ભગવાનની આટલી વાણી સાંભળવાથી તો અર્જુનને વિસ્મય થયું. તેણે તરત પ્રશ્ન કર્યો કે સૂર્ય ને મનુને થયે તો કેટલોય કાળ વીતી ગયો. તમે તો હમણાં જ થયા છો. તો પછી તમે સૂર્ય ને મનુને કર્મયોગનો ઉપદેશ આપ્યો એ વાત કેવી રીતે માનવી ? વાત સાચી છે. સાધારણ માણસને આ પ્રમાણે શંકા થાય તે સમજી શકાય તેમ છે. ભગવાન અર્જુનની શંકાનું સમાધાન કરતાં કહે છે કે મારા ને તારા આજ સુધીમાં કેટલાય જન્મો થઈ ગયાં છે. મને તે બધાનું જ્ઞાન છે પણ તું તેને ભૂલી ગયો છે. આ શબ્દોમાં એક વિશેષ સિદ્ધાંત સમાયેલો છે. ઉપનિષદમાં પણ નચિકેતા યમની પાસે આવા જ પ્રકારની શંકા રજૂ કરતા કહે છે કે મૃત્યુ પછી જીવન નથી રહેતું, ને કોઈ કહે છે કે રહે છે. તો તે બંનેમાં સાચું શું ? ઉપનિષદના તે સંબંધી ઉત્તરનો ગીતા સ્વીકાર કરે છે, ને કહે છે કે જીવન અનંત છે. આ શરીરમાંનું એક જ જીવન કાંઈ જીવન નથી. આવાં કેટલાય શરીરો બદલાતાં બદલાતાં જીવાત્મા આ ચાલુ શરીરમાં આવ્યો છે. તેની યાત્રા ઘણી જૂની છે, ને હજી પણ ચાલુ રહેવાની છે. જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નહિ થાય, સંસારના સ્વામીનો જ્યાં સુધી તેને સાક્ષાત્કાર નહિ થાય ત્યાં સુધી તેણે આ અનાદિકાળથી ચાલી રહેલી મહાયાત્રામાં ફર્યા જ કરવાનું છે. આ વિજ્ઞાન અટલ છે. આ લેખ સનાતનકાળથી લખાઈ ચૂક્યો છે. તેમાંથી તે છૂટી શકે તેમ નથી.
કેટલાક માણસો પૂછે છે કે ઈશ્વરે માણસની આંખ આગળ પડદો શા માટે રાખ્યો છે ? માણસને ભૂતકાળમાં થઈ ગયેલા જન્મોનું જ્ઞાન આપવામાં ઈશ્વરને હરકત શી હતી ? પણ આ પ્રશ્ન નકામો છે. તમે ઈશ્વરનો ગુણ જુઓ કે દોષ કાઢો પણ તમારી આંખ આગળ પડદો છે એ એક વાસ્તવિક્તા છે. એટલે વાસ્તવદર્શી થઈને જે છે તેમાં સંતોષ માની લો એમાં જ ડહાપણ છે. એ ઉપરાંત ઈશ્વરની પ્રત્યેક યોજના મંગલ છે એમાં શ્રદ્ધા રાખો. ભૂતકાળમાં થઈ ગયેલા એવા જન્મોનું જ્ઞાન માણસને નથી એ તો સાચું. પરંતુ વધારામાં, આ જ જન્મમાં થઈ ગયેલા એવા કેટલાય પ્રસંગો છે જેનું જ્ઞાન કે સ્મરણ માણસને નથી. વીતેલા કાળની વાતોને ભૂલવાનું માણસને માટે કેટલીકવાર મંગલકારક હોય છે. જીવન એ જ રીતે ચાલે છે, ને સુખમય બને છે. જીવનની રચના જ એવી છે કે માણસ જૂનાને ભૂલતો જાય છે ને નવાની સાથે અનુકૂળ થાય છે. દુઃખ ને વેદનાને ભાર હળવો કરીને માણસ આગળ ને આગળ વધતો જાય છે. નિરાશાને ભૂલી જઈને આશાની પાંખ પર ઊડવા માંડે છે. જો જીવનના બધાં જ સુખદુઃખ યાદ જ રહેતા હોત, ને આ જીવનનાં સુખદુઃખની સાથે બીજા બધા જ જન્મોનાં સુખદુઃખ તાજાં રહેતાં હોત, તો માણસનો બોજો ઘણો વધી જાત, પણ પરિસ્થિતિ તેવી નથી એટલે ઘણી રાહત છે. વિસ્મૃતિ આમ આશીર્વાદરૂપ છે. પૂર્વજન્મોનું જ્ઞાન થઈ જાય તો વધારે ભાગના માણસોને આ જીવનમાં રસ પણ ના રહે, જીવનનું રહસ્ય પણ ઉઘડી જાય, ને જીવન અવ્યવસ્થિત થાય તે નફામાં. આ જન્મમાં જે સંબંધી છે તે ગયા જન્મોમાં જુદા સંબંધવાળા જ નીકળે. તેમની સાથેના સંબંધો દુઃખદ પણ બની જાય તે નફામાં. તેથી ભવિષ્યનું જ્ઞાન પણ માણસને નથી તે સારું છે. સંસારનાં સઘળા માણસો એક પ્રકારની આશામાં જીવ્યા કરે છે. તે આશાનો તાંતણો ભાવિના જ્ઞાનથી વધારે ભાગે તૂટી પણ જાય. વળી ભવિષ્માં જે દુઃખો આવવાના છે તેના સ્મરણથી જીવન અત્યારથી જ દુઃખી બની જાય.
