ઈશાવાસ્ય ઉપનિષદ

Verse 01

ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥१॥

om isa vasyamidam sarvam yatkincha jagatyam jagat ।
tena tyaktena bhunjitha ma grdhah kasyasviddhanam ॥ 1॥

ચરાચર જગત જે કૈં છે આ, ઈશ્વર તેમાં વ્યાપક છે;
ત્યાગભાવથી ભોગવ તેને, તેમાં ના આસક્ત થજે. ॥૧॥

અર્થઃ

જગત્યામ - સમસ્ત જગતમાં
યત્ કિં ચ - જે કાંઇ પણ
જગત્ - જડ ચેતનાત્મક જગત છે
ઇદમ્ - આ
સર્વમ્ - સઘળું
ઇશ - ઇશ્વર(થી)
આવાસ્યમ્ - વ્યાપ્ત છે
તેન - એ ઇશ્વરને સાથે રાખીને
ત્યક્તેન - ત્યાગપૂર્વક, ત્યાગભાવે
ભુંજીથાઃ - (આને) ભોગવતાં રહો
મા ગૃધઃ - (આમાં) આસક્તિ ના કરો (કેમ કે)
ધનમ્ - ધન અથવા ભોગ્ય પદાર્થ
કસ્ય સ્વિત્ - કોનો છે, અર્થાત્ કોઇનો પણ નથી

ભાવાર્થઃ

ઇશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર એની અસાધારણ ભાવમયતા, અર્થઘનતા અને અસરકારકતાને લીધે સવિશેષ નોંધપાત્ર છે. એમાં સમાયેલો સંદેશ જીવનને માટેનો અને જીવનોપયોગી છે. એ સંદેશ વર્તમાન માનવજીવન અને જગતથી છૂટાછેડા લેવાની વાત નથી કરતો, જીવન કે જગતને અભિશાપરૂપ માનવાનું કે ધિક્કારવાનું નથી શીખવતો, જીવનને એક અશાંતિજનક અસહ્ય બોજો નથી માનતો, અને જીવન તથા જગતનો સંબધવિચ્છેદ કરીને એમના પરિત્યાગની પ્રેરણા નથી પૂરી પાડતો. એની સાથે જીવન અને જગતની મોહવૃતિ અથવા આંધળી આસક્તિનો પાઠ પણ નથી શીખવતો. જીવન અને જગતનો તિરસ્કાર ઉચિત નથી તેમ રાગ પણ નકામો છે.  જીવન ઇશ્વરનો અમૂલખ ઉપહાર છે અને સંસાર એમનું સરસ સવિશિષ્ટ સુધામય સર્જન. એ બંનેની સાથે આપણો એક અથવા બીજા કારણે સંબધ થયેલો જ છે તો તેમની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એમનો લાભ લઇને આત્મવિકાસને માર્ગે આગળ વધવાની આવશ્યકતા છે. એને માટે વિવેકપૂર્વક જીવવાની કળામાં કુશળ થવું જોઇએ.

આપણે ત્યાં જુદીજુદી જાતના કેટલાય યોગો પ્રચલિત છે. હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, કુંડલિનીયોગ, મંત્રયોગ, નાદાનુસંધાનયોગ - એ બધા નામો આપણે સાંભળ્યા છે, પરંતુ જીવનનું કલ્યાણ કરનારો, જીવન જીવવાની કળા શીખવનારો અને જીવનને જ્યોતિર્મય બનાવવાની શક્યતાવાળો એક બીજો યોગ છે. એને જીવનયોગ કહી શકાય. એના નામથી આપણે પરંપરાગત રીતે પરિચિત ના હોઇએ અથવા ધર્મગ્રંથોમાં એનું નામ ના મળતું હોય તોપણ જીવનયોગ એક અત્યંત અગત્યનો યોગ છે અને એની આવશ્યકતા સૌ કોઇને છે. એ યોગ બીજા પરંપરાગત પ્રવર્તમાન યોગો કરતાં લેશ પણ ઉતરતો નથી. એ યોગની જરૂરી સમજ ના હોવાને લીધે જ જીવન બોજારૂપ બની જાય છે, અમંગલ અથવા અવજ્ઞાકારક થાય છે, અને એનો વિશિષ્ટ લાભ નથી મળતો. મોટા ભાગનાં મનુષ્યો જીવન જીવે છે ખરાં પરંતુ જીવનયોગથી અનભિજ્ઞ રહીને. પરિણામે જીવન એમને માટે ને બીજાને માટે દુઃખદ બની જાય છે. એ સુખદ તથા સર્વમંગલનું સાધન નથી બની શકતું. એનો સુયોગ્ય સર્વાંગીણ વિકાસ નથી થતો. આ શ્લોકમાં જીવનને જ્યોતિર્મય કરનારા, સુખ-શાંતિ-સમુન્નતિથી સંપન્ન બનાવનારા એ જીવનયોગનું સંક્ષિપ્ત છતાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. એને સમજીને એનો સમુચિત આશ્રય લેવામાં આવે તો જીવનમાં આજે જે જડત્વ, નીરસતા, અસ્વસ્થતા, વિસંવાદિતા તથા કલેશકારકતા દેખાય છે તે દૂર થાય અને અવનવી ચેતના તથા પ્રસન્નતા ફરી વળે. માનવ આજે અસંતુષ્ટ, અશાંત અને દુઃખી છે અને બીજાને દુઃખી કરી રહ્યો છે એનું એક મોટામાં મોટું કારણ એ પણ છે કે એની પાસે જીવન જીવવાની આદર્શ ઉદાત્ત દ્રષ્ટિ નથી અને વિશદ વિશાળ વૃતિ નથી. એ ઉભયનો અભાવ મોટેભાગે એને સાલતો નથી. એને બદલે એ ઉભયથી એ સંપન્ન થાય તો એની અને બીજાની કેટલીય સમસ્યાઓ ટળી જાય અથવા એમનું સુખદ સમાધાન થાય. એ સંદર્ભમાં વિચારતાં ઉપનિષદમાં આ શ્લોકનું મહત્વ ઘણું મોટું છે.

