if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અંતઃકાળે માણસની દશા કેટલીકવાર ખૂબ કફોડી થઈ જાય છે. તે વખતે સગાંસંબંધી ને સ્નેહીજનો તેની આજુબાજુ વીંટળાઈ વળે છે. મરણના પડછાયા તેની આસપાસ ફરવા માંડે છે. મરણના વિચારથી તેને કંપારી છૂટે છે. જે દુનિયામાં તે આજ સુધી રહ્યો, ને અનેક જાતના ભોગો ભોગવ્યા, તે દુનિયા તેની નજર સામે તરવરે છે. તેને છોડીને જવાનો વખત આવ્યો એ વિચારથી તે થથરે છે. દુનિયામાંથી વિદાય લેવાનો વિચાર તેને ગમતો જ નથી. બહુ ઓછા માણસો એવા હોય છે જે શરીરને છોડવાનો વખત આવે ત્યારે તેને આનંદથી છોડે છે. બીજા માણસો તો મરણના વિચારથી જ મરણતોલ જેવા બની જાય છે. તેમના સાંધા ઢીલા પડી જાય છે. તેમને ભગવાનની યાદ આવે એ શું સહેલી વાત છે કે ? ભગવાનનું નામ લેતાં લેતાં શરીર છોડવાનું કામ તેમને માટે સહેલું છે કે ? અંતકાળે જો જીભ પર ભગવાનનું નામ આવી જાય ને હૃદયમાં ભગવાનનું ધ્યાન જામી જાય, તો માણસને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ગીતામાતાએ આ સહેલો ને સચોટ ઉપાય બતાવ્યો છે પણ માણસોથી તો તેવો સહેલો ઉપાય પણ અજમાવી શકાતો નથી. સંસારના રંગરાગ ને વિષયોમાં તે એટલા બધા ડૂબેલા છે કે મરણ વખતે પણ તેમની નજર સામે સંસારના વિષયો જ ઊભા રહે છે, ને તેમના મનને તેની અંદર લપટાવે છે. વિષયો વિના તેમને બીજું કાંઈ ગમતું જ નથી. વિષયોની જાળમાં અંતકાળે પણ જકડાઈ ના જવાય, ને ભગવાનમાં મનની વૃત્તિ જોડીને કૃતાર્થ થવાય, તે માટે સમજુ માણસો સદા સાવધ રહે છે, ને પ્રાર્થના તથા પ્રયાસ કરે છે. અંતરના ઊઁડાણમાંથી તે પોકાર કરે છે, ને ભગવાનની પાસે ભીખ માગે છે કે હે પ્રભુ ! અંતકાળે જ્યારે શરીર છોડવાનો વખત આવે, ત્યારે તમારૂં મધુર નામ લેતાં લેતાં શરીર છૂટે એવી કૃપા કરજો. ભક્તોના દિલના આવા આવા ભાવોને રજૂ કરનારું પેલું સુંદર ગીત પણ સારી પેઠે જાણીતું છે. તેમાં કહેવામાં આવ્યું છે, અથવા કહો કે ભગવાનને અરજ કરવામાં આવી છે કે,

ઈતના તો કરના સ્વામી, જબ પ્રાણ તનસે નિકલે,
ગોવિંદ નામ લેકર યહ પ્રાણ તનસે નિકલે.

અંતકાળે કોઈ સારા સ્થાનમાં રહેવાની ઈચ્છા પણ માણસને થાય છે. સારા સ્થાનમાં રહેવાથી ને શરીર છોડવાથી ઉત્તમ ગતિ મળી જાય છે એમ માનીને કેટલાક માણસો કાશી, પ્રયાગ, વૃંદાવન તથા હરિદ્વાર  જેવાં તીર્થ સ્થાનોમાં જાય છે, ને વસવાટ કરે છે. ભક્તે તે ભાવનાને પણ રજૂ કરી છે ને કહ્યું છે કે,

શ્રી વૃંદાવનકા સ્થલ હો ઔર જમનાજી કા તટ હો,
ઔર સાંવરા નિકટ હો, જબ પ્રાણ તનસે નિકલે.

