દુઃખ, ક્લેશ, દીનતા કે બીજા કોઈયે કારણથી પોતાની ફરજ છોડવાનો વિચાર કરવાની જરૂર નથી. દુઃખ કે ક્લેશ તો શું, પણ મૃત્યુ આવે તો પણ ફરજ છોડવાનો વિચાર ના કરવો એમ ગીતા સંદેશ આપે છે. દુઃખ, દીનતા કે મૃત્યુથી પણ ફરજ કે સ્વધર્મને વધારે ઉત્તમ માનો.
પ્રસિદ્ધ સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજના પિતા વિઠ્ઠલ પંતના જીવનમાં આવો જ પ્રસંગ બન્યો હતો. એકવાર કોઈ કારણથી ઘર છોડીને તે કાશી ગયા. ત્યાં પ્રસિદ્ધ સંતપુરૂષ શ્રી રામાનંદ સ્વામી રહેતા હતા. તેમની પાસે જઈને તેમણે કહ્યું કે મારે કોઈ જવાબદારી નથી, હું એકલો જ છું માટે મને સંન્યાસની દીક્ષા આપો. રામાનંદે તેના વચનમાં વિશ્વાસ રાખીને તેમને દીક્ષા આપી. તે પછી કેટલેક વખતે મહાપુરૂષ રામેશ્વરની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં વિઠ્ઠલપંતના ગામ આલંદીમાં તેમણે ઉતારો કર્યો. ત્યાં મારુતિ–મંદીરમાં તેમણે વાસ કર્યો. વિઠ્ઠલપંતના પત્ની રુકમણીબાઈ મારુતિ–મંદીરમાં દર્શન કરવા આવતા. તે પ્રમાણે તે દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા પછી તેમણે રામાનંદ સ્વામીના ચરણોમાં પ્રણામ કર્યા, એટલે રામાનંદે તેમને ‘પુત્રવતી થા’ એવો આશિર્વાદ આપ્યો. તે સાંભળીને રુકમણીબાઈને હસવું આવ્યું.
સ્વામીજીએ તેનું કારણ પૂછ્યું, તો તેણે કહ્યું : ‘મહારાજ, મારા પતિએ તો કાશી જઈને સંન્યાસ લીધો છે, એમ મેં સાંભળ્યું છે. તમારો આશીર્વાદ સાચો કેવી રીતે પડશે ? એ વિચારથી જ મને હસવું આવે છે.
આ જાણીને સ્વામીજી વિચારમાં પડી ગયા. તેમને નક્કી સમજાયું કે વિઠ્ઠલપંતે તેમની પાસેથી દીક્ષા લીધી છે ને પોતે તેમને ચૈતન્યાશ્રમ નામ આપ્યું છે. તે જ આ સ્ત્રીનો પતિ હોવો જોઈએ. તેમને ચિંતા થઈ. સ્ત્રીનો ત્યાગ કરીને તથા નિઃસંતાન દશામાં ત્યાગ કરીને વિઠ્ઠલ પંતે સંન્યાસ લીધો, ને પોતે તેને સંન્યાસ આપ્યો તે મોટી ભૂલ થઈ છે, એમ લાગવાથી તેમને દુઃખ થયું. રામેશ્વર જવાનો સંકલ્પ છોડી દઈને તે પાછા કાશી ગયા. સાથે રુકમણીબાઈના પિતા સિધો પંતને પણ લેતા ગયા.
કાશી જઈને તેમણે ચૈતન્યાશ્રમને બોલાવીને તેના પૂર્વાશ્રમની હકીકત પૂછી, ને પોતે આલંદીથી પાછા ફર્યા છે એમ કહી દીધું. તે સાંભળીને ચૈતન્યાશ્રમનું શરીર ઢીલું થઈ ગયું. તે રામાનંદનાં ચરણોમાં પડી ગયા. તે વખતે સિધો પંત પણ પોતાની કન્યાને લઈને ત્યાં આવી પહોંચ્યા.
સ્વામીજીએ વિઠ્ઠલ પંતને ઊભા કરીને કહ્યું કે તારી પત્નીનો ફરી સ્વીકાર કર. સ્વદેશ જઈને ગૃહસ્થી બન ને ધર્માચરણ કર. ગુરૂની આજ્ઞા પ્રમાણે પછી તેમણે આલંદીમાં આવીને ફરી નિવાસ કર્યો. સ્વધર્મનો ત્યાગ કરવાની ભૂલ ગુરૂની મદદથી તે સુધારી શક્યા તો પરિણામે સંસારને લાભ જ થયો. પંદર વરસની નાની વયમાં જ્ઞાનેશ્વરી જેવા અદ્ ભુત ગ્રંથની રચના કરનાર સિદ્ધજ્ઞાની ને યોગી શ્રી જ્ઞાનેશ્વર ને નિવૃત્તિનાથ તથા સોપાન ને મુક્તાબાઈનાં જીવન સંસારને માટે મહામૂલ્યવાન થઈ પડ્યાં.
સ્વધર્મનો ત્યાગ કરીને બેસી રહેવાથી સંસારનું કેટલું અહિત થાય તે સમજવા માટે આટલી વાત પૂરતી છે. ભગવાન કહે છે કે હે અર્જુન, ફરજના પાલનમાં તું પ્રમાદ ના કર. ક્ષણિક આવેશમાં આવી જઈને તારો ધર્મ શું છે તે ના ભૂલ. શાંતિ રાખ,ને પૂરો વિચાર કર.
- શ્રી યોગેશ્વરજી