જીવન જીવવાની કિમતી કળા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અહીં કહેવામાં આવે છે કે तेन त्यक्तेन भुञ्जीथाः । સંસારમાં જે કાંઇ છે, જે કાંઇ દેખાય છે કે અનુભવાય છે તેને ત્યાગભાવથી ભોગવતા રહો. ઋષિએ ભોગવવાની ના કહી, જીવન અને જગતથી દૂર નાસી જવાનું નથી જણાવ્યું, પરંતુ ત્યાગભાવે ભોગવવાની પ્રેરણા પૂરી પાડી છે. ત્યાગભાવે ભોગવવું એટલે ? એક રાગભાવે ભોગવવાનું હોય છે અને બીજું ત્યાગભાવે. બંનેમાં આભજમીનનો, ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલો તફાવત હોય છે. રાગભાવથી ભોગવવામાં અહંતા, મમતા, મોહવૃતિ, વિષયાસક્તિ, સ્વાર્થભાવના અને એ સૌની મૂળ માતા અવિદ્યા હોય છે. એવા ઉપભોગમાં ઘેન ચઢે છે ને ભાન ભૂલાય છે. એમાં માનવ પોતાનો જ વિચાર કરે છે ને પોતાને જ મહત્વનો માને છે. એને માટે બીજું બધું જ ગૌણ બની જાય છે. એ પોતાની જ સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સમુન્નતિના જપ જપે છે. એને માટે બીજાને સોસવું પડે તોપણ એને એ નથી સાલતું. એવા માનવો અવનીમાં આતંક ફેલાવે છે અને અશાંતિ તથા અવ્યવસ્થા ઉભી કરે છે. એથી ઉલટું ત્યાગભાવથી ભોગવવામાં નમ્રતા, નિર્મમતા, નિર્મોહવૃતિ, વિષય પ્રત્યેની ઉપરામતા અથવા અનાસક્તિ, નિસ્વાર્થભાવના અને પરમપાવની પ્રજ્ઞા હોય છે. ત્યાગભાવથી ભોગવનારને ભોગવવાનો નશો નથી ચઢતો. એ ભાન પણ નથી ભૂલતો. એની પાસે જે છે તેને એ પરમાત્માનો પ્રસાદ માનીને ભોગવે છે. એ કશાનો માલિક નથી બનતો. એ બીજાનો વિચાર પણ કરતો હોય છે. બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ અને સમુન્નતિનો અને એને સાકાર કરવાની સાધના કરે છે. એવી પરહિતને માટેની સાધનામાં કદાચ પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ તેમજ સમૃદ્ધિનો ભોગ આપવો પડે તોપણ એવો ભોગ આપવા પ્રસન્નતાપૂર્વક તૈયાર રહે છે. જગતના જુદાજુદા રૂપરંગાત્મક વાતાવરણની વચ્ચે વસીને પોતાની જીવન ધ્યેયને સતત રીતે યાદ રાખે છે અને એની પરિપૂર્તિના પ્રયત્નોમાં નિરંતર મક્કમતાપૂર્વક મશગૂલ રહે છે.