પણ અંતકાળે ભગવાનમાં મન રહેવાનું કામ શું એટલું બધું સહેલું છે કે ? ગાવામાં ને ગાયેલું જીવવામાં કે અનુભવવામાં ઘણો ફેર છે. શાંતિ, સફળતા કે સિદ્ધિ કેવળ ગાવાથી નથી મળતી, પણ અનુભવવાથી મળે છે. આપણે કહીએ છીએ કે અન્ન તેવો ઓડકાર, તે કાંઈ ખોટું નથી. જેવું બીજ વાવશું તેવું લણી શકીશું. કોદરાને વાવીને કોઈ ઘઉંની આશા રાખે તો તેને શું ઘઉં મળી શકે ? તે પ્રમાણે મકાઈ વાવીને બાજરીની ઈચ્છા પણ ના રખાય. જીવનના સિદ્ધાંત ને માણસના પોતાના સ્વભાવનું પણ એવું છે. આખા જીવન દરમ્યાન જે વિચારો, ભાવો ને ભાષાનું રટણ કર્યું હોય તે જ ભાવ, વિચાર ને ભાષા અંતકાળે પણ હાજર થઈ જાય છે. જે માણસ આખાયે જીવન દરમ્યાન સંસારના વિષયોના રસમાં ફસાયલો રહે, તે જીવનની અંતકાળે એકદમ ભગવાનને યાદ કરી લેશે એમ માનવું ભૂલભરેલું છે. છતાં કેટલાક માણસો એ વાતને સમજતા નથી. તે કહે છે કે જીવનભર ધર્મનું આચરણ કરવાની ને પ્રભુનું નામ લેવાની શી જરૂર છે ? ગીતાએ તો સહેલો ઉપાય બતાવ્યો છે. તે પ્રમાણે આપણે હમણાં ભલેને લ્હેર કરીએ ને સંસારનો લ્હાવો લઈએ. અંતકાળ આવવા માંડશે એટલે સીધા વૈકુંઠમાં પહોંચી જઈશું. અંતકાળે ભગવાનના નામને જપવા માંડીશું એટલે ભગવાનના દરબારની ટિકિટ મળી જશે. મુક્તિ કે પરમપદનો પાસપોર્ટ તૈયાર થઈ જશે. કેટલાક વધારે ડાહ્યા મનાતા માણસો ડહાપણનો નમૂનો બતાવતા કહે છે કે અંતકાળે ભગવાનનું નામ લેવાનું ને ભગવાનમાં મન જોડવાનું કામ તો ઘણું જ સહેલું છે. અમે નામ નહિ લઈએ તો પણ વાંધો નથી. મરણ–પથારી પર પડ્યા હોઈશુ ત્યારે બીજા માણસો તો પ્રભુનું નામ લેશે ? તે સાંભળીને અમે પણ પ્રભુનું નામ લેવા માંડીશું એટલે ગીતાની શરત પૂરી થશે, ને અમારી સીધી સદ્ ગતિ થઈ જશે.

આ માણસો ગીતાના સગવડીયા ભાગનો જ વિચાર કરે છે. તેમને ખબર નથી કે મરણ વખતે પ્રભુનું નામ લેવાનું કામ એટલું સહેલું નથી. બીજા માણસો પ્રભુના નામનું કીર્તન કરે છે ને પાસે બેસીને સારી કથા કરે છે, છતાં મરણ પથારી પર પડેલો માણસ પોતાના જ વિચારમાં મસ્ત રહે છે. કથા ને કીર્તનની તેના પર કાંઈ જ અસર થતી નથી. જે માણસે જીવનભર પ્રભુનું નામ લીધું હોય, તે જ માણસને છેવટની ઘડીએ પ્રભુની યાદ આવી શકે છે. માટે તો ગીતામાતા કહે છે કે જીવનમાં જે ભાવો ને વિચારોનું રટણ કર્યું હોય તે જ ભાવો ને વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે છે. માટે જીવનની પ્રત્યેક પળે પ્રભુનામ લેવાની ટેવ પાડવી જોઈએ. પ્રભુની યાદ ચાલુ રાખવા ને પ્રભુમાં પ્રેમ કરવા તૈયાર રહેવું જોઈએ. પ્રભુની યાદ કાંઈ યાંત્રિક રીતે લેવાની નથી. 'મુખમેં રામ ને બગલમેં છૂરી'ની નીતિ કાયમ રાખીને પ્રભુનું નામ લેવાનું નથી. બહારથી ભગતનો ડોળ કરીને અંદરખાનેથી સંસારના વિષયોને પ્રાણપ્યારા માની તેમનું સેવન કરવાનું નથી. એવી નીતિ ને એવું સેવન સદાયે પ્રાણઘાતક નીવડશે, તેનું આખરી પરીણામ ઘણું ખરાબ આવશે. બહારથી ટીલાંટપકાં, માળા, સેવાપૂજા ને કીર્તન જેવો ભક્તિનો સ્વાંગ સજ્યો હોવા છતાં મન જો વિષયોની જ રમત રમતું હશે તો અંતકાળે વિષયો આંખ આગળ ઊભા રહશે, ને ભક્તિનો અભિનય નકામો થઈ પડશે કે પોકળ સાબિત થશે. એટલે ભક્તિનો ખોટો અભિનય પણ છોડી દેવો જોઈએ ને મન પ્રભુમાં લગાડવું જોઈએ. તો જ જીવન સફળ થાય. જીવનભરના પુરૂષાર્થ ને સાચા પુરૂષાર્થ વિના આ કેવી રીતે બની શકે ?

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.