કર્મ કરવા છતાં અકર્મનો આનંદ મળી શકે તે માટે એક બીજી કલા પણ જાણવાની જરૂર છે. એ કલા ફલમાં સમતા રાખવાની કલા છે. કર્મ કરવામાં વાંધો નથી, કર્મના ફલની ઈચ્છા રાખવામાં પણ વાંધો નથી, પણ જે ફલ મળે તેની અસરથી મુક્ત રહેતાં શીખવાનું છે. સાધારણ રીતે જોવામાં આવે છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ફલ મળતાં માણસ ઉન્માદમાં આવી જાય છે ને કેટલીકવાર અહંકારી થાય છે, ને ઈચ્છા પ્રમાણે ફલ ના મળે તો દુઃખી થાય છે. આ વસ્તુ સારી નથી. માણસે એવું મનોબળ કેળવવાનું છે કે જેથી કર્મના ફળથી ચંચલ ના બને. ઈચ્છા પ્રમાણે ફલ ના મળે તો પણ પુરૂષાર્થ મૂકી દઈ બે હાથ જોડીને બેસી જવાનું નથી. તે ઉપરાંત, જે ફલ મળે તેનો ઈશ્વરના ચરણોમાં અથવા ઈશ્વરને માટે ત્યાગ કરવાનો છે. ઈશ્વર ને ઈશ્વરના સંસારને માટે પોતાની બધી જ મિલ્કતનો ઉપયોગ કરવા તૈયાર રહેવાનું છે. આ પ્રમાણે કુશળતાપૂર્વક કર્મ કરવાથી કર્મ કરવા છતાં અકર્મનો આનંદ મળી શકશે, જાણે કૈં જ કરતા ના હો તેમ લાગવા માંડશે, ને કર્મ સહજરૂપે થયા કરશે. એટલે કર્મમાં અકર્મની દશા ભોગવવા માટે મુખ્યત્વે આટલી વસ્તુની જરૂર છે :
- કર્તાપણાના અભિમાનનો ત્યાગ કરવો.
- કર્મ પ્રભુ કરાવે છે એમ માનીને પ્રભુને અર્પણ કરવું, તથા પ્રભુ માટે કરવું ને
- ફલમાં સમતા રાખવી.
કર્મમાં અકર્મનું દર્શન કરવાની આ વાત ગીતાની પોતાની છે. ભગવાન અર્જુનને આ વાત સમજાવીને કહે છે કે તું કર્તાપણાના અહંકારમાંથી મુક્ત થા, ને હું કરાવું છું એમ માનીને કર્મ કર. આગળ પર આ વાતનો વિસ્તાર કરીને તે તો ત્યાં સુધી કહે છે કે જેનામાં અહંભાવ નથી, ને જેની બુદ્ધિ કર્મથી લેપાતી નથી, તે કદાચ આખા જગતનો નાશ કરી નાંખે તો પણ વાસ્તવમાં કોઈનો નાશ કરતો નથી, ને કર્મથી બંધાતો નથી. સંસારમાં રહીને કર્મ કરતાં પણ અકર્મી બનવાની આ કલાનો ઉપયોગ કરીને કોઈયે માણસ કર્મના બંધનથી મુક્ત બનીને પોતાના જીવનને સુખી બનાવી શકે છે. આ કલામાં નિષ્ણાત હોવાથી જ ભગવાન પોતે જુદાં જુદાં કર્મ કરે છે છતાં તેમાં બંધાતાં નથી.
આજે સાધુનું નામ સાંભળીને કેટલાક માણસોના મોં બગડી જાય છે. તેમને લાગે છે કે સાધુઓ આળસુ છે. તેમણે સમાજનું સત્યાનાશ વાળ્યું છે માટે તેમને ભિક્ષા આપવાનું બંધ કરવું જોઈએ. તેમને માટેના અન્નક્ષેત્રો પણ બંધ કરવાં જોઈએ. તેમને પલટનમાં ભરતી કરવા જોઈએ. નહિ તો ગોળીએ મારવા જોઈએ એવી પણ તે સલાહ આપે છે. આપણે સાધુસંસ્થાની વધારે પડતી વકીલાત કરવા માંગતા નથી; પણ તેના પર નકામો રોષ ઠાલવીને તેને નાબૂદ કરવાની પણ ભલામણ કરતા નથી. સાધુસંસ્થામાં દોષ હશે, ને છે. પણ દુનિયામાં દોષ ક્યાં નથી ? ગુણ ને દોષનું મિશ્રણ એ જ જગત છે. માટે સારો માર્ગ તો એ છે કે દોષ દૂર કરવાની ભલામણ કરો. કોશીશ કરો ને પદ્ધતિ બતાવો. પગે ગુમડું થયું હોય તેથી પગને કાપી નાંખવાની જરૂર નથી. ગુમડાને ઠીક કરો એ જ બરાબર છે. જરા વિચાર તો કરો કે સાધુ ક્યાંથી આવે છે ! તે કાંઈ આકાશમાંથી ઊતરી આવતા નથી. તે તો તમારામાંથી કે સમાજમાંથી જ આવે છે. તમે શું સંપૂર્ણપણે સારા છો ? તમારો સમાજ પણ શું અણિશુદ્ધ છે ? ત્યારે સાધુ પણ તમારા જેવા છે.
