if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મૃત્યુથી ડરવાનું કારણ પણ શું છે ? સમસ્ત સંસાર એક ઈશ્વરની રચના છે. ઈશ્વરની યોજના પ્રમાણે જ તે ચાલે છે ને તે યોજના પણ મંગલ છે. માણસ સિંહ ને વાઘ તથા વીંછી ને સાપથી ડરે છે, ને શત્રુથી બીએ છે. તે એમ માને છે કે તેનું જીવન એ બધા જીવોની સામે સલામત નથી. એ બધા જીવો તેને માટે નુકશાનકારક છે એમ સમજીને જ તે ડરે છે. મૃત્યુના ડરનું કારણ પણ એ છે કે માણસ મૃત્યુના સાચા સ્વરૂપને સમજતો નથી, ને મૃત્યુને અમંગલ તથા હાનિકારક માને છે. આ માન્યતા ખોટી છે. માણસ જો સારી પેઠે વિચાર કરે તો તેને જણાશે કે મૃત્યુ તેને માટે અમંગલ નથી પણ આશીર્વાદરૂપ છે. ગીતા માતાનું કહેવું છે કે માણસ જેમ જૂનું કપડું ઉતારીને નવું કપડું પહેરે છે, તેમ જૂનું શરીર છોડીને બીજું નવું શરીર ધારણ કરે છે. આ જૂનું શરીર છોડવાની ક્રિયાનું નામ મૃત્યુ છે. તેની જરૂર માણસને માટે કેટલી બધી ભારે છે ?

શરીર મોટું થાય છે તેમ તેમ ઘસાતું જાય છે. તેની શક્તિનો ક્ષય થતો જાય છે, તેવા શરીરને બદલીને નવા ને વધારે સારા શરીરને ધારણ કરવાનો લાભ આપીને ઈશ્વર માણસ ઉપર ઘણો મોટો ઉપકાર કરે છે. સંસારમાં જો મૃત્યુની વ્યવસ્થા ના હોત તો શું થાત તેનો વિચાર તો કરો. દરેક જીવને ગમે કે ના ગમે છતાં પોતાને જન્મથી વારસામાં મળેલા એક જ જાતના વાતાવરણમાં કાયમને માટે રહેવું પડત. મૃત્યુ દ્વારા તેને નવા વાતાવરણમાં ફેરબદલી કરવાનો લાભ મળે છે, ને નવા વાતાવરણમાં તે નવેસરથી પોતાનો સંસાર શરૂ કરી શકે છે. સંસારમાં કેટલાય જીવો જીવનભર દુઃખી દેખાય છે. કેટલાક જીવો બીજાના અહિત કે અમંગલને માટે જ જીવતા હોય તેવું લાગે છે. એવા જીવોના જીવન પર મૃત્યુનો પડદો પાથરીને ઈશ્વર તેમનું ને બીજાનું કલ્યાણ જ કરે છે. મૃત્યુ આવી રીતે મંગલકારક છે. માણસને ગમે કે ના ગમે, છતાં જન્મ ને મરણના ચક્રમાં તેણે ફરવાનું જ છે. જન્મ ને મરણના ચક્રમાં ફેરવનાર જે કર્મો છે તેના બંધનમાંથી તે મુક્તિ ના મેળવે, અથવા તો જન્મ ને મરણના નિયંતા ને સૃષ્ટિના સ્વામી પરમાત્માની સાથે તે સંબંધ ના કરે, ત્યાં સુધી આ ચક્રમાંથી છૂટવાનું તેને માટે મુશ્કેલ છે. એટલે જન્મ ને મરણમાંથી છૂટવા માટે માણસે ઈશ્વરનું શરણ લેવું જોઈએ.

મૃત્યુને જીતી શકાય છે

મૃત્યુને જીતી ના શકાય એમ માનવું ભૂલભરેલું છે. ઈશ્વરની કૃપાથી માણસ મૃત્યુંજય બની શકે છે ને શરીરને ઈચ્છા પ્રમાણે રાખી ઈચ્છા પ્રમાણે છોડી શકે છે. ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ આ માટેની સાધના તૈયાર કરી છે. મૃત્યુને જીતવા માટે ભારતમાં યોગના મહાન પ્રયોગો કરવામાં આવ્યા છે ને તે પ્રયોગો સફળ થયા છે. મરણ સૌને માથે ભમ્યા કરે છે, ને માણસ મૃત્યુનો ગુલામ છે, એ વાતોનું તે પ્રયોગોએ ખંડન કર્યું છે. માણસ પોતાની નબળાઈ ને લીધે મૃત્યુનો દાસ ને પ્રકૃતિનો ગુલામ છે ને જો તે ધારે ને શક્તિનો વિકાસ કરે, તો મૃત્યુ ને પ્રકૃતિનો સ્વામી બની શકે છે એ મહાન ને અનુભવસિદ્ધ વિચારનો વારસો ભારતના મહાન યોગીઓ સમસ્ત માનવજાતિને માટે મૂકતા ગયાં છે. ચાંગદેવે કાળ પર કાબુ કરવાની કળા હસ્તગત કરી લઈને ૧૪૦૦ વરસનું આયુષ્ય સાધ્ય કર્યું હતું, ને જ્ઞાનેશ્વર પાસેથી શાંતિ મેળવી હતી. વ્યાસ ને નારદ તથા હનુમાન અમર ગણાય છે, ને સાધકોને આજે પણ દર્શન આપે છે. સંત જ્ઞાનેશ્વરે જીવતાં સમાધિ લીધી તે પછી લગભગ ૩૦૦ વરસે મહાત્મા એકનાથને પોતાના સમાધિસ્થાન આલંદીમાં આવવાની પ્રેરણા કરીને પોતાનું દર્શન આપ્યું હતું. ભારતના યોગી પુરૂષો પોતાના જ મૃત્યુ પર નહિ, પણ બીજાના મૃત્યુ પર પણ કાબુ ધરાવતા હતા. જન્મ ને મરણ પર તેમનું સંપૂર્ણ સ્વામિત્વ હતું. આત્મા તો અમર છે જ પણ શરીરની અમરતાના પ્રયોગ પણ તેમણે કર્યા હતા. માણસ મૃત્યુનો જય કરીને વરસો સુધી જીવી શકે. પણ એટલાં બધાં વરસો પછી પણ તેને શરીરત્યાગ તો કરવો જ પડે ને ? કેટલાક માણસો એવો પ્રશ્ન પૂછી ઊઠશે. તેમણે યાદ રાખવું જોઈએ કે મૃત્યુવિજય કરી ચૂકેલાં પુરૂષો ઈચ્છાનુસાર શરીર ધારણ કરીને છોડી શકે છે, ને શરીરમાં ઈચ્છાનુસાર રહી શકે છે. તે પ્રમાણે  રહેવાથી લાભ છે કે કેમ તે જુદી વાત છે. પણ માનવના પુરૂષાર્થ સિદ્ધિના ઈતિહાસમાં મૃત્યુના વિજયનું સ્થાન મહત્વનું છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.