કરીને જગતના રૂપમાં એકમાત્ર પરમાત્મતત્વ જ વિલસી રહ્યું છે. સુવર્ણનાં ઘરેણાં જેમ સુવર્ણથી જુદા નથી, પરંતુ મૂળભૂત રીતે સુવર્ણ જ છે. કુંભારે ઘડેલાં માટીનાં જુદાં જુદાં વાસણો જેમ માટી વિના બીજું કશું જ નથી, અને અગ્નિના જુદા જુદા અંગારા અગ્નિ વિના બીજા કશાનો આર્વિભાવ નથી, તેમ જગત બાહ્ય રીતે જોવાથી ભાતભાતના ભેદવાળું દેખાતું હોવા છતાં, અંદરખાનેથી જોતાં પરમાત્માનું જ સ્વરૂપ કે પરમાત્મા જ છે. એ અર્થમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, વાસુદેવ: સર્વમિતિ: એટલે કે બધું વાસુદેવ કે પરમાત્મારૂપ જ છે. જ્ઞાનમયી દૃષ્ટિ થવાથી એવી સમજણ અને અનુભૂતિ સહજ થઈ રહે છે. એમાં જગતને ઉડાવી દેવાની વાત નથી, જગતનો નિષેધ કરવાની ભાવના પણ નથી, પરંતુ જગતને એના સત્ય સ્વરૂપમાં ઓળખવાની કે સમજવાની વૃત્તિ છે. શંકરાચાર્યને આવી વિશાળ દૃષ્ટિથી સમજવાની જરૂર છે.

