ભગવાન કહે છે કે હે અર્જુન, મારી પ્રકૃતિ બે જાતની છે. એક તો પરા ને બીજી અપરા. અથવા કહો કે એક સાધારણ ને બીજી અસાધારણ. અપરા અથવા સાધારણ પ્રકૃતિ આઠ પ્રકારની છે. (૧) પૃથ્વી (૨) પાણી (૩) પવન (૪) અગ્નિ (૫) આકાશ (૬) મન (૭) બુદ્ધિ ને (૮) અહંકાર. પરા અથવા અસાધારણ પ્રકૃતિમાં જીવનો સમાવેશ થાય છે. સંસારમાં જે છે તે બધા જ પદાર્થો આ બે જાતની પ્રકૃતિમાંથી બનેલા છે એમ કહો કે સંસાર ભગવાનની પ્રકૃતિમાંથી થયેલો છે એટલે ભગવાનનું સ્વરૂપ છે. એ જ ભાવમાં ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, મારા વિના આ સંસારમાં બીજું કાંઈ જ નથી. જેમ દોરમાં મણકા પરોવ્યા હોય, અથવા ફૂલ ગૂંથીને માળા બનાવી હોય, તેમ આ આખુંયે જગત મારી અંદર ગૂંથાયેલું, પરોવાયલું કે ઓતપ્રોત થયેલું છે. મારા વિના સંસારનું અસ્તિત્વ જ નથી. રસથી ભરેલા પદાર્થોમાં હું જ રસરૂપે રહેલો છું, ને સૂર્ય તથા ચંદ્રમાં, ગ્રહ ને નક્ષત્રમાં પ્રકાશરૂપે પણ હું જ રમી રહ્યો છું. વેદોમાં ૐકાર રૂપે પણ હું જ છું. સંસારમાં જે કાંઈ પવિત્ર, પ્રકાશમય કે રસમય છે, તે મારું જ સ્વરૂપ છે. પંખીના સ્વરમાં ને શિશુના શબ્દોમાં મારી જ મધુરતા રહેલી છે. વનસ્પતિ ને વૃક્ષોમા હું જ વિરાજી રહ્યો છું ને વિશાળ સાગર તથા સુંદર સરિતાના રૂપમાં હું જ મારા હૃદયને ખુલ્લું કરીને વહી રહ્યો છું.
ભગવાન વિના સંસારમાં કાંઈ જ નથી. જુદા જુદા પદાર્થોનું રૂપ લઈને એક ભગવાન જ પ્રગટ થઈ રહ્યા છે ને લીલા કરી રહ્યા છે એ વાતનો અનુભવ કરવાની જરૂર છે. ભગવાનના વિરાટ વિશ્વરૂપનું દર્શન કરવાનું છે. સંસારમાં બધે ઈશ્વર રહેલા છે, ને બધાં રૂપોમાં તે જ રમી રહ્યા છે, એવું જ્ઞાન થાય, ને તે પ્રમાણે અનુભવ કરાય, તો જીવન મંગલમય, પ્રેમમય ને આનંદમય બની જાય. એ અનુભવી દશા પર માણસે પહોંચવાનું છે એ દશા પર પહોંચેલા ઉપનિષદના ઋષિઓએ પોતાના અંતરના આનંદને શબ્દોમાં ઠાલવતાં કહ્યું છે કે સંસારમાં બધે આ અમૃતમય પરમાત્મા જ રહેલા છે. આગળ, પાછળ, ઉપર ને નીચે, જમણા તરફ ને ડાબી તરફ બધે તે પરમાત્માનો જ વાસ છે. પરમાત્મા બધે જ ફેલાયેલા છે, ઉત્તમ છે, ને સર્વશક્તિમાન પણ તે જ છે. કવિ દલપતરામે પોતાની સરલ, સાદી પણ સુંદર, સચોટ ને સુમધુર ભાષામાં ગાયું છે કે,
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ.
કવિ કહે છે કે ઈશ્વર વિના રજ જેટલી જગ્યા પણ ખાલી નથી. ખરું છે, બહાર તો શું પણ માણસની અંદર પણ તેવી ખાલી જગ્યા ક્યાં છે ? તનમાં, મનમાં, અંતરમાં ને રોમેરોમમાં ઈશ્વરનો વાસ છે. છતાં આવા વ્યાપક ને આટલાં બધા સમીપ રહેતા ઈશ્વરને ઓળખવામાં માણસ પાછો પડે છે ને કેટલીકવાર તેનો ઈન્કાર કરવા પણ તૈયાર થાય છે, એ શું ઓછી નવાઈની વાત છે ?
ઈશ્વરને જોવા માટે માણસે અજ્ઞાનના આવરણને દૂર કરવું જોઈએ, વિવેકને જગાવવો જોઈએ ને અંતરની આંખ ઉઘાડવી જોઈએ. તે આંખ ઉઘડે તો ઈશ્વર તેને પાસે જ દેખાય ને બધે તેમનો અનુભવ થાય. ગમે તેટલાં પુસ્તકો વાંચો, જપ ને તપ તથા યજ્ઞાદિ કરો, તીર્થોમાં ફરો, પંડિતોને પણ મહાત કરે તેવી મેઘા મેળવો. પણ અંતરની આંખ ઉઘડ્યા વિના ને ચરાચરમાં પ્રભુનું દર્શન થયા વિના સાધના ફળે નહિ; શાંતિ મળે નહિ, ને બંધન ટળે નહિ. જપ, ધ્યાન, યાત્રા, અભ્યાસ ને બીજી ક્રિયાઓથી કરવાનું કામ આ જ છે. તે બધી ક્રિયાઓની મદદથી અંતરની આંખ ઉઘાડવાની છે ને છેવટે ચરાચરમાં પ્રભુની ઝાંખી કરવાની છે. જેમની અંતરઆંખ ઉઘડી જાય છે તેમને પ્રભુની ઝાંખી થઈ જાય છે. શુકદેવની દશા આવી હતી. રાધા ને ગોપીઓની દશા પણ આવી હતી. તેમને સર્વત્ર પ્યારા પ્રભુનું દર્શન થતું.
આપણે પણ પ્રભુનું શરણ લઈને, સંતોના ચરણમાં ઢળીને, પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી આંખ આગળથી અજ્ઞાનના આવરણને હઠાવી દો, ને કૃપા કરી દો.
- શ્રી યોગેશ્વરજી