આ સમાજમાં એવા કેટલાંય માણસો છે જે બીજાનું કાંઈ જ હિત કરતાં નથી, પણ વધારામાં બૂરૂં કર્યા કરે છે. તેમને પણ ગોળીએ દેવાની ભલામણ કરવાની કોઈ હિંમત કરતું નથી. તો પછી સાધુઓને માટે તેવી ભલામણ શા માટે ? રોટલાનો ટુકડો તો તમે કુતરાં ને બિલાડાને પણ નાંખો છો. એટલો દયાધર્મ તો તમારો ધર્મ પણ શીખવે છે. તો પછી સાધુને કે માણસને રોટલો આપવામાં શી હરકત છે ? તમારી ઈચ્છા હોય તો આપો; નહિ તો ના આપો. તેમાં કોઈ પ્રકારની બળજબરી છે જ ક્યાં ? એટલે અન્નક્ષેત્રોને બંધ કરવાની સાહસવૃત્તિ અસ્થાને છે. વળી સાધુ આળસુ જ હોય છે એમ માની ના લેશો. કેટલાક માણસો બહારથી શાંત દેખાતાં હોય પણ અંદરથી મહાન ને સતત કર્મ કરી રહ્યાં હોય છે. તેમનું કર્મ આપણા કર્મ કરતાં જુદું હોય, બહુ દોડાદોડ વગરનું હોય, છતાં તે કર્મ કરતાં હોય છે. તેમને આળસુ માનીને મોં બગાડવાનું બરાબર નથી.
આપણા શરીરનો વિચાર કરો. ઉપરથી તે કેવું શાંત ને અકર્મી દેખાય છે ? તેને કોઈ કામ જ નથી એમ લાગે. પણ અંદરથી જુઓ તો કેટલું બધું કર્મ દેખાય છે ! કેટલી બધી રક્તવાહિનીઓ રક્તને વહાવતી તેમાં શોભી રહી છે ! જઠર ને ફેફસાંનું કામ રાતદિવસ ચાલ્યા જ કરે છે ! હૃદયને પણ એક પળનો આરામ ક્યાં છે ! લીંટ, પ્રસ્વેદ ને મળમૂત્ર નીકળ્યા જ કરે છે. વાળ પણ વધ્યે જ જાય છે. શરીરમાં પણ ફેરફાર થતો જાય છે. તે વધે છે, ને યુવાન ને વૃદ્ધ પણ બને છે. આખરે એક દિવસ તે કામ કરતું અટકી જાય છે. શરીરના સંચા રાતદિવસ કામ કર્યા જ કરે છે. અઠવાડિયામાં તો શું, પણ મહિનામાં એક દિવસની રજા પણ તે માગતા નથી. તેમના જેવા મૂંગા કર્મયોગી કે સેવક બીજા કોણ છે ? ઉપરઉપરથી જોનારને તેમની સેવાનો ખ્યાલ પણ ક્યાં આવે છે ?
મહાભારતના યુદ્ધની શરૂઆતનો વિચાર કરો. અર્જુનને શોક થયો છે, ધનુષબાણને મૂકી દઈને તે બેસી ગયો છે ને યુદ્ધ ના કરવા માટે દલીલો કર્યા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ રથમાં બેઠા છે. તે બહારથી શાંત છે, પણ તેમનાં મનમાં કેટલું બધું કર્મ ચાલી રહ્યું છે ! અર્જુનને કેવી રીતે સમજાવવો, ભીષ્મ, દ્રોણ ને કર્ણનો નાશ કરી પાંડવોને કેવી રીતે વિજય અપાવવો, એ વિચાર તેમના મનમાં સતત ચાલી રહ્યા છે !
એટલે સંસારમાં કોઈ અકર્મી નથી. શ્વાસ લેવો તે પણ કર્મ છે. તે પ્રમાણે જીવન હશે ત્યાં સુધી કર્મ ચાલુ જ રહેશે. કેટલીકવાર તે બહારથી દેખાય કે કેટલીકવાર ના દેખાય, કેટલીકવાર વિશાળ રૂપમાં કે કેટલીકવાર સાધારણ રૂપમાં થતું દેખાય, પણ કર્મ સદા થયા જ કરે છે. આ પ્રમાણે સમજવું તેનું નામ વિવેક. તે જ બુદ્ધિમાની. આ પ્રમાણે બહારથી અકર્મ જેવી દેખાતી દશામાં પણ કર્મનું દર્શન કરવાની જરૂર છે. ગીતાનો આ સંદેશ છે. તેને જીવનમાં ઉતારવાથી ઘણા કોયડા ઉકલી શકે, ને વિસંવાદ શમી જશે.
અકર્મમાં કર્મનું દર્શન કરવાનો બીજો અર્થ એ છે કે અહંકારથી રહિત થઈને પ્રભુપ્રીત્યર્થે કર્મ કરવાં ને એ રીતે થયેલાં સહજ કર્મોને જ કર્મ કહેવાં અથવા ઉત્તમ કર્મ માનવાં. આ બંને અર્થો સારા છે, ને લક્ષમાં લેવા જેવા છે. ગીતામાતા કહે છે કે બુદ્ધિમાન માણસે કર્મમાં અકર્મનું ને અકર્મમાં કર્મનું દર્શન કરવું. તે કથનને આ પ્રમાણે સમજી શકાશે.
- શ્રી યોગેશ્વરજી