યોગી કે સંન્યાસીની બીજી એક વિશેષતા કયી છે ? ગીતામાતા તે તરફ આપણું ધ્યાન દોરતાં કહે છે કે જે સંન્યાસી કે યોગી છે તે કાર્ય કર્મનો આશ્રય લે છે. આજ વાતને જો બીજી ભાષામાં કહીએ તો કહી શકાય કે જે કાર્ય કર્મને કરે છે, તે જ સંન્યાસી ને યોગી છે. કાર્ય કર્મ સિવાયના બીજા કર્મો સંન્યાસી છોડી દે છે. ત્યારે કર્મનો અર્થ શો છે તે જાણવું જોઈએ. કાર્ય કર્મ એટલે કરવા યોગ્ય કર્મ. માનવજીવન મેળવીને જે કર્મ કરવા જેવાં છે તે કર્મ. ત્યારે વળી પાછો પ્રશ્ન થાય છે કે માનવજીવન મેળવીને કરવા જેવું કર્મ કયું છે, અથવા તેવા કર્મ જો એકથી વધારે હોય તો તે કયા છે ? આ બાબત માટે બધાં શાસ્ત્રો ને સઘળા સંતો સહમત છે. તેઓ એક સૂર છોડતાં કહે છે કે માનવજીવન પરમાત્માની પ્રાપ્તિ કરીને મુક્તિ, પરમશાંતિ કે પૂર્ણતા મેળવવા માટે છે. બંધન, દુઃખ ને દર્દ દૂર કરવા માટે છે ને બીજાની સેવા સારું છે. માનવશરીર દ્વારા કરવા જેવું ખાસ કામ આ જ છે. આ જીવનનો સદુપયોગ કરવાની જરૂર છે. ને જીવન પૂરું થઈ જાય, આ ઉત્તમ ને મહામૂલ્યવાન શરીર છૂટી જાય, તે પહેલાં જીવનનાં આ ઉત્તમોત્તમ કામને કરી લેવાનું છે. બીજા બધાં જ કામને ગૌણ ગણીને આ પ્રધાન કામમાં મન પરોવવાનું ને લગનપૂર્વક લાગી જવાનું છે.
વિદ્યાર્થી સારો હોય તો તેને જાણવાની કેવી લગન હોય છે ! ને લોભી લોકોને વધારે ને વધારે ધન કમાવાની લગન પણ ઓછી નથી હોતી. ભારતમાં જ્યારે અંગ્રેજી સત્તા હતી, ત્યારે તે સત્તાનો અંત લાવવાની લગન દેશના કેટલાક નેતાઓમાં કેટલી ભારે હતી ! તેથીયે વધારે લગન આપણા જીવનમાં જે વિદેશી સત્તાનું શાસન ચાલી રહ્યું છે, તેનો અંત આણવા માટે હોવી જોઈએ. ને દેશની આઝાદી માટે આપણા નેતાઓ ને આપણી પ્રજાને જે કષ્ટો વેઠ્યાં ને ભોગો આપ્યા, તેથી પણ વધારે સંકટ સહન કરવા ને તેથી પણ વધારે પ્રમાણમાં કુરબાની કરવા આપણે તૈયાર રહેવું જોઈએ. પ્રખર પુરૂષાર્થી થઈને રાતદિવસ કામ કરવું જોઈએ, તો જ આપણે વિજયી બનીએ ને જીવનનું કરવા યોગ્ય સર્વોત્તમ કામ કરીએ. એટલે આપણે પૂર્ણપણે મુક્તિ મેળવીએ, ને આપણાં તન, મન ને અંતર આઝાદીના અનેરા આનંદથી ઉભરાઈ ઊઠે. આપણા જીવનમાં જે રાક્ષસી રાજ અથવા શયતાનનું શાસન છે, તેનો અંત આવે, ને રામરાજની સ્થાપના થાય. આનંદ, શાંતિ, સલામતિ ને સુખાકારીથી જીવન શોભી ઊઠે, ને સર્વ પ્રકારના ક્લેશ ને દુઃખદર્દનો અંત આવે. આ કામ કરવા માટે જ આપણું જીવન છે. સંસારના લગભગ બધા ઉત્તમ ધર્મો ને ડાહ્યા પુરૂષોનો એ અભિપ્રાય છે. આ કામ કરી લીધું તો જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ધન કમાયા નહિ તો જીવનનું મહત્વનું ધન ખોઈ નાખ્યું, ને નુકશાનમાં પડ્યા. આ કામને જ કરવા જેવું અથવા કાર્ય કર્મ કહેવામાં આવે છે ને ગીતાએ તે કરવાની ભલામણ કરી છે. દેવર્ષિ નારદે પોતાનાં ભક્તિસૂત્રોમાં કહ્યું કે સંસારમાં જન્મ લઈને માણસે પરમાત્મામાં જ પ્રીતિ કરવા જેવી છે, ને પરમાત્માની સંપૂર્ણ કૃપા મળે તે માટે પરમાત્માના પ્રેમી મહાપુરૂષોનો સંગ કરવા જેવો છે. શરીરધારણ કરીને કરવા જેવું મુખ્ય કામ આ જ છે.
- શ્રી યોગેશ્વરજી

