if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગમે તેટલા ભારે અધ્યયનથી, વિદ્વતા કે તર્કથી છેવટની શાંતિ મળી શકશે નહિ. છેવટની શાંતિને મેળવવા માટે તો અનુભવની દુનિયામાં ઉતરવું પડે છે, અથવા કહો કે સાધનામાં પ્રવેશ કરવો પડે છે. શાંતિ ને સુખનો સનાતન ખજાનો માણસની પોતાની અંદર છે. તેને મેળવવા પોતાની અંદર જ દૃષ્ટિપાત કરવો જોઈએ. એ ગીતામાતાની ને ભારતનાં બધાં ઉત્તમ શાસ્ત્રોની શિક્ષા છે. એટલે છઠ્ઠા અધ્યાયમાં ગીતામાતા આપણી સામે પોતાની અંદર ઉતરીને પરમ શાંતિ મેળવવાની વિધિની રજૂઆત કરે છે.

એકાંત સ્થાનમાં સત્વગુણી બનીને અનુકૂળ રીતે આસન પર બેસવું, ને પછી યોગ કે સાધનાની શરૂઆત કરવી. શાને માટે ? એકાંતમાં બેસીને જે સાધના યોગની શરૂઆત કરવાની છે, તેનો હેતુ શો છે ? પોતાની જાતની શુદ્ધિ. શુદ્ધિ ? હા શુદ્ધિ. જો કે યોગસાધનાની શરૂઆત કરતાં પહેલાં હૃદયની શુદ્ધિ તો કરવી જ પડે છે. પરંતુ યોગની આગળની સાધના તે શુદ્ધિને સંપૂર્ણ કરે છે. હૃદયની શુદ્ધિ સંપૂર્ણ ક્યારે થાય ? જ્યારે તેની અંદર પરમાત્માનું પ્રતિબિંબ દેખાય ત્યારે, પરમાત્માનું દર્શન થાય ત્યારે. દર્પણની પૂરી શુદ્ધિ ત્યારે જ થાય છે જ્યારે તેમાં આપણું સ્વરૂપ સુંદર રીતે દેખાઈ આવે છે. જો હૃદયશુદ્ધિ સંપૂર્ણ સધાઈ હોત, તો પરમાત્માનું દર્શન સહેલું ને સહજ બની જાત. એટલે પરમાત્માનું દર્શન ના થાય ત્યાં સુધી તે અધૂરી છે એમ જ માનવાનું છે ને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું છે. આ પ્રયાસ કે સાધનાને યોગ કહે છે. માટે જ ગીતા કહે છે કે યોગ પોતાની જાતની વિશુદ્ધિ માટે છે. योगमात्म विशुद्धये ।

સમુદ્રને તળિયે રહેલાં મોતીને શોધી કાઢવા ખલાસીઓ કેવી ભયંકર સાધના કરે છે ! આત્માનું મોતી તેથી પણ ભયંકર ને સતત સાધના માગી લે છે. તે મોતીને શોધવા માટે સાધકે પોતાની અંદર ને અંદર ઉતરવાનું છે. જ્યારે આત્માનું મોતી મળી જાય છે, ત્યારે યોગ પૂરો થાય છે, ને સાધનાનો અંત આવે છે.

