માયાના રંગમાં રંગાવાનો પ્રસંગ આવે ત્યારે ભયભીત ના થવું. મોહ ને અજ્ઞાનથી દુર્બળ ના બનવું પણ તેનો સામનો કરવો. માયાની શક્તિ ભારે છે એ વાત સાચી છે પણ પરમાત્માની શક્તિ એથી પણ વધારે ભારે છે. તે સર્વશક્તિમાન પરમાત્મા તમારી અંદર ને બહાર બધે જ બેઠેલા છે. તેમનું અનુસંધાન સાધો એટલે માયાથી ડરવાનું કોઈ જ કારણ નહિ રહે. માણસે પોતાને ઘણો દુર્બળ માની લીધો છે. તેથી તે દીન ને હીન થઈને સંસારમાં ફરે છે. માયા તેના પર તેથી જ જોર ચલાવે છે. જ્યારે માણસ જાગી ઊઠશે, પોતાની શક્તિ ને પોતાના ગૌરવને ઓળખી લેશે, ને પોતે પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને, પોતાના શુદ્ધ, બુદ્ધ ને મુક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થશે, ત્યારે પરમાત્માની કૃપાથી માયા તેને કાંઈ જ નહિ કરી શકે.
એટલે હિંમત રાખો. આત્મશ્રદ્ધાને કેળવો ને મનોબળ પેદા કરો. કાયર ને ડરપોક તો કદાપિ ના બનશો. પ્રભુની શક્તિ પર વિશ્વાસ રાખી પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલો ને પ્રભુના પ્રેમી બની જાવ, પછી ચિંતા મટી જશે. નાવે પોતાનું સર્વ કાંઈ નાવિકને અર્પણ કર્યુ છે. નાવિકના હાથમાં તેણે પોતાના ભાવિ ને વર્તમાનને મૂકી દીધું છે. હવે તેને તરવાનો કે ડૂબવાને ક્યાં ભય છે ? નાવ તરે કે ડૂબે તેમાં લાભ કે નુકશાન નાવિકને છે, તે પ્રમાણે તમે પણ તમારૂં સર્વ કાંઈ સંસારના સૂત્રધાર ને નાવિકને સોંપી દો ને તમે પણ તેના જ થઈ જાવ. પછી તે તમારી ચિંતા કરશે ને તમારી જવાબદારી ઉપાડી લેશે. જીવનના આઘાત ને પ્રત્યાઘાતથી તે તમારી રક્ષા કરશે, ને તમને જરૂર સલામત રીતે પાર ઉતારશે. માટે જીવનના જંગમાં એક તેનો જ આધાર લો. બીજા બધા આધાર નકામા છે. જીવનની શાંતિ ને સલામતિ માટે જે ઈશ્વરનું શરણ લેશે, ને ઈશ્વર પર આધાર રાખી જીવન પસાર કરશે, તે જરૂર સુખી થશે.
ઈશ્વરનું શરણ લેનાર ને ઈશ્વરને પ્રેમ કરનારા પુરૂષોથી માયા સદા દૂર રહે છે. બીજા બધા જ માણસોને માયા મોહ પમાડે છે પણ ઈશ્વરના ભક્તો અથવા હરિજનોથી તે દૂર રહે છે. એટલે જ કહે છે કે ‘માયા સૌને મોહ પમાડે, હરિજનથી રહી હારી રે’. ઈશ્વરના દૂત જેવા સંતોની શક્તિ પણ ક્યાં ઓછી છે ? સંતો પ્રભુના પ્રતિનિધિ છે. પ્રભુની કૃપાના સાકાર સ્વરૂપ જેવા છે. જે તેમને શરણે જાય તે પણ સલામત ને સુખી થઈ જાય છે. તેમની કૃપા જેના પર થઈ જાય તે મોહ ને માયાથી મુક્ત બની જાય છે, ને બંધનથી પર થાય છે. કવિ ને સંત પ્રીતમદાસે લખ્યું છે કે સંત કૃપાથી છૂટે માયા. તે પ્રમાણે સંતોની સેવા કરો. સંતોનો સમાગમ કરો. સંતોના દર્શન માટે આતુર બનો ને સંતોની કૃપા માટે સદા તલસ્યા કરો. સંતોની સુવાસ ચંદનની સુવાસથી પણ ચઢે છે. તે સુવાસ જેને મળી જાય છે, તેને સંસારની ગંદકીનો ભય રહેતો નથી. સંતો સંસાર સાગરની પાર પહોંચ્યા છે. માયા પર તે શાસન ચલાવે છે. તેમના શરણમાં જનાર પણ તેમની કૃપા મેળવીને સંસાર સાગરને સહેલાઈથી તરી જશે, ને માયાનો સ્વામી બનશે.
- શ્રી યોગેશ્વરજી