જગતમાં પોતાને માટે જીવનારા અને બીજાને માટે જીવનારા એવા બે પ્રકારના માનવો જોવા મળે છે. એમાંથી કૂતરા જેવા ને બીજાને કાગડા જેવા કહી શકાય. કૂતરાને જ્યારે રોટલો નાખવામાં આવે છે ત્યારે એ પોતાના પગ નીચે દબાવી રાખે છે, આજુબાજુ બધે જુએ છે, અને બીજું કોઇ કૂતરું નથી આવતું એની ખાતરી થતા ખાવા માંડે છે. બીજું કોઇક કૂતરું આવે તો રોટલાના ટુકડાને પગ નીચે દબાવીને એની સામે ભસવા માંડે છે, લડે છે, અને એ દૂર જાય ત્યારે જ જંપે છે. કૂતરું આમ તો વફાદાર હોય છે પરંતુ એનામાં સાથે મળીને ખાવાની, ત્યાગભાવથી ભોગવવાની વૃતિ તથા પ્રવૃતિનો અભાવ દેખાય છે. કાગડાની કથા એનાં કરતાં જૂદી જ હોય છે. એ શું કરે છે ? એની આગળ કોઇપણ પ્રકારનો ખોરાક નાખવામાં આવે એટલે એકલપેટાપણાનો ઉપદેશ એને ગળથૂથીમાંથી જ ન આપવામાં આવ્યો હોય એમ એ પોતાના જ્ઞાતિબંધુ જેવા બીજા કાગડાઓને બોલાવવા કાગ કાગ કરી મૂકે છે. અને બીજા કાગડાઓ એની આગળ એકઠા થાય છે પણ કોઇપણ પ્રકારના વિરોધ કે તજજન્ય ઘર્ષણ સિવાય શાંતિથી સંપીને આરોગે છે. કાગડાની બીજી વૃતિઓ કદાચ ખરાબ હશે કિન્તુ સાથે મળીને ખાવાની એ નિઃસ્વાર્થ સામાજિક વૃતિ આદરણીય, અભિનંદનીય અને અનુકરણીય છે. માનવે એમાંથી બોધપાઠ લઇને નક્કી કરવાનું છે કે પોતાના જીવનમાં ક્યી પ્રકારની વૃતિ કે પ્રવૃતિ કેળવવી છે, કૂતરા જેવી સ્વાર્થવૃતિ કે કાગડા જેવી સામાજિક સર્વ શ્રેયસ્કરી પરાર્થવૃતિ ? ઉપનિષદ કહે છે કે એણે ત્યાગવૃતિને અથવા પરહિતનું ધ્યાન રાખીને અનુભવાતી ભોગવૃતિ કેળવવી જોઇએ, એવી ભોગવૃતિ વિશુદ્ધ આત્મબલિદાન સાથે ભળીને એનું અધઃપતન નહીં આદરે પરંતુ એનું ને સમાજનું કલ્યાણ કરશે.

એ બંને વૃતિઓ કરતાં વિલક્ષણ એવી એક ત્રીજી વૃતિ તથા તજજન્ય પ્રવૃતિ પણ માનવની અંદર રહેલી છે. એ વૃતિ તથા પ્રવૃતિ અત્યંત વિરલ હોવા છતાં વાસ્તવિક છે અને કોઇકોઇવાર એનો પરિચય પ્રાપ્ત થાય છે. એ વૃતિવાળો માનવ બીજાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ કે સમુન્નતિને વિશેષ મહત્વ આપે છે એટલું જ નહીં પરંતુ એથી આગળ વધીને એને માટે પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ કે સમૃદ્ધિનું અને કોઇકોઇવાર જીવનનું પણ બલિદાન આપવું પડે તો આપવા તૈયાર રહે છે. અને હસતાં હસતાં આપે છે. પોતાની જાતને બીજાને માટે ખપાવી દે છે. ભારતીય સંસ્કૃતિએ એ સંદેશ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે. એ વિશેષતાને જીવનમાં સંમિશ્રિત કરવાનું કે વણવાનું કઠિન લાગે તોપણ ઉપનિષદના ત્યાગીને ભોગવવાના આદેશનું અનુસરણ તો કરવું જ ઘટે. એ આદેશનું અનુસરણ જો સર્વકોઇ કરે તો સમાજની સૂરત બદલાઇ જાય.

ત્યાગભાવથી ભોગવવાનો અર્થ મમતા અને આસક્તિને પરિત્યાગીને વસ્તુને ઇશ્વરનો પ્રસાદ માનીને ભોગવવાનો છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ છે તે બધું જ ઇશ્વરનું છે અને ઇશ્વરની એ મિલ્કતને પોતાની માનીને એમાં મમત્વ કરવાનું બરાબર નથી. જે ઇશ્વરનું અને ઇશ્વરે આપેલું છે તે ધન તેમજ જીવન ઇશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઇશ્વરના જગતની સુખાકારી માટે વપરાય તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા તેમાં રહેલા છે. તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે. એવી રીતે જ એનું અવલોકન કરવું જોઇએ. સૌની અંદર અને સર્વત્ર પરમાત્માનું દર્શન કરવામાં આવે તો ભેદભાવ, ભય, મોહ, રાગ, દ્વેષ અને મિથ્યાભિમાન મટી જાય. જીવન પ્રેમથી પુલકિત, પ્રસન્ન અને પવિત્ર થાય. જે સર્વત્ર પરમાત્માદર્શન કરે છે તે જગતના બહિરંગ દર્શનથી સંમોહિત થયા ને ભાન ભૂલ્યા વિના, વિવિધ નામરૂપાત્મક જગતમાં રહેલી અંતરંગ એકતાને અનુભવે છે. એનું જીવન શાંત અને સંવાદી બને છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.