Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઈશ્વરના અવતારને માટે પાંચ મહત્વનાં કારણ બતાવ્યાં છે. (૧) ધર્મની ગ્લાનિ (૨) અધર્મનું જોર (૩) સાધુ કે સજ્જનની રક્ષા (૪) દુષ્ટોનો નાશ ને (૫) ધર્મની સ્થાપના.  આ પાંચમાંથી ત્રીજું કારણ ઘણું મહત્વનું છે. આ પાંચ કારણને ટૂંકાવીને કહી શકાય કે ધર્મની સ્થાપના ને અધર્મીનો નાશ કરવા ને સજ્જન કે ભક્તજનની રક્ષા કરવા ભગવાન જન્મ લે છે કે પ્રગટે છે. એ બધાં કામમાંથી ભક્તોની રક્ષાનું એક જ કામ એવું ભારે છે કે જેને માટે ભગવાનને પોતાને વારંવાર અવતાર લેવો રહે કે પ્રકટવું પડે. ભગવાનની સાથે એકાકાર થઈ ગયેલા સંતોથી એ કામ પૂર્ણપણે નહીં થઈ શકે. પાંચ વરસના ધ્રુવજી મધુવનમાં તપ કરવા ગયા તેમને રસ્તામાં જ દેવર્ષિ નારદ મળ્યા પણ તેમના દર્શનથી તેમની ભૂખ ભાંગી નહિ, તેમનું અંતર ભગવાનના દર્શન માટે તલસતું હતું. તેથી નારદજીનો મંત્ર લઈને તે વનમાં તપ કરવા નીકળી પડ્યા. તેમના દિલમાં ભગવાનની કૃપા મેળવવાની જે લગની હતી તે ભગવાન વિના બીજા કોઈયે પદાર્થથી શમે તેમ ન હતી. આખરે તેમને શાંતિ આપવા ભગવાનને તેમની સામે પ્રકટવું પડ્યું. પ્રહલાદની રક્ષા કરવા પણ તેમને નૃસિંહરૂપ લેવું પડ્યું ને એવી રીતે કેટલીયવાર તે પ્રકટ થયા છે. તુકારામ ને નરસી તથા મીરાંના જીવનમાં તે વારંવાર પ્રકટ થયાં છે.

કદાચ ધર્મની સ્થાપના ને અધર્મીજનોના નાશનાં કામ કોઈ મહાપુરૂષો દ્વારા થઈ શકે, પણ વિરહની આગમાં જલી રહેલા ભક્તોની રક્ષા કરવાનું કામ ઈશ્વર વિના કોઈનાથી થઈ શકે તેમ નથી. ભક્તો ઈશ્વરને જોવા ઝંખે છે. ઈશ્વરને માટે પ્રાર્થે છે, પુકારે છે ને તલસે છે. ઈશ્વરને માટે તેમનું રોમેરોમ રુદન કરે છે. ઈશ્વરને માટે તપે છે ને કઠિનમાં કઠિન સંકટ સહે છે. ઈશ્વરના દર્શન વિના તેમને શાંતિ ક્યાંથી મળે ? ઈશ્વરે તેમને શાંતિ આપવા તેમની સામે પ્રકટ થવું જ પડે છે. તે નહિ પ્રકટે તો ભક્તોને ચેન નહિ પડે ને જીવન નહિ મળે માટે તેમણે પ્રકટ થવું જ પડે છે. તેમના દર્શનથી ભક્તો આનંદમાં આવી જાય છે ને જીવનની ધન્યતાનો અનુભવ કરે છે. તેમના દુઃખ દર્દ, દારિદ્રય ને બંધનોનો અંત આવે છે ને તે પ્રેમ, શાંતિ ને આનંદની મૂર્તિ બની રહે છે.

ઈશ્વર અવતાર લે છે. પણ સાધારણ માણસ કરતાં કેટલીક વાર જુદી જ રીતે પ્રકટે છે. કર્મોના બંધનથી તે મુક્ત રહે છે, તથા ઈચ્છાનુસાર પ્રકટી ને અદૃશ્ય થઈ શકે છે. તેમની શક્તિ અનંત હોય છે. સાધારણ માણસની પેઠે તે કર્મ કરતા દેખાય છે. ઘડીમાં હસે છે; તો ઘડીમાં રડે છે; ને સાધારણ માણસના જેવી ચેષ્ટા કરે છે. પણ પોતે પ્રકૃતિના સ્વામી હોવાથી, પ્રકૃતિના પ્રભાવ નીચે કદી પણ આવી શકતા નથી કે માયાની સત્તા પણ તેમના પર ચાલી શકતી નથી. અહંકાર, મમતા કે અવિદ્યાનો લેશ પણ અંશ તેમની અંદર હોતો નથી. તેમના કર્મો અલૌકિક હોય છે. તે તેમને બાંધી શકતાં નથી.

