if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્ત્રી, વૈશ્ય, ને શુદ્ર પણ ઈશ્વરની કૃપાના અધિકારી થઈ શકે છે, તો પછી બ્રાહ્મણનું તો કહેવું જ શું ? જે દુરાચારી ને પાપી છે તે પણ ઈશ્વરનું શરણ લઈને ધન્ય બની જાય છે, તો પછી સદાચારી ને સજ્જનનું તો કહેવું જ શું ? તેમને તો ઈશ્વરની કૃપા મળે જ એમાં શંકા શી ? એટલે ઈશ્વરની કૃપા મેળવવા માટે સૌ કોઈ સ્વતંત્ર છે. ઈશ્વરનું દર્શન કરવાનો અધિકાર બધાને છે. આજે તો વધારે ભાગના માણસો પોતાનો આ જન્મજાત અધિકાર ભૂલ્યા છે. માનવ શરીર મેળવીને તે ન કરવાના કામ કરે છે. આ વસ્તુ બરાબર નથી. માણસે વહેલામાં વહેલી તકે ચેતવું જોઈએ, ને ઈશ્વરનું શરણ લેવું જોઈએ. ઈશ્વરની કૃપા માટે તલપાપડ બનવું જોઈએ.

સંસાર ચલાયમાન છે. વળી દુઃખમય પણ છે. તેની અંદર વસતા જીવો જુદી જુદી જાતના દુઃખો ભોગવી રહ્યા છે. અશાંતિની હોળી લગભગ બધા જીવોના જીવનમાં જલી રહી છે. આપણે જે ઉજવીએ છીએ તે હોળી તો વરસમાં એક જ વાર આવે છે. પરંતુ વગર લાકડાં ને વગર અંગારે સળગનારી આ અશાંતિની હોળી તો જુઓ. તે તો દિવસ ને રાત, પ્રત્યેક પળે સળગ્યા જ કરે છે. તેને શાંત કરવા માટે પ્રત્યેક પ્રાણી તલસ્યા કરે છે ને ઝંખે છે. પણ શાંતિ કેવળ તલસવા કે ઝંખવાથી થાય ખરી ? તે માટે તો પ્રભુના પ્રેમરસમાં ન્હાવું જોઈએ, પ્રભુની સાથે એકાકાર બનવું જોઈએ. તેમજ ધર્મ ને નીતિના માર્ગ પર ચાલવું જોઈએ પ્રભુ પોતે પરમ સુખ ને શાંતિના ભંડારરૂપ છે. એટલે તેમની પાસે પહોંચનારને પરમસુખ ને શાંતિ સહેજે મળી જાય છે. માટે જ ભગવાન કહે છે કે મને ભજ. એ શબ્દોમાં ભગવાનના લાંબા ઉપદેશનો સાર સમાઈ જાય છે.

એની સાથે સાથે ભગવાન એક બીજી ગુહ્ય વાત કહી દે છે. નવમા અધ્યાયમાં જ નહિ પરંતુ આખી ગીતાના સારરૂપ એ વાત ઘણી ઉપયોગી છે. ભગવાન કહે છે કે, હે અર્જુન, તું મારામાં મનવાળો થા ને મારો ભક્ત થા. જીવનને યજ્ઞમય કરી દે ને સૌમાં મારી ઝાંખી કરીને મને નમસ્કાર કર. આ પ્રમાણે મારા પરાયણ બન. તન, મન ને અંતરને મારામાં જોડી દે. તો તું મને મેળવી લેશે એમાં શંકા નહિ.

ભગવાનના આ શબ્દોને યાદ રાખીને જીવનને વહેલામાં વહેલી તકે યજ્ઞમય કરી દો. ભગવાન પ્રાપ્તિ માટે તેને તૈયાર કરી દો. ભગવાન વિના મનને કૈં ગમે જ નહિ એવી ટેવ પાડી દો. ગોપીઓ સંસારમાં કામ કરતી, પણ તેમનું મન નિરંતર ભગવાનમાં રહેતું. તમારી દશા પણ એવી જ કરી દો.  ભગવાનના સાચા સેવક ને પ્રેમી ભક્ત બની જાવ. ભગવાનનું દર્શન કરવા ને ભગવાન સાથે વાતો કરવા આતુર થાવ. ભગવાનની પ્રેમસુધામાં સદાને માટે સ્નાન કર્યા કરો. એમ કરવાથી તમે પણ મહાત્મા ને ધર્માત્મા બની જશો, તથા ભગવાનની કૃપા પામી શકશો.

પ્રભુના પ્રેમના ફુવારાને હૃદયમાં ઉડતો કરી દો. પ્રેમના પ્રભાવથી હૃદય પ્રભુ માટે રોતું થઈ જાય, મન સતત પ્રભુની ઝંખના કર્યા કરે, પ્રભુનું રટણ કર્યા કરે એવું કરી દો. સંસારના વિષયોને ભજવાનું મૂકી દઈને, સંસારની મોહમાયાથી અલિપ્ત થઈને પ્રભુને જ ભજવા માંડો. સંસારમાં સઘળા સ્થળે એક પ્રભુની જ ઝાંખી કરો. હૃદયને પવિત્ર કરો; મનને નિર્મળ ને સ્થિર કરી ને તેને પ્રભુના પ્રેમપ્રકાશથી ભરી દો. આટલી તૈયારી કરશો તો પ્રભુનું દર્શન દૂર નહિ રહે. ચરાચરમાં પ્રભુના વિરાટ સ્વરૂપની ઝાંખી થશે ને જીવન ધન્ય બનશે. જન્મમરણના ચક્રમાંથી ને દુઃખ, દર્દ કે ક્લેશમાંથી છૂટવાનો બીજો કોઈ જ માર્ગ નથી. પરમાત્માના દર્શન માટે તલપાપડ બનો તથા સાધના કરો. પરમાત્માની પ્રાપ્તિ કરીને આ જીવન દ્વારા જ ધન્ય થઈ શકાય છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.