હજારો વરસો પહેલાં ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરો આધ્યાત્મિક અનુભૂતિની કેવી ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચ્યા હતા, એમણે સાધનાની સ્વાનુભૂતિનાં કેવાં સુમેરુશિખરો સર કરેલાં, અને એમના વિચારો, ભાવો અને વ્યવહારો કેટલા બધા ઉદાત્ત અને વિશુદ્ધ હતા, અને એમણે કેવી ઉચ્ચત્તમ સંસ્કૃતિનું સર્જન કરેલું એનો ખ્યાલ મેળવવો હોય તો ઉપનિષદોને વાંચવા-વિચારવાની આવશ્યકતા છે. ઉપનિષદોને રચાયે સદીઓ વીતી ગઈ હોવા છતાં એમનો સંદેશ સનાતન અને સર્વોપયોગી હોવાથી આજે પણ માનવના અંતરાત્માને અનુપ્રાણિત કરવાની શક્તિ ધરાવે છે. ભારતના આધ્યાત્મિક આકાશમાં પ્રકાશતાં પરમ જાજ્વલ્યમાન નક્ષત્રગણોમાં એમનું સ્થાન અનોખું છે. એમાં શાંતિનો શાશ્વત સંદેશ સમાયેલો છે, પ્રેરણાનો પારાવાર પડેલો છે અને માનવમનનું માંગલ્ય સાધવાની સામગ્રી છે. ભારત એમને માટે ગૌરવ લઈ શકે તેમ છે. પ્રસ્તુત પુસ્તકમાં ઈશાવાસ્ય ઉપનિષદ, કેનોપનિષદ, કઠ ઉપનિષદ, મુંડક ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ અને કલિસંતરણ ઉપનિષદ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. | | |