Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાનની કૃપાના પ્રસંગો સાધકોના જીવનમાં વધારે કે ઓછા પ્રમાણમાં બન્યા જ કરે છે. પ્રભુનું સ્મરણ મનન કરનારને તેનો અનુભવ થઈ શકે છે. માટે પ્રેમપૂર્વક પ્રભુસ્મરણ કરો ને પ્રભુના પ્રેમી બનો. તમે તમારૂં કામ કરો, એટલે કે પ્રભુસ્મરણ કરો. આગળનું કામ પ્રભુ પોતે સંભાળી લેશે. તે તમારો વાળ પણ વાંકો થવા નહિ દે.

આ બધી વાતનો અર્થ એવો નથી કે માણસે કંઈ જ ના કરવું ને હાથપગ જોડીને બેસી રહેવું. ના એવું સમજવામાં ભૂલ છે. માણસની અંદર લાગણી ને વિવેક છે, ત્યાં સુધી તેણે સાવધ રહીને પોતાની સંભાળ રાખવી જોઈએ. છતાં સાધારણ માણસ પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખે, ને તેની કૃપાથી બધું આવી મળે છે એમ સમજે, તો તેને લાભ થશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખીને ઈશ્વરને પોતાના રક્ષક માનીને, તેણે કામકાજ કરતા રહેવું જોઈએ. જેમને ઈશ્વરનાં ચરણોમાં પરમ પ્રેમ છે, તેમની વાત જુદી છે. તે તો રાતદિવસ ઈશ્વરનાં સ્મરણ ને રટણમાં મગ્ન રહે છે. ઈશ્વર વિના તેમને કોઈ આધાર નથી. ઈશ્વર વિના તેમનું પ્રેમપાત્ર સંસારમાં બીજું કોઈ નથી. તેમણે પોતાનો બધો ભાર ઈશ્વરને સોંપ્યો હોય છે. ઈશ્વરની કૃપાના ચાતક બનીને તે જીવન પસાર કરે છે. તેમના જીવનની રક્ષા કરવાનું કામ પણ ઈશ્વર જ કરે છે.

ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા સદાય તૈયાર રહે છે. છતાં આપણે તેમની ભક્તિ કરતા નથી, ને તેમનું શરણ લેતા નથી એ આશ્ચર્ય છે. ભગવાનનું શરણ લેવાથી આપણે નિર્ભય બની જઈએ ને ચિંતારહિત થઈએ. લાંબે વખતે તેમનું દર્શન કરીને કૃતાર્થ પણ બની શકીએ. છતાં આવા સર્વ પ્રકારે કલ્યાણ કરનારા ભગવાનને ભૂલીને આપણે રાત દિવસ સંસારમાં ફર્યા કરીએ છીએ ને દુઃખ તથા દરિદ્રના ભોગ બનીએ છીએ તે ખરેખર આશ્ચર્ય છે. માણસો બેડીથી બંધાયેલા છે. બેડીના બંધનમાંથી છૂટવાનો ઉપાય પણ તેમને બતાવવામાં આવે છે. તે ઉપાયને અજમાવવાથી તે કાયમને માટે સુખી થઈ શકે તેમ છે છતાં પણ તે ઉપાય કરતાં નથી, ને જીવનનાં જીવન સુધી બંધાયેલા જ રહે છે, એ આશ્ચર્ય જ છે. સમજુ માણસોએ તો બંધનને તોડવાનો ઉપાય અજમાવવો જોઈએ.

જુઓને, પ્રભુની દયા કેવી અપાર છે ! બાળકના જન્મ પહેલાં જ માતાના શરીરમાં તેની દયાથી દૂધ પ્રગટ થાય છે. હાડકાં ને માંસની વચ્ચે થનારી આ દૂધની રચના કેટલી અજબ છે ! સંસારની કોઈયે રચના સાથે તેની સરખામણી થઈ શકે તેમ છે ? અથવા તો સંસારનાં કોઈયે માનવીથી તેવી રચના થઈ શકે તેમ છે ? કોશેટામાં રહેનારા કીડાનો વિચાર તો કરો. તેને ખોરાક પૂરો પાડનારી શક્તિ કેટલી બધી શક્તિશાળી હશે ? કીડીને કણ ને હાથીને મણ આપનાર ઈશ્વર તેનું પોષણ કરે છે. જલમાં ને વાયુમંડળમાં વસનાર હજારો જીવોને જીવન આપનાર તે જ છે, છતાં માણસ તે વિરાટ શક્તિને ભૂલી જાય છે તે આશ્ચર્ય છે. તેથી જ તે દુઃખી થાય છે, ને અશાંતિનો ઈજારો લઈને ફરે છે. એ દશામાંથી મુક્ત થવા માટે તેણે ઈશ્વરને પ્રેમ કરવાની જરૂર છે. ઈશ્વરના સતત સ્મરણમાં લાગી જવાની જરૂર છે. કીડી ખૂબ નાની છે. પણ તેનો પુરૂષાર્થ કેટલો બધો ભારે છે ! જમીન પર થઈને તે ઝડપથી દોડી જાય છે. તેને જરા ઊભા રહેવાનું કહો તો શું તે ઊભી રહેશે કે ? ના, તે તો પોતાના કામમાં રત છે. આળસુ થઈને વખત ખોવાનું તેને પાલવે તેમ નથી. તમે પણ તેવી રીતે પુરૂષાર્થી બનો ને ઈશ્વર સ્મરણમાં સતત રીતે લાગી જાવ તો સુખી બનશો. ભગવાનને ભૂલવાથી આ સંસારમાં કોઈ સુખી થઈ શક્યું હોય તો કહી બતાવો. ભગવાનને ભૂલવાથી કોઈને બંધનમાંથી મુક્તિ મળી હોય, ને પૂર્ણતા સાંપડી હોય તો કહી બતાવો. ભગવાનને ભૂલવાથી જીવનમાં કોઈને ઉત્તમ ગતિ મળી શકી નથી. એ વાત યાદ રાખો, ભગવાનને નિરંતર રટવાનું વ્રત લઈ લો. આ શરીરને ભગવાન ને ભગવાનના સ્વરૂપ જેવા સંસારની સેવા માટે વાપરવા સંકલ્પ કરી લો. આ સુંદર સંસારમાં શ્વાસોશ્વાસ લેવાનું મળ્યું છે, તે પુરૂં થાય તે પહેલાં જીવનનું મંગલ કરી લો.

- શ્રી યોગેશ્વરજી