યોગના સાધકે સાધના કરતી વખતે શરીર, મસ્તક ને ડોકને સીધાં રાખવા ને નાસિકાગ્ર દૃષ્ટિ કરીને સ્થિર રીતે બેસવાની ટેવ પાડવી. આ વાતની ચર્ચા કરતાં ઋષિકેશમાં એક વિદ્વાન સંન્યાસી મહારાજે મને કહ્યું કે આ પદ્ધતિથી મન સહેલાઈથી સ્થિર થઈ શકે છે. આંખને બંધ રાખવાથી ઊંઘ આવવાનો સંભવ રહે છે. આંખને અડધી ઉઘાડી રાખવાથી તેવો સંભવ પણ રહેતો નથી. પણ મને તે ખુલાસો બરાબર ના લાગ્યો. આંખને અર્ધી ઉઘાડી રાખીને સ્થિરતા રાખવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી. તે વાત જરાક જેટલો અનુભવ કરવાથી સહેજે સમજી શકાશે. જે સાકાર ભક્તો છે, તે તો શરૂઆતમાં ઉઘાડી આંખે પ્રભુની મૂર્તિ કે છબીને જુએ ને જપ તથા ધ્યાન કરે તે વધારે સારું છે. તેમ કરવાથી આનંદ ને એકાગ્રતાનો અનુભવ વધારે પ્રમાણમાં ને સરળતાથી થશે. બાકી જે જ્ઞાની ને યોગી છે તેમને માટે આંખ બંધ કરવાનું કે નાકના આગળના ભાગ તરફ જોવાનું એમ બે પ્રકારના વિધાન મળે છે, તેમાંથી પોતાને અનુકૂળ લાગે તેનો આધાર લઈને આગળ વધી શકાય છે. બાકી આંખને બંધ રાખીને સાધના કરવાની પદ્ધતિ કઠિન છે એમ માનવું ભૂલભરેલું છે. વધારે ભાગના સાધકોને તો તે જ સાધન વધારે સહેલું લાગે છે.

પરમાત્માના દર્શન માટે આ પ્રમાણે નિયમિત ને સતત સાધના કરવી જોઈએ. ધીરે ધીરે મન શાંત થતું જશે, ને સાધનામાં આનંદ આવશે. યોગશાસ્ત્રમાં કહેલી કુંડલિની પણ જાગૃત થશે ને ધ્યાનની દશા પાકી થશે તેમ બીજા અનેક અનુભવોની  પ્રાપ્તિ થશે. ધ્યાનની પાકી દશા પછી જે અનુભવો થાય છે, તેનું વર્ણન પાતંજલ યોગદર્શનમાં સારી પેઠે કરવામાં આવ્યું છે. તેમાં જ્યોતિદર્શન, સિદ્ધ પુરૂષોનાં દર્શન, પૂર્વજન્મનું જ્ઞાન તથા ભૂતભાવિના જ્ઞાનના અનુભવો ખાસ ઉલ્લેખનીય છે. એવા અનુભવોથી સાધકને આનંદ આવે છે. પણ તેવા અનુભવો સૌ કોઈને થાય છે જ એમ નથી. સાધકોના વ્યક્તિગત અનુભવો જુદા જુદા હોય છે. છતાં સાધનામાં એકાગ્રતા ને આનંદનો અનુભવ તો બધા જ સારા સાધકોને થાય છે.

ધ્યાનના લાંબા અભ્યાસથી ધીરે ધીરે મનનો લય થાય છે, ને સાધક સંસાર તથા શરીરના ભાનને તદ્દન ભૂલી જાય છે. સાધનાના સાચા આનંદની પ્રાપ્તિ યોગમાર્ગના સાધકને આ પછી જ થઈ શકે છે. આ દશાની પ્રાપ્તિ વિના યોગની સાધના હજી સાધારણ શરૂઆતની દશામાં છે એમ જ કહી શકાય. શરીરથી ઉપર જવાની દશા ખૂબ અલૌકિક છે ને લાંબા વખતની સાધના કર્યા પછી જ મળી શકે છે. તે દશાની પ્રાપ્તિ પછી જીવનમાં ઉલ્લાસ ફરી વળે છે, શાંતિ છવાઈ જાય છે, ને પરમાત્મારૂપી પરમ મોતી હાથ લાગે છે. જીવન ધન્ય બની જાય છે. પરમાત્માની અનુભૂતિ કરીને જેણે પરમશાંતિની પ્રાપ્તિ કરી લીધી, તેનું કુળ પાવન થયું ને તેની જનેતાનો જન્મ પણ સફળ થયો.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.