બીજની અંદર વૃક્ષ રહેલું છે એ આશ્ચર્ય થાય તેવી વાત જરૂર છે. પણ સાચી વાત છે એની સૌને ખબર છે. બીજમાંથી જ છેવટે વિરાટકાય વૃક્ષ તૈયાર થાય છે એ ક્યાં સાચું નથી ? બીજમાં વૃક્ષ રહેલું છે એમ કહેવામાં આવે છે. પુરૂષ અનાજ ખાય છે તેનું કેટલાય ક્રમમાંથી પસાર થયા પછી વીર્ય બને છે. તે દેખાવમાં સાધારણ છે. પણ તેમાંથી અસાધારણ એવી માનવ સૃષ્ટિ તૈયાર થાય છે એ જાણીતી વાત છે. તે પ્રમાણે ગીતાની અસાધારણ સૃષ્ટિનું છે. પહેલા અધ્યાયની શરૂઆતમાં સ્વજનોને જોવાથી અર્જુનને શોક થયો. તે શોક દેખીતી રીતે સાધારણ હતો. સંસારમાં તેને મળતા એક યા બીજા શોકના પ્રસંગો વારંવાર બને છે. સદ્ ભાગ્યે અર્જુનના સંજોગો જુદા હતા. પ્રભુની કૃપા વિના સજ્જન કે સંતપુરૂષોનો મેળાપ થતો નથી એમ કહેવામાં આવે છે. તેવો મેળાપ થઈ જાય તો સંશય છેદાઈ જાય છે, મૂંઝવણ મટે છે, ને માણસને શાંતિ મળે છે.
માનવ સત્ય, પ્રકાશ ને અમરતાનો પ્રવાસી થવાનો પ્રયાસ કરે છે. પણ તે પ્રયાસ શું ધાર્યા જેટલો સહેલો હોય છે કે ? માટે જ તે ઈશ્વરના દૂત જેવા દૈવી પુરૂષોનો સાથ શોધે છે. એકલો માણસ તરવાની કળાને જાણતો નથી. તે સાગરમાં કેવી રીતે તરી શકે ? તરતાં જાણનાર કે તરવામાં પારંગત પુરૂષની પાસે શરૂઆતમાં તેણે શીખવું પડે છે. તેમ સંસારને સલામત રીતે તરી જવા માટેની કળા શીખવા મહાપુરૂષોની જરૂર પડે છે. મહાપુરૂષોનું મિલન થતાં ને માર્ગદર્શન મળતાં કામ સહેલું થાય છે. તેવા પુરૂષો ભાગ્ય વિના મળતા નથી એમ કહેવાય છે, પણ અર્જુનનું ભાગ્ય તો જુઓ ! તે ભાગ્યનો સંપૂર્ણપણે પ્રકાશ થયો હોય, અર્જુનના પૂર્વ પુણ્યોનો એકાએક ઉદય થયો હોય, તેમ તેને પોતાના રાહબર ને પથપ્રદર્શક તરીકે ભગવાન શ્રીકૃષ્ણ પોતે મળ્યા છે. તેમની છત્રછાયામાં અર્જુન સદાને માટે સલામત છે. અર્જુનને જે વિષાદ થયો છે તે છે તો સાધારણ, પણ તેની આસપાસના વિશેષ સંજોગોને લીધે તે પણ વિશેષ બની ગયો છે. પોતાના ભૂલાઈ ગયેલા વિવેકજ્ઞાનની સાથે મેળાપ કરાવનારો થયો છે ને ભગવાનને ઓળખવામાં, ભગવાનના રહસ્યને જાણીને ભગવાન સાથે યોગ સાધવામાં કે એકાકાર થવામાં ઉપયોગી નીવડ્યો છે. એ પ્રમાણે સાધારણ વિષાદ પણ યોગમય બની ગયો છે. તે સાધનાના સ્વરૂપ જેવો થયો છે. એટલે જ ગીતાકારે પહેલા અધ્યાયને અર્જુન વિષાદયોગ એવું મોટું નામ આપેલું છે.
કુરૂક્ષેત્રનાં મેદાનમાં આવવા અર્જુને તૈયારી કરી, ત્યારે તેને આવા ઉત્તમ ભાગ્યની શી ખબર ? શોક થયો ત્યારે પણ તેને શી ખબર કે તેનો શોક પોતાને ને બીજાને માટે ઐતિહાસિક બની જશે ? બીજમાં રહેલા વૃક્ષની જેમ અર્જુનના વિષાદના બીજની અંદરથી ગીતાના ઉપદેશનું આટલું મોટું વિશાળ વૃક્ષ ઊગી નીકળશે તેની કલ્પના પણ કોને આવી શકે એમ છે ? પણ આજે તો તે એક ચોક્કસ સત્ય થયું છે, ને જગતને ઉપયોગી જીવનદાન આપનારૂં સાબિત થયું છે. કેટકેટલા થાકેલા ને સંસારતાપે તપેલા પ્રવાસીઓ આ વૃક્ષની છાયામાં બેસીને આનંદ કરે છે ને સ્વર્ગસુખ માણે છે, તે કોણ કહી શકે ?
- શ્રી યોગેશ્વરજી