ગીતાની શરૂઆતમાં જ યુદ્ધના સમાચાર જાણવા આતુર થયેલા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ‘ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવ બંને લડવા માટે ભેગા થયા હતા. તેમનું શું થયું ? તે વાત તો કહી બતાવો.’ ને તેના ઉત્તરમાં સંજય મહાભારતના યુદ્ધની શરૂઆતનો થોડોક ઈતિહાસ ને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ગીતાનો ઉપદેશ રજૂ કરે છે. આ સાંભળીને એક વિદ્વાને મને કહ્યું : ‘તમને નથી લાગતું કે ગીતામાં કેટલીક શંકાસ્પદ વાતો છે ? ગીતાનો ઉપદેશ સરલ છે એ સાચું. પણ તે ગૂઢ પણ એટલો જ છે. તે કેટલીક જગ્યાએ તો સમજવામાં ને સ્વીકારવામાં મુશ્કેલી ઊભી થાય છે.’
મેં પૂછ્યું, ‘કેમ ? દાખલા તરીકે...’
તેમણે કહ્યું : ‘દાખલા તરીકે તો કેટલીય વાતો કહી શકું, પણ તે તો પછી જેમ જેમ વખત મળશે ને આપણી વાતચીત વધશે તેમ તેમ કહીશ. હાલ તો ગીતાની શરૂઆતની જ બે શંકાસ્પદ વાતો બતાવું છું. કુરૂક્ષેત્રમાં કૌરવ ને પાંડવ લડવા માટે ભેગા થયા, એટલે તે સમરભૂમિ થઈ કે રણક્ષેત્ર બન્યું. અઢાર અક્ષૌહિણી સેનાનો ત્યાં નાશ થયો. મોટામાં મોટી હિંસા થઈ, લોહીની નદીઓ વહી. તે ભૂમિને ગીતાની શરૂઆતમાં જ ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે તે શું બરાબર છે ? તે ભૂમિ શું પાવન કહી શકાય ? છતાં આશ્ચર્ય એ છે કે ગીતામાં તેને ધર્મક્ષેત્ર કહીને પાવન કહેવામાં આવી છે.’
કુરૂક્ષેત્રની ભૂમિ મહાભારતના યુદ્ધ પહેલાં પણ પવિત્ર ધર્મભૂમિ હતી. ત્યાં અનેક જાતનાં ધર્મનાં અનુષ્ઠાનો થયાં હતાં. તેથી જ ગીતામાં તેને ધર્મભૂમિ કહેવામાં આવી છે. ગંગા પવિત્ર છે, ને કેટલાંય વરસોથી પવિત્ર મનાય છે. કોઈ તેના પાણીમાં સ્નાન કરે છે, કોઈ સંધ્યા-ગાયત્રી કરે છે, તો કોઈ જપ-ધ્યાન પણ કર્યા કરે છે. પણ તેવી જ રીતે કોઈ તેમાં ઊભા રહીને ગાળાગાળી કરે કે લડાઈ લડે કે ગંદકી પણ કરે, તો શું ગંગાની પાવનતા દૂર થઈ જવાની ને તે અપવિત્ર બનવાની ? તે જ પ્રમાણે હિમાલયની ભૂમિ દૈવી ને તપોભૂમિ ગણાય છે. પ્રાચીન કાળથી આ ભૂમિમાં વીતરાગ, સાધક ને સિદ્ધ એવા ઋષિમુનિઓએ વાસ કર્યો છે, ને સાધના કરી છે. પણ આજે આ ભૂમિમાં બધે ઋષિઓ જ રહે છે, ને સાધના કે ધર્મનાં કામ જ થાય છે એમ નથી. કાવાદાવા ને ચોરી તથા કુડકપટ કરનાર માણસો ને સાધકો પણ અહીં છે. પણ કેટલાક માણસો આ ભૂમિમાં કે ગંગાને કિનારે રહીને અધર્મ કરતા હોય તેથી શું આ દૈવી ભૂમિનો ને પતિતપાવની ગણાતી ગંગાનો મહિમા ઓછો થઈ જવાનો છે ? તેની મૂળ પવિત્રતામાં ફરક પણ પડવાનો છે ? માણસ તેની પાસે રહીને સારું નરસું ગમે તેવું કામ કરે પણ ગંગા ને હિમાલયની જે ભૂતકાલિન પવિત્રતા ને મહત્તા છે, તે તો એવી જ અખંડ રહેવાની છે. તે જ પ્રમાણે કુરૂક્ષેત્રની ભૂમિનું છે. કૌરવ ને પાંડવે ત્યાં યુદ્ધ કર્યું. પણ તે પહેલાંથી તે તો ધર્મભૂમિ હતી, પુણ્યક્ષેત્ર હતું. જેમ કૌરવ પાંડવે ત્યાં યુદ્ધ કર્યું, તેમ ધર્મના કામ પણ ત્યાં કેટલાંય થયા હતાં. વળી પાંડવો જે યુદ્ધ કરવા હાજર થયા હતા, તે પણ ધર્મની રક્ષા માટેનું જ યુદ્ધ હતું. તેથી તે મહિમાને યાદ કરીને જ ગીતાકારે તેને ધર્મક્ષેત્ર કહ્યું છે.
એક બીજી વાત, ધર્મક્ષેત્ર કે તીર્થસ્થાનમાં તો માણસો વધારે ભાગે પુણ્યકાર્ય કરવા ભેગા થાય છે. તીર્થક્ષેત્રના વાતાવરણથી માણસ સાત્વિક બને છે, ને પ્રભુની લીલાના રહસ્યનું જ્ઞાન મેળવે છે એવા ઉત્તમ સ્થાનમાં પણ કોઈને લડવાની કે અધર્મ કરવાની ઈચ્છા થાય તો શું સમજવું ? કાં તો તેને લડવાનું ને અધર્મ કરવાનું ખૂબ જ પ્રિય હશે, કે પછી લડવા ને અધર્મ કરવા સિવાય તેને માટે છૂટકો જ નહિ હોય, એટલે ધર્મક્ષેત્રમાં પણ કૌરવ પાંડવ લડવા તૈયાર થયા છે એમ કહીને ગીતાકાર કહેવા માંગે છે કે જોયું ? ઈર્ષા, ક્રોધ ને સ્વાર્થથી માણસ અંધ બને છે, કૌરવો તેવા અંધ હતા. તેથી ધર્મભૂમિમાં પણ તેમનું દિલ ના પલટાયું. ધર્મભૂમિની અસર પણ તેમને ના થઈ શકી. પાંડવો ધર્મપરાયણ હતા. છતાં તેમને માટે લડાઈ કરવા સિવાય કોઈ બીજો ઉપાય ન હતો. આ બે પ્રકારનો સંકેત કરવામાં ધર્મક્ષેત્રનો ઉલ્લેખ સારી પેઠે સફળ થાય છે. ’
- શ્રી યોગેશ્વરજી