if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શરીરની મમતા ને શરીરના અધ્યાસમાં સાધારણ માણસો જ ફસાયેલા છે એમ નથી. જે લોકો પોતાને વિદ્વાન, પંડિત ને નેતા જેવા કહેવડાવે છે, ને જે સમાજમાં મોટા થઈને ફરે છે ને ઉપદેશ આપે છે, તે પણ તેમાં ડૂબેલા છે. મોટી ઉંમરના માણસો તો અનેક જાતના અનુભવ કરીને ઘડાઈ ગયા હોય, છતાં આ બાબતમાં ઉંમર પણ અપવાદરૂપ નથી. મોટી ઉંમરના માણસોમાં પણ શરીરની મમતા ને અહંતા દેખાઈ આવે છે. જેને સદ્ ગુરૂનો ઉપદેશ મળ્યો હોય, તે માણસ કચરાની પેટી જેવા આ નાશવંત શરીરમાં પ્રીતિ કે મમતા કરતો નથી. તે તો શરીર ને આત્માને અલગ જાણે છે. તેથી આત્માનંદમાં મગ્ન રહે છે, ને શરીરના અધ્યાસથી છૂટી જાય છે.

શરીરના આકર્ષણ ને મોહમાંથી જેણે મુક્તિ મેળવી નથી, તેને સાચા અર્થમાં પંડિત, જ્ઞાની કે તત્વવેત્તા કહી ના શકાય, એવો ગીતામાતાનો નમ્ર અભિપ્રાય છે, ને તે અભિપ્રાયની તરફ દુર્લક્ષ કરવાનું બરાબર નથી. શરીરના આકર્ષણથી પ્રેરાઈને કેટલાક વયોવૃદ્ધ જ્ઞાનીઓ પણ પ્રભુતામાં પગલાં માંડે છે. તેનું મૂળ કારણ તેની વિષયાસક્તિ ને શરીરના ભોગોની ભૂખ જ છે. પોતાને જ્ઞાની માનતા ને મનાવતા માણસો માટે આ વસ્તુ શરમજનક છે.

આત્માના પ્રકાશનો પરિચય માણસે કેળવ્યો નથી, ને પોતે શરીર છે એવું જ્ઞાન તેણે દૃઢ કર્યું છે, તેથી જ તે મૃત્યુથી ડરે છે, વ્યાધિ ને વૃદ્ધાવસ્થાથી કંપે છે, ને શરીરની સગવડો ને યાતનાઓનો વિચાર કરીને પોતાના સાચા સિદ્ધાંત કેટલીક વાર પડતા મૂકે છે. આત્મા અમર છે એ વિચારની દૃઢતાને લીધે, માણસે સત્યને માટે મોટામાં મોટા ભોગ આપ્યા છે. શીખગુરૂના પુત્રો જીવતાં દિવાલમાં ચણાઈ ગયા છતાં ધર્મપરિવર્તન કરવા માટે તૈયાર ન થયા, ને ચિતોડની રજપૂત રમણીઓએ શીલની રક્ષા માટે અગ્નિમાં ઝંપલાવી દીધું; તે ઉપરાંત હરિશ્ચંદ્ર રાજા ને રાજા શિબિ તથા દિલીપે સત્ય ને ધર્મના પાલન માટે શરીરના કષ્ટોને ગૌણ ગણી લીધાં. એવા એવા તો કેટલાય પ્રસંગો ઈતિહાસમાં અમર બનીને માનવને પ્રેરણા પાતા આજે ઊભા રહ્યા છે. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીતાંપીતાં પણ આનંદ માન્યો, ને ઈશુએ શૂળી પરથી પણ ક્ષમા ને પારકાંના મંગલનો સૂર કાઢ્યો, તે શું બતાવે છે ? એ જ કે આત્માની અમરતાના અનુભવમાં તે પ્રતિષ્ઠિત હતાં, ને તે આત્માની સાથે એકતા સાધવાથી તેમને અક્ષય આનંદની પ્રાપ્તિ થઈ હતી.

