Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વડોદરા.
તા. ૧૫ જુલાઈ, ૧૯૪૦

વહાલા ભાઈ,

પ્રાણાયામ વિષે પૂછો છો તે સારું છે. હું જે રીતે પ્રાણાયામ કરું છું તે જણાવું છું. પહેલાં તો જમણે અંગુઠે જમણું નાક દબાવી, ડાબે નાકેથી શ્વાસ ચઢાવવો; તે વખતે ૐ ભૂઃ ૐ ભૂવઃ એ મંત્ર એક વાર બોલવો. પછી બેઉ નાક દબાવવાં - શ્વાસ રુંધવો ને એ જ મંત્ર ચાર વાર બોલવો. ત્યાર પછી ડાબું નાક બંધ કરી, જમણા નાકમાંથી શ્વાસ કાઢી નાખવો ને તે સમયે પેલો મંત્ર બે વાર બોલવો. શ્વાસ લેવાની ને કાઢવાની ક્રિયા જેમ ધીરે થાય તેમ સારું. આ અર્ધ પ્રાણાયામ થયો કહેવાય. તે પછીથી ડાબું નાક બંઘ કરી જમણા નાકથી શ્વાસ લેવો. તે વખતે મંત્ર એક વાર બોલવો. પછી બંને નાકને બંધ કરી ચાર વાર મંત્ર બોલવો. ને છેલ્લે જમણું નાક બંધ કરી ડાબે નાકેથી શ્વાસ ઉતારતા બે વાર મંત્રોચ્ચાર કરવો. આમ એક પ્રાણાયામ થાય. પ્રાણાયામને અંતે આંખ અર્ધી મિનિટ કે મિનિટ મીંચેલી રાખવી, ને પછી ઉઘાડતી વખતે હાથને પહોળા કરી સોહમ્ ભાવ પ્રકટાવવો.

પણ શરૂઆતમાં આમ ન પણ થાય. એવે વખતે ક્રિયા તો ઉપર્યુક્ત કરવી; પણ એક, ચાર ને બે વાર મંત્ર બોલવાને બદલે ૮, ૩૨ ને ૧૬ ઓહમ્ બોલવા.

ઉષા સમયે, મધ્યાહને, સંધ્યા સમયે ને મધરાતે પ્રાણાયામ અનુકૂળ આવે છે. પ્રાણાયામથી ધ્યાન માટેની ભૂમિકા જલદી થાય છે, કારણ કે ધ્યાનમાં પણ શ્વાસને રુંધવાનો જ હોય છે. મેં આજે રાતે ૪ વાગે બે પ્રાણાયામ કર્યા હતા.

તે ઉપરાંત ઉષઃકાલે ઉઠીને મોં ધોઈ, તાંબાના વાસણમાંનું શેરેક પાણી પીવાથી મળ સારો થાય છે. નાકે પાણી પીવાથી આંખ સુંદર થાય છે.

ક્યારે ઊઠો છો ? ક્યારે સૂઓ છો ? શીર્ષાસન કરો છો ?

અત્યારે હું કામાટિબાગમાં છું. આકાશ વર્ષાનાં વાદળવાળું છે. કાલે ને પરમ દિવસે અહીં વરસાદ બરાબર પડેલો. ગઈ કાલે સાંજે તો બહુ મઝા પડી. એટલી બધી કે એ જોઈને સંધ્યા પણ આકાશના આવાસમાં બેસી રહી. હું મનુભાઈ સાથે દૂર જંગલ જેવા સ્થાનમાં ગયેલો. એક તળાવ પાસે બેઠેલો. વાદળ તો એટલા બધા ખેલ કરે ને વેશ બદલે કે આંખ ત્યાં જ ઠરી રહે.

રોજનીશીમાં વિચારો લખવાનું ચાલુ રાખશો.

નિરાશ ના થશો. કોઈ પણ પ્રસંગ-'મા' જે આપણી આગળ મૂકે તેથી નિરાશ ના થશો. મારે અનેક અનુભવમાંથી પસાર થવું પડ્યું છે-પડે છે પણ મને તે અસર કરી શકતા નથી. 'મા'ની કૃપા છે. મુશ્કેલ પ્રસંગોમાં પણ સ્મિતને રેલતાં રેલતાં આપણે માર્ગ કાઢીએ ને સૌથી આગળ જઈને ઊભા રહીએ ત્યારે જ આપણી શક્તિ સાર્થક કહેવાય. આપણે નિરાશ થવાનું શું કારણ છે ? આપણે કોણ છીએ ? આપણે તો સૃષ્ટિના વિધાયક છીએ; વિધિના વિધાતા છીએ. આપણે તો અનંતાનંદ છીએ. આપણને નિરાશા હોય જ નહિં.