એક માણસે એક મહાન સંતની સારી પેઠે સેવા કરી. તેથી તે સંતપુરૂષ પ્રસન્ન થયા. સેવાના બદલામાં તેમણે કોઈ વરદાન માંગવા કહ્યું. સેવકે કહ્યું : તમે પ્રસન્ન થયા હો તો મને મૃત્યુનું જ્ઞાન થઈ જાય એવો આશીર્વાદ આપો.
સંતપુરૂષે તેને સમજાવ્યો કે મૃત્યુની માહિતીમાં મજા નથી. પણ તેને માન્યું જ નહિ. ત્યારે તેમણે કહ્યું કે : ‘જા આજથી તને તારા મૃત્યુનું જ્ઞાન થઈ જશે.’
તેમના વચન પ્રમાણે તેને પોતાના મૃત્યુની માહિતી મળી ગઈ. પણ તેથી તો તે ધ્રૂજી ઊઠ્યો. તેનું મૃત્યુ અઠવાડિયાની અંદરઅંદર જ થવાનું હતું. તે તો રડવા માંડ્યો. જે આનંદથી તે જીવન જીવતો હતો તે આનંદ દૂર થઈ ગયો. ખાવાનું, ફરવાનું સુવાનું બધું તેને માટે અકારૂં પડ્યું. અત્યારથી જ મરી જવા જેવી તેની દશા થઈ ગઈ. બીજે જ દિવસે તે સંતની પાસે ગયો તેમનાં ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રૂજવા લાગ્યો. ધ્રુજવાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે મૃત્યુનું જ્ઞાન થયું ત્યારથી જ મારા હોશકોશ ઊડી ગયા છે. હવે તો એવી કૃપા કરી દો કે મૃત્યુનું મળેલું જ્ઞાન હું સંપૂર્ણપણે ભૂલી જાઉં, ને મૃત્યુ તો આવશે જ, પરંતુ વચ્ચેનો વખત હું શાંતિપૂર્વક પસાર કરી શકું. સંતપુરૂષે દયા કરીને તેને ફરી આશીર્વાદ આપ્યો ને તેનું દુઃખ દૂર કર્યું.
આની સામે પરીક્ષિતની વાત મૂકી શકાય તેમ છે. શમીક ઋષિના ગળે મરેલા સાપને વીંટાળીને તે જંગલમાંથી પાછો ફર્યો, ત્યારે ઋષિના પુત્રે તેને શાપ આપ્યો કે સાતમે દિવસે તક્ષક નાગના કરડવાથી તારું મૃત્યુ થશે. આ જાણીને પરિક્ષિતને શોક થયો. પણ તે સમજુ હતો. એટલે એ જ્ઞાનનો તેણે પોતાના હિતમાં ઉપયોગ કર્યો. શુકદેવની પાસેથી સાત દિવસ સુધી ભગવાનનાં ગુણગાન સાંભળીને તેણે શાંતિ મેળવી. છતાં પણ, એવા પ્રસંગ તો અપવાદરૂપે જ બનવાના. વધારે ભાગે તો મૃત્યુના જ્ઞાનથી માણસ મુંઝાઈ જવાનો. તેથી તે જ્ઞાન પર પડદો નાખીને પ્રભુએ ઠીક જ કર્યું છે, ને જેને કલ્યાણ કરવું છે, તે તો મૃત્યુના ચોક્કસ જ્ઞાન વિનાયે કરી શકે છે. મૃત્યુ છે, એ જ્ઞાન તો સૌને છે જ. એટલે તે જ્ઞાનનો ઉપયોગ માણસ જીવનના મંગલ માટે કરી શકે છે. આ સંસારમાંથી સૌએ વહેલું કે મોડું વિદાય થવાનું જ છે એ વાત યાદ રાખીને માણસ આજથી જ પોતાની હિતસાધનામાં લાગી શકે છે. આ જીવન આપણા પહેલાના જીવનનાં કર્મોનું ફળ છે. અનંત જન્મોથી આપણે કર્મો કર્યા કરીએ છીએ. એ કર્મોના સારાનરસા ફળને પણ ભોગવીએ છીએ. આ ચક્ર ચાલ્યા જ કરે છે. પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી જ આ ચક્રનો અંત આવી શકાશે.
- શ્રી યોગેશ્વરજી