Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : નાદાનુસંધાન એટલે શું ?
ઉત્તર : નાદનું અનુસંધાન કરવું અથવા નાદની સાથે સંબંધ જોડવો તે.

પ્રશ્ન : એ અનુસંધાન કૃત્રિમ હોય છે કે સહજ હોય છે ?
ઉત્તર : બંને પ્રકારનું હોઈ શકે છે.

પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : સાધનાની શરૂઆતની દશામાં સાધકે નાદને કૃત્રિમ રીતે પેદા કરીને એની અંદર પોતાની ચિત્તની વૃત્તિને જોડવી અને સ્થિર કરવી પડે છે. એને માટે ખાસ ક્રિયાનો આધાર પણ લેવો પડે છે. પરંતુ સાધનામાં આગળ વધ્યા પછી એવી કોઈ બહારની ક્રિયા વગર પણ નાદનું શ્રવણ પોતાની મેળે અંદરથી થાય છે તથા ચાલુ રહે છે.

પ્રશ્ન : નાદને જગાવવા માટે બાહ્ય ક્રિયા કઈ જાતની હોય છે, તેને સમજાવો તો સારું.
ઉત્તર : એ ક્રિયાને ષણ્મુખી મુદ્રા કહેવામાં આવે છે. એ મુદ્રા દ્વારા બંને હાથની આંગળીઓની મદદથી બંને કાનના છિદ્રો, નાક તથા મુખને બંધ કરવામાં આવે છે. એમ કરવાથી સાધકને પોતાની અંદરથી એટલે કે કાનમાંથી નાદ સંભળાય છે.

પ્રશ્ન : પરંતુ એમ કરતાં કરતાં શ્વાસ ગુંગળાઈ જાય તો ?
ઉત્તર : એવું લાગે ત્યારે નાકને બંધ કરવાનો આગ્રહ ન રાખવો. નાકને બંધ કર્યા વગર પણ એકલા કાનને બંધ કરવાથી નાદનું શ્રવણ કરી શકાય છે. વચ્ચે વચ્ચે જ્યારે હાથ દુઃખી જાય ત્યારે હાથને સરખા કરીને થોડોક આરામ કરવો. એ પછી નાદનું શ્રવણ કરવાનું ફરી પાછું શરૂ કરવું. એવો અભ્યાસ રોજ સવારે ને સાંજે દસથી પંદર મિનિટ કરી શકાય. રાતે અથવા વહેલી સવારે એ ક્રિયા કરવાનું વધારે અનુકૂળ અને લાભકારક છે.

પ્રશ્ન : એ ક્રિયાથી ખાસ કયો લાભ થાય છે ?
ઉત્તર : જેમ સુરીલા સંગીતનું શ્રવણ કરવાથી મન મુગ્ધ બનીને આનંદનો અનુભવ કરતાં ધીરે ધીરે આપોઆપ એકાગ્ર થઈ જાય છે, તેમ અંદરથી પેદા થનારા એ નાદમાં લાગેલું મન બહારના તર્કવિતર્કો અથવા વિષયોને છોડીને એની મેળે જ એકાગ્ર થઈ જાય છે. મનની ચંચળતાનું શમન થાય છે. એનાથી વિશેષ લાભ બીજો કયો જોઈએ છે ? ધીરે ધીરે અભ્યાસ વધતાં તલ્લીન બનેલું મન આખરે દેહાતીત દશાનો અનુભવ કરવા માંડે છે અને આત્માનુભવનો આનંદ માણે છે. ષણ્મુખી મુદ્રા તેવી રીતે સાધકની સહચરી બનીને ખૂબ જ ઉપયોગી ઠરે છે.

પ્રશ્ન : પોતાની અંદરથી સહજ રીતે પેદા થનારો નાદ કેવો હોય છે તે કહેશો ?
ઉત્તર : તે નાદ કાનને બંધ કર્યા વગર પોતાની અંદરથી, પોતાની મેળે જ પ્રગટ થતો હોય છે. શરૂઆતમાં તે નાદ એક કાનમાંથી સંભળાય છે. ને પછી બીજા કાનમાંથી. કોઈક વાર એ નાદ બંને કાનમાંથી એક સાથે સંભળાય છે અને ખૂબ જોરથી સંભળાય છે. ધીમે ધીમે વખતના વીતવાની સાથે તે મંદ પડી જાય છે તો પણ ચોવીસેય કલાક ચાલુ રહે છે. સાધક જાગતો હોય ત્યારે એ નાદને સદાને માટે સાંભળ્યા કરે છે. એ નાદ જીવનના અંતકાળ સુધી પછી એક જ કાનમાંથી અને મુખ્યત્વે જમણા કાનમાંથી સંભળાતો હોય છે.

પ્રશ્ન : નાદના પ્રકારો કેટલા ?
ઉત્તર : સામાન્ય રીતે તેના દશ પ્રકારો વર્ણવેલા છે. એમાં તમરા જેવો નાદ, ઘંટ જેવો નાદ, વાદળની ગર્જના જેવો નાદ, વાંસળી જેવો, એવા જુદા જુદા નાદનો સમાવેશ થાય છે. છેવટે પ્રણવને મળતો નાદ પણ સંભળાય છે. નાદાનુસંધાનની આ સાધના મનને શાંત કરવામાં મહત્વનો ભાગ ભજવનારી અને વૈજ્ઞાનિક છે.

પ્રશ્ન : એનો આશ્રય સંસારીજનો લઈ શકે ખરા ?
ઉત્તર : કોઈ પણ લઈ શકે. જેને રૂચિ અને રસ હોય તેમ જ આત્મિક વિકાસની ધગશ હોય તે એનો આધાર લઈ શકે છે. એનાથી કશું નુકસાન થવાનો સંભવ નથી. સંસારી ને ત્યાગી સૌને માટે એ આશીર્વાદ રૂપ છે.