પ્રશ્ન : ખેચરી મુદ્રા એટલે શું તથા તે શરૂઆતના સાધકને કેવી રીતે મદદરૂપ થાય છે ?
ઉત્તર : ખેચરી મુદ્રા યોગસાધનાની એક કઠિન મુદ્રા છે. તે મુદ્રા ખાસ કરીને જીભની મદદથી કરવાની હોય છે. જીભ ટૂંકી અને લાંબી બે જાતની હોય છે. ટૂંકી જીભવાળા સાધકે ઘર્ષણ, દોહન જેવી ક્રિયાઓની મદદ લઈને સૌથી પહેલાં તો જીભને લાંબી કરવી પડે છે. તે પછી જીભને ઉલટાવીને તાળવે છિદ્રો છે ત્યાં લગાડવી પડે છે. લાંબી થયેલી જીભ જ્યારે તાળવે લાગે છે ત્યારે એક પ્રકારના માદક ઉત્તમ રસનો સ્વાદ મળે છે, પ્રાણવાયુનું સ્થંભન થાય છે તથા ચિત્તવૃત્તિનો લય થતાં સમાધિદશાનો સ્વાદ મળે છે. એ અવસ્થા અથવા મુદ્રાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ અનેક પ્રકારની નાની-મોટી શક્તિઓનો આપોઆપ આવિર્ભાવ થાય છે. પરંતુ એ મુદ્રાની સિદ્ધિ માટે એક એકધારા, લાંબા વખતના ખંતપૂર્વકના અભ્યાસની આવશ્યકતા છે. તે ઉપરાંત, અનુભવી સદ્ ગુરૂના માર્ગદર્શનની પણ જરૂર રહે છે. આટલી વિગત પરથી સહેલાઈથી સમજી શકાશે કે ખેચરી મુદ્રાની સાધના યોગસાધનાના શરૂઆતના સાધકને માટે નથી જ. તેમાં યોગસાધનામાં સંગીન રીતે આગળ વધેલા સાધકનું જ કામ છે. શરૂઆતના સાધકે સદાચારી જીવન જીવવા તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. એની સાથે સાથે આસન, પ્રાણાયામ, ને ધ્યાનની સાધના પણ કરવી જોઈએ. તથા શાંતિ, શક્તિ કે પ્રેરણા મેળવવા માટે સત્સંગ તેમજ પ્રાર્થનાનો નિયમિત આધાર પણ લેવો જોઈએ.
પ્રશ્ન : શાસ્ત્રોમાં જેને શાંભવી મુદ્રા કહે છે તે શું છે ? એ મુદ્રાનો અભ્યાસ કેવી રીતે થઈ શકે છે ? એની પદ્ધતિ કેવી હોય છે ?
ઉત્તર : મુદ્રા શબ્દનો પ્રયોગ અને મુદ્રાઓના વૈજ્ઞાનિક કહી શકાય એવા વિસ્તારપૂર્વકના સાધનાવિષયક અભ્યાસક્રમનો સ્વીકાર ખાસ કરીને જ્ઞાન કે ભક્તિના માર્ગમાં નથી કરવામાં આવ્યો પરંતુ યોગના માર્ગમાં યોગસાધનાના અનુભવી આચાર્યો દ્વારા કરવામાં આવ્યો છે. શાંભવી મુદ્રા પણ એમાં અપવાદરૂપ નથી જ. તડાગી, ખેચરી, યોનિ તથા મહામુદ્રાની પેઠે શાંભવી મુદ્રા પણ એક મહત્વની મુદ્રા અથવા ક્રિયા છે. એનો ઉલ્લેખ યોગવિદ્યાના પ્રાચીન ગ્રંથોમાં કરાયેલો છે. એ મુદ્રાનો અભ્યાસ કરવાની ઈચ્છાવાળા સાધકે પદ્માસન જેવા કોઈક વિશેષ આસનમાં બેસવું જોઈએ. એ પછી મનને બહારના તર્કવિતર્કો ને વિચારોથી બને તેટલું મુક્ત કરીને દ્રષ્ટિને બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં એટલે કે આજ્ઞાચક્રમાં સ્થિર કરવી જોઈએ.
પ્રશ્ન : એ વખતે આંખ ઉઘાડી રાખવી કે બંધ રાખવી ?
ઉત્તર : ઉઘાડી રાખવી. કારણ કે શાંભવી મુદ્રા ઉઘાડી આંખે જ કરવાની હોય છે.
પ્રશ્ન : એવી રીતે કેટલાક વખત સુધી બેસવું જોઈએ ?
ઉત્તર : એનો આધાર સાધકની રૂચિ, રસવૃત્તિ કે અનુકૂળતા પર રહે છે. છતાં પણ એનો અભ્યાસ કરતા એક આસન પર જેટલા પણ વધારે વખત સુધી બેસી શકાય તેમ સારૂં.
