if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : સિદ્ધિઓનો સદુપયોગ થઈ શકે છે ખરો ?
ઉત્તર : જગતની પ્રત્યેક વસ્તુનો સારો ને નરસો બંને પ્રકારનો ઉપયોગ થઈ શકે છે. એવા ઉપયોગનો આધાર માણસની બુદ્ધિ, વૃત્તિ, દ્રષ્ટિ કે ભાવના પર રહે છે. લાકડી કોઈને મારવાના કામમાં પણ કામ લાગે છે અને કોઈનો આધાર પણ બની શકે છે, અથવા કોઈની રક્ષા પણ કરે છે. સિદ્ધિઓનું પણ એવું જ સમજી લેવાનું છે. માણસને કોઈ રીતે તેમની ઓછા કે વત્તા પ્રમાણમાં પ્રાપ્તિ થાય તો એમની અંદર આસક્ત બનવાને બદલે કે એમનાથી અભિમાની બની જવાને બદલે એમનો ઉપયોગ કરીને બીજાને વધારે ને વધારે પ્રમાણમાં ને પોતાની રીતે મદદરૂપ થવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. સિદ્ધિઓની સાચી શોભા ને સફળતા એમાં જ છે. બીજાની સેવા કરવામાં અને આત્મવિકાસના ક્ષેત્રમાં ઉત્તરોત્તર આગળ વધવામાં.

પ્રશ્ન : પરંતુ સિદ્ધિની પ્રાપ્તિ કરી ચૂકેલા પુરૂષોમાં બીજાની સેવાની એવી વિશાળ ભાવના ભાગ્યે જ હોય છે. બીજાની સેવાને એ મોહ, માયા કે અજ્ઞાન માને છે તેનું શું ?
ઉત્તર : એવું હોય તો એ આપણી મોટામાં મોટી કમનસીબી છે. એને લીધે આપણને આજ સુધી ખૂબ ખૂબ નુકસાન પહોંચ્યું છે. બીજાને કામ લાગવાની વૃત્તિ કે પ્રવૃત્તિને માયા, મોહ કે અજ્ઞાન માનવામાં જ અજ્ઞાન રહેલું છે. એ અજ્ઞાનમાંથી છૂટ્યે જ છૂટકો છે. એવા અજ્ઞાનમાં રમનારી પ્રજા આગળ ના વધી શકે, દુઃખી થાય ને સ્વપ્ને પણ સુખશાંતિ તથા સમૃદ્ધિ ના મેળવી શકે. અધ્યાત્મ, ધર્મ, સાધના કે યોગને નામે પ્રજાને આપણે સ્વાર્થી થવાનું ને એકલપેટા બનવાનું નથી શીખવતા. એવું શીખવવાનો વિચાર પણ નથી કરી શકતા. આપણે તો એને નિઃસ્વાર્થ, ઉદાર અને સેવા પરાયણ કરવા માગીએ છીએ અને સંદેશ પણ એવો જ આપીએ છીએ. આપણા પ્રાતઃસ્મરણીય સત્પુરૂષોએ આપણને એવું જ શીખવ્યું છે. સિદ્ધિપ્રાપ્ત પુરૂષો, સંતો કે સાધકો એમાં અપવાદરૂપ નથી. જે હકીકત સમસ્ત પ્રજાને લાગુ પડે છે તે એમને પણ લાગુ પડે છે. એ સંબંધમાં કોઈ ખોટી છૂટછાટ ના હોઈ શકે.

પ્રશ્ન : શાંભવી મુદ્રાની મદદથી સિદ્ધિઓ મળી શકે ?
ઉત્તર : કેવી સિદ્ધિઓ ?

પ્રશ્ન : આકાશમાં ઉડવાની, મોટામાં મોટું બનવાની, નાનું રૂપ ધારણ કરવાની, અદ્રશ્ય થઈ જવાની, બીજાના મનની વાતને જાણી લેવાની, ભૂત ભાવિ ને વર્તમાનના ભેદને ઉકેલવાની, પોતાની ઈચ્છા પ્રમાણેના પદાર્થોની પ્રાપ્તિ કરવાની અને એવી બીજી સિદ્ધિઓ.
ઉત્તર : એવી બધી સિદ્ધિઓની ઈચ્છા શા માટે રાખો છો ?

પ્રશ્ન : લોકોને આંજી નાખવા કે પ્રભાવિત કરવા માટે.
ઉત્તર : એવો આશય બરાબર નથી. એવા આશયને લીધે કોઈ રીતે કોઈ પ્રકારે સિદ્ધિઓ મેળવશો તો પણ શાંતિ નહિ મેળવી શકો. તમારો હેતુ જરા પણ આવકારદાયક નથી. એ અશુદ્ધ છે. તમારે સાચા અર્થમાં શાંતિ મેળવવી હોય તો ઈશ્વરદર્શન અથવા આત્માના અપરોક્ષ અનુભવની મોટામાં મોટી, મહત્વની સિદ્ધિ મેળવવી જોઈશે. આત્મિક સાધનાનો આશ્રય પણ એને માટે જ લેવો પડશે. બીજી સિદ્ધિઓ તમારી કે બીજા કોઈની શાંતિની ભૂખ નહિ ભાંગી શકે. એમના મોહમાં પડીને મૂળ માર્ગને ભૂલી જવાનો કે ધ્યેયને ચૂકી જવાનો સંભવ વધારે રહે છે. માટે એ મોહ મૂકી દો. એ સહજ રીતે આવે તો ઠીક છે, એમનો સદુપયોગ કરો, બાકી એમની લાલસા ન રાખો.
 
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.