એક સંત વિશે એવું કહેવાય છે કે તે રાતદિવસ આત્માના આનંદમાં જ ડૂબેલા રહેતા હતા. પોતાની અંદર ને સંસારમાં બધે જ એક અવિનાશી પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે, એ અનુભવ તેમને થઈ ચૂક્યો હતો, ને તેથી તેમના હૃદયમાંથી ભય, રાગદ્વેષ ને ભેદભાવ સદાને માટે દૂર થઈ ગયો હતો. આત્માના આનંદમાં મસ્ત બનીને તે એક વાર કોઈ જંગલમાંથી પસાર થઈ રહ્યા  હતા, ત્યારે એક વાઘે તેમના પર એકાએક હુમલો કર્યો. બીજો કોઈ સાધારણ માણસ હોત તો તે આ ભયંકર હુમલાથી હેબતાઈ જ જાત. પરંતુ તે સંતપુરૂષ તો હસવા માંડ્યા, ને શિવોઙહમ્ નો મધુર ધ્વનિ કરવા લાગ્યા. વાઘે તેમના શરીરને ફાડી ખાધું. છતાં તે મહાન પુરૂષે નાસવાનો કે મદદ માટે પોકાર કરવાનો પ્રયાસ પણ ના કર્યો. વાઘમાં તે ઈશ્વરને જ જોતા હતા. શરીરની અસરથી પણ તે ઉપર ઊઠી ચૂક્યા હતા પછી તેમને ભયનું કોઈ કારણ જ ક્યાં હતું ? શરીરથી ઉપર ઊઠવાની આ દશાને પ્રાપ્ત કરવાનું કામ ઘણું કઠિન છે પણ અશક્ય નથી. ને પ્રયાસ કરે તો કોઈ પણ તે દશાએ પહોંચી શકે છે એ નક્કી છે.

એટલે જ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તું આત્મજ્ઞાન ને આત્મભાવમાં સ્થિતિ કર. આત્માનો કદાપિ ને કોઈ કારણથી નાશ કરી શકાતો નથી. માણસનું મૂળ સ્વરૂપ આત્મા છે. શરીર તો તેથી જુદી જ વસ્તુ છે. નાશ શરીરનો થાય છે, આત્માનો નહિ. આ વાતને સમજી લેવાથી તને શોક નહિ થાય. કરોડો મૃત્યુમાં પણ માણસને મારવાની તાકાત નથી એ તું સારી પેઠે સમજી લે અને કદાચ એમ માનીએ કે આત્માનો જન્મ થાય છે, ને આત્માનું મરણ પણ થયાં કરે છે, તો પણ શોક કરવાનું કારણ ક્યાં છે ? જે જન્મે છે તે મરે છે, ને મરે છે તે જન્મે છે. આ વસ્તુ સહજ હોવાથી કોઈ તેને અટકાવી કે ખાળી શકે તેમ નથી. તેનો શોક કરવાથી પણ કોઈ ફાયદો નથી. આ સંસારમાં જુદાજુદા જીવોનો સમાગમ કર્મના નિયમ કે ઋણાનુબંધ પ્રમાણે થયા કરે છે. કર્મનો સંબંધ પૂરો થતાં તે સંબંધ પણ પૂરો થઈ જવાનો છે. તે સંબંધો સ્થાયી કે સનાતન નથી પણ ચંચલ છે. પછી માણસે સંસારના જુદા જુદા સંબંધોમાં મોહ શા માટે કરવો જોઈએ ? જે વસ્તુ પોતાની નથી, ને કોટિ ઉપાય કરવાથી પણ પોતાની થઈને કાયમને માટે રહેવાની નથી, તેમાં મમતા કરવાથી શો ફાયદો ? માણસે સમજી લેવું જોઈએ કે આ સંસારમાં એક ઈશ્વર વિના તેનું કોઈ જ નથી. એક ઈશ્વરની જ સગાઈ સાચી છે. ઈશ્વરમાં પ્રીતિ કરવાથી જ લાભ છે. તો પછી શોક કરીને દુઃખી થવું ને અજ્ઞાનનું પ્રદર્શન કરવું એ શું બરાબર છે ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.