અવતાર સંબંધી વિચાર આપણે ત્યાં સારી પેઠે થયા છે, ને હજી પણ થતા જાય છે. સાધારણ માણસોને પણ એમાં રસ આવે છે. એકવાર અમે ગાડીમાં સફર કરતા હતા. જે ડબ્બામાં અમે બેઠા હતા તેમાં એક બીજા ભાઈ પણ હતા. તેમને ધર્મ ને ઈશ્વરમાં પ્રેમ હતો. કેટલીક વાતો થયા પછી તેમણે મને કહ્યું કે રામ ને કૃષ્ણ બંને અવતાર પરંતુ તેમનામાં ઘણો ભેદ છે. મેં પુછ્યું, કેવી રીતે ? તો તેમણે કહ્યું : જુઓને, શ્રીકૃષ્ણ ભગવાન પૂર્ણાવતાર કહેવાય છે, ને રામ મર્યાદા પુરૂષોત્તમ ગણાય છે. કૃષ્ણ ચંદ્રવંશના છે ને રામ સૂર્યવંશના. ચંદ્રની કલા ૧૬(સોળ) છે ને સૂર્યની ૧૨(બાર). એ પ્રમાણે રામ ને કૃષ્ણમાં ભેદ છે.

આપણે ત્યાં આવી દલીલો બહુ થાય છે. તે ભાઈએ બીજી પણ કેટલીક દલીલો કરી, ને તે વિશે મારો અભિપ્રાય પૂછ્યો તો મેં કહ્યું કે મને પોતાને ઈશ્વરના અવતારોમાં એવા મોટા–નાના ભેદ પાડવાનું બરાબર નથી લાગતું. અવતાર બધા ઈશ્વરના છે. પછી તેમની અંદર ભેદ ઊભો કરવો ઠીક નથી. આપણે ચંદ્રને ૧૬ કલાનો ને સૂર્યને ૧૨ કલાનો કહી ચંદ્રવંશી કૃષ્ણને સૂર્યવંશી રામ કરતાં શ્રેષ્ઠ કહીએ છીએ. પણ વૈજ્ઞાનિકો સુર્યમાંથી પૃથ્વીને ને પૃથ્વીમાંથી ચંદ્રને છૂટા પડેલાં કહે છે. તેમની દૃષ્ટિએ તો સૂર્ય વધારે શક્તિશાળી કહેવાય. એટલે મોટા કે નાનાની ચર્ચામાં ઊતરવું ઠીક નથી, ઈશ્વર સૌથી શ્રેષ્ઠ છે. તેના બધા જ અવતારો સરખા છે. કોઈની શક્તિ વધારે પ્રમાણમાં પ્રકટ થયેલી જણાય કે કોઈની ઓછા પ્રમાણમાં. શક્તિના પ્રાકટ્યનો આધાર સમય ને સંજોગો પર રહે છે. તેથી તેમની વચ્ચે પૂર્ણને ઓછા પૂર્ણની દિવાલ ઉભી કરવાની જરૂર નથી. ધારો કે બે માણસો કરોડપતિ હોય; તેમાંથી એક જાહેર કરી સખાવત કરે : ધર્મશાળા, કુવા, દવાખાના, પુસ્તકાલય વગેરે બંધાવે. તેથી તે જાહેર રીતે ધની ગણાય. બીજો માણસ જાહેર રીતે ધન ના વાપરે પણ ગુપ્ત રીતે દાન કરે કે સખાવત કરે તે જાહેર રીતે ધની ના ગણાય પણ તે ધની નથી કે ઓછો ધની છે એમ કોણ કહી શકે ? ધની બંને સરખા છે, ફક્ત ધન વાપરવાની પદ્ધતિમાં બંને જુદા પડે છે. તે પ્રમાણે રામ ને કૃષ્ણ બંને સરખા છે. કૃષ્ણે પોતાના શક્તિરૂપી ધનને છેક બાળપણથી જ ખુલ્લે હાથે ખરચ્યું છે, ને હેરત પમાડે તેવાં કામ કર્યા છે. પણ રામે મર્યાદાનો માર્ગ પસંદ કર્યો છે. શક્તિ ને નીતિ બંનેની મર્યાદા પારખીને તેમણે લીલા કરી છે. રાજા તરીકે, પુત્ર,પતિ ને ભાઈ તરીકે ધર્મના જ ઉચ્ચોચ્ચ નિયમો છે તેનું તેમણે પાલન કર્યું છે. માટે તે મર્યાદા પુરૂષોત્તમ કહેવાય છે. એ વાત ભૂલી જઈને તેમની ને કૃષ્ણની વચ્ચે મોટા નાનાનો ભેદ પાડવો એ કામ મારી સમજ પ્રમાણે સારું નથી.

- શ્રી યોગેશ્વરજી