પ્રશ્ન : પરંતુ વધારે વખત સુધી બેસવાથી આંખ દુઃખવા ના આવે ?
ઉત્તર : આંખ શરૂઆતમાં દુઃખશે ખરી પરંતુ પછી અભ્યાસ વધતો જશે તેમ, પાછળથી નહિ દુઃખે. આંખ દુઃખે ત્યારે થોડોક વખત વચ્ચે અભ્યાસ મુકી દેવો, બંધ રાખવો, ને આરામ કરવો. આરામ જેવું જણાય એટલે અભ્યાસ ફરી શરૂ કરવો. એમાં કશું હરકત જેવું નથી.
પ્રશ્ન : એવા અભ્યાસને લીધે આંખમાંથી પાણી પડે તો ?
ઉત્તર : તો શું ? પડવા દેવું. શરૂઆતમાં પાણી પડે પણ ખરૂં. પાછળથી અભ્યાસ વધતાં ને પરિપક્વ બનતાં એ અટકી જશે.
પ્રશ્ન : શાંભવી મુદ્રાનો અભ્યાસ કરતી વખતે મનને બંને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીએ ત્યારે એ અવસ્થામાં નામજપ કરી શકાય ખરા ?
ઉત્તર : જરૂર કરી શકાય. જો સાધકને નામજપ કરવાની રૂચિ હોય તો તે અવશ્ય કરી શકે.
પ્રશ્ન : નામજપ ના કરવા હોય તો શું કરવું ?
ઉત્તર : દ્રષ્ટિને ભ્રમરની મધ્યના પ્રદેશમાં સ્થાપિત કરીને શાંતિથી બેસી રહેવું ને ધ્યાન કરવું. શાંભવી મુદ્રા એવી રીતે મનની વિષયવતી બાહ્ય વૃત્તિને ધ્યાનમાં લગાડવાની મુદ્રા છે. એનું વર્ણન કરનારા અનુભવસિદ્ધ આચાર્યોએ જણાવ્યું છે કે એ મુદ્રામાં દ્રષ્ટી ઉઘાડી હોય છે તો પણ મન બાહ્ય પદાર્થો કે વિષયોમાં નથી ભમતું. મનની વૃત્તિ ક્રમશઃ શાંત થઈ જાય છે અને છેવટે તદ્દન શાંત બનતાં આંખ ઉઘાડી હોય છે તો પણ કશું નથી જોતી. શાંભવી મુદ્રા સાધકને વિચારો, વિકલ્પો ને વિષયોની પેલી પારના પ્રશાંત પ્રદેશમાં પ્રવેશ કરાવે છે.
પ્રશ્ન : એનો મહત્વનો લાભ શું ?
ઉત્તર : એનો મહત્વનો લાભ એટલે મનની પરમશાંત દશાની અથવા સમાધિની પ્રાપ્તિ. એને માટે જ એ કરવામાં આવે છે. એનું મહત્વ યોગની સુપ્રસિદ્ધ સાધનામાં એટલા માટે જ માનવામાં આવ્યું છે.
પ્રશ્ન : બંને ભ્રમરની મધ્યમાં એવી રીતે દ્રષ્ટીને સ્થિર કરીને ધ્યાન અથવા નામજપ કરીએ તે બરાબર છે કે આંખને બંધ કરીને કરીએ તે ?
ઉત્તર : ઉત્કટ ઉત્સાહ કે ધગશવાળા, ઉચ્ચ કોટિના, પ્રયોગશીલ સાધકોની વાત જુદી છે. એ શાંભવી મુદ્રાનો આધાર લઈને બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં દ્રષ્ટીને સ્થિર કરીને ધ્યાન કે જપ કરશે તો ચાલશે. તેમને તેથી કોઈ ખાસ તકલીફ નહિ પડે. પરંતુ બીજા સર્વ સામાન્ય મોટા ભાગના સાધકોની દ્રષ્ટિથી વિચારીએ ને ઉત્તર આપીએ તો કહી શકીએ કે તેમને માટે જપ કે ધ્યાન કરતી વખતે શાંભવી મુદ્રા કરવાનું ઠીક નહિ થાય. તેમને આપણે તેવી ભલામણ નહિ કરી શકીએ. તેમને માટે તો આંખને બંધ રાખીને જ જપ કે ધ્યાનના અભ્યાસનો વિધિપૂર્વક આરંભ કરવાનું ઉચિત રહેશે. એથી એમનું મન સહેલાઈથી સ્થિર બનશે અથવા એકાગ્રતાનો અનુભવ કરશે. કેવળ મુદ્રાનો અભ્યાસ કરવો હોય, એવી વિશેષ અભિરુચિ હોય, તો એનો અભ્યાસ કરી શકાય છે. બાકી આત્મવિકાસની સાધનામાં આગળ વધવા માટે અને આત્મશાંતિના અનુભવને માટે એના અભ્યાસની આવશ્યકતા વિશેષપણે નથી